નેશનલ સ્લીપ ફાઉન્ડેશન જણાવે છે કે પુરુષોની સરખામમઈએ સ્ત્રીઓમાં નસકોરાં બોલાવવાની ફરિયાદ ઓછી હોય છે
ઊઠો, પડખું ફરીને સૂવો’
પતિનાં નસકોરાંથી ત્રસ્ત પત્નીએ અડધી રાતે કહ્યું. આ અને આવાં ઘણાં વાક્યો અનેક લોકોના બેડરૂમમાં સાંભળવા મળતાં હોય છે. સવારે પત્નીનું ફૂલેલું મોં જોઇને પતિદેવ સમજી જાય કે મારાં નસકોરાંના અવાજથી શ્રીમતીજીની ઊંઘ બગડી છે અને તેથી મિજાજ પણ.
મેલ્વિન આઈત્ઝર : બ્રિટનનના મેલ્વિન આઈત્ઝરનું નામ ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્ઝમાં તીવ્ર નસકોરાં બોલવાને કારણે નોંધાઈ ચૂક્યું છે. નસકોરાંના અવાજની તીવ્રતા ૮૮ ડિસિબલના અંક સુધી પહોંચી ગઈ. પૂરપાટ સ્પીડથી મોટર સાયકલ ચલાવે ત્યારે જેટલો અવાજ થાય તેટલો જ અવાજ બ્રિટનના મેલ્વિન સાહેબનાં નસકોરાંનો હતો.
નોંધ : મેલ્વિન સ્વાઈત્ઝરની પત્નીને એક વર્ષથી કાને સંભળાવાનું બંધ થઈ ગયેલું.
નસકોરાંનો અવાજ કોને વધારે આવે?
- ખૂબ થાકી ગયા પછી પ્રગાઢ નિદ્રા માણી રહેલા માણસો.
- સૂતાં પેહેલાં શરાબ, અફીણ, ભાંગ, ચરસ, જેવા માદક ચીજો લીધી હોય
- ઊંઘ લાવનારી ગોળીઓ લીધા પછી સૂવું
- વધારે પડતી ચરબી - એક સંશોધન પ્રમાણે પુરુષોમાં જરૂરિયાત કરતાં વીસ ટકા અને સ્ત્રીઓમાં ત્રીસથી ચાલીસ ટકા વજન વધી જાય તો નસકોરાંનો અવાજ વધવાની સંભાવના વધી જાય છે.
- નાક અને ગળામાં કોઈ ત્રૂટી હોય જેમ કે ટોન્સિલ્સ, મસા, નાકનો વાંકો પડદો વગેરે.
- શરદી, નાકમાં સોજો, એલર્જીના દર્દીને નસકોરાંનો અવાજ વધુ આવે.
- મીઠાઈ વગેરે મધુર અને ભારે ચીજો લેવાથી મસ્તિકમાં સેરોટોનિક નામનો રાસાયણિક સ્રાવ વધે છે, જે માણસને પ્રગાઢ નિદ્રામાં ખેંચી જાય છે આવી ચીજો વધુ ખાવાથી નસકોરાંનો અવાજ પણ વધે છે.
ઉપચારક્રમ
ષડબિંદુ તેલ : ષડ્ એટલે છ અને બિંદું એટલે ટીપાં. છ ટીપાંની માત્રા જેની છે તે ઔષધ - ષડબિંદુ તેલ.
- કાળા તલના તેલમાં, ભાંગરો, ડોડી, બકરીનું દૂધ, રાસ્ના, સૂંઠ, જેઠીમધ, વાવડિંગ વગેરે ઔષધથી સિદ્ધ કરવામાં આવે છે. આ તેનો ઉપયોગ સામાન્ય રીતે વાળનાં મૂળને દૃઢ કરવા માટે અને સફેદ થતા વાળને કાળા કરવા માટે નાકમાં ટીપાં પાડીને કરાય છે. પરંતુ તેમાંનાં ઔષધો ત્રણેય દોષોથી થતી નાક, દાંત, વાળની વિકૃતિઓને દૂર કરવાની ક્ષમતા ધરાવે છે.
- પિત્ત પ્રકૃતિના લોકોએ આમાં સરખા પ્રમાણમાં ગાયનું ઘી ઉમેરીને વાપરવું.
ઉપયોગની રીત : ઓશિકું ગરદન નીચે રાખી નાક ઉપર રહે તે પ્રમાણે માથું રાખવું. બંને નસકોરામાં ષડ્બિંદુતેલનાં છ - છ ટીપાં પાડવાં. તેલ થોડીવારમાં ગળામાં આવશે. પછી ગળું પાણીથી સાફ કરવું. રાત્રે સૂતી વખતે આ ઉપચાર કરવો.
લક્ષ્મીવિલાસ રસ : લક્ષ્મી વિલાસ રસની એક-એક ગોળી વાટીને મધ અને ઘી સાથે લેવી. આ નસકોરાં માટેનું ઉત્તમ ઔષધ છે.
એરંડભ્રષ્ટ હરિતકી : દીવેલમાં નાની હિમજને શેકીને બનાવેલ એરંડાભ્રષ્ટ હરિતકી રાત્રે સૂતી વખતે એક ચમચી ગરમી પાણી સાથે લેવાથી વાયુનું આનુલોમન થવાથી ક્રમશ: નસકોરાંનો અવાજ ઓછો થઈ જાય છે.
આહાર : જીવન શૈલી
- નસકોરાંનો અવાજ બહુ આવતો હોય તેમણે રાત્રે મોડે ન જમવું : સાંજે ૭ વાગ્યા પહેલાં જમી લેવું.
- રાત્રે ભારે ખોરાક ન ખાવો તથા પેટ તણાય તેટલું ન ખાવું.
- જમીને તરત વધારે પડતું પાણી ન પીવું.
- દિવસે ઊંઘવું નહીં.
લેખક વૈદ્ય સુષમા પ્રવીણ હીરપરા, આરોગ્યમ્, aarogyatirth@gmail.com