શિયાળાની ઋતુમાં વાતાવરણની ઠંડક, ઠંડી હવાનો સામનો થવાની સાથે કેટલાંક વ્યક્તિઓ કફદોષનાં અસંતુલનથી થતી નાની-મોટી બીમારીનાં શિકાર બની જતાં હોય છે. નાકમાં ઠંડી હવા શ્વાસોશ્ચછવાસ દ્વારા સંપર્કમાં આવવાથી નાકની આંતરત્વચામાં ક્ષોભ થઇ અને નાકમાંથી પાણી ટપકવા લાગવું, છીંકો આવવી જેવા લક્ષણોથી શરૂઆત થઇ લગભગ આખી શિયાળાની ઋતુ દરમ્યાન શરદી, માથુભારે રહેવું, ગળામાં કફ લેપયેલો રહેવો, ખાંસીનાં ઠસકા આવ્યા રાખે આવી બધી જ કફની તકલીફ રહેતી હોય છે. વારંવાર એન્ટીહિસ્ટામીનીક અને એન્ટીબાયોટીક્સ દવાઓ લેવાની આડઅસરથી બચવા માટે આવા હઠીલા, ચીકણા અને પીડાદાયક કફને કાઢવા માટે કોઈને કોઈ કુદરતી ઉપચારની શોધમાં હોય છે.
જનસામાન્યમાં કફથી થતી તકલીફએ ઠંડકથી થતી તકલીફ છે, તેથી કફ દૂર કરવા માટે જે કોઇપણ ગરમ ઉપચાર હોય તે ફાયદો કરે તેવી સમજ હોય છે. પરંતુ જો વ્યક્તિ પિત્તાધિક્ય પ્રકૃતિ ધરાવતી હોય, હાયપર એસિડીટી, ગેસ્ટ્રીક અલ્સર, ગેસ્ટ્રાઈટીસ જેવા રોગથી પીડાતી હોય ત્યારે આદુંનો રસ, ગંઠોડા, મરી જેવા પદાર્થોનાં અતિરેકથી નુકશાન થવાની સંભાવના રહે છે.
વાયુ, પિત્ત અને કફ આ પૈકીનું કફ એ સૌમ્ય મૂળભૂત તત્વ છે. તેના ગુણો અને ઉપયોગીતાથી શરીરનાં અવયવોમાં વૃદ્ધિ થવી, રૂઝ આવવી, શરીરની રક્ષા વગેરે બહુઆયામી કાર્યો થાય છે. શરીરની ઇમ્યુનિટીનો આધાર કફ તત્વની કામગીરી પર આધાર રાખે છે. શરીરમાં જીવાણુંનું આક્રમણ થતાં જ એન્ટીબોડીઝ, Opsonin, Lysonymc વગેરેની ઉત્પત્તિ થવા માટે ‘કફ તત્વ’ જવાબદાર છે જેના દ્વારા શરીરને નુકશાનકારક જીવાણુંને રોકવાની, દૂર કરવાની બાયોકેમિકલ પ્રોસેસ ચાલુ થઇ જાય છે.
કફ તત્વ બ્રેઈનનાં યોગ્ય વિકાસ માટે જવાબદાર છે. મનમાં ઉત્સાહ જળવાઈ રહેવો, ધૈર્ય, સહનશક્તિ જેવા કાર્યો કફ આધારિત હોય છે. મ્હોં, જઠર, ફેફસા વગેરે અવયવોની આંતરત્વચામાં રહેલી ચીકાશ, જીભ દ્વારા સ્વાદ પારખવાની શક્તિ, હાડકાનાં સાંધાઓ વચ્ચે રહેલ ટેન્ડન્સ, સાયનોવિયલ ફ્લ્યુડ, વગેરેની કાર્યક્ષમતા અને પોષણ શરીરનું પ્રાકૃતિક કફતત્વ આધારિત હોય છે. આવા અનેક શરીરોપયોગી કામ કરવાવાળું સૌમ્ય તત્વ કફ શરીર માટે આધારસ્તંભ સમાન છે. પરંતુ તેના પંચભૌતિકત્વ આધારિત સંઘટનને તેના પ્રમાણથી વધુ પ્રવાહીપણું, ચીકાશ, ઠંડક વગેરેથી તેનું મૂળ સ્વરૂપ બગડે છે. જે તે અવયવમાં જ્યાં તે પ્રમાણ અને ગુણધર્મથી વધે કે બગડે ત્યારે કફ સબંધિત બીમારી થતી હોય છે.
વધુ પડતા ચીકણા, મીઠો રસ ધરાવતા, પચવામાં ભારે હોય તેવા ખોરાકની પસંદગી જેઓ વારંવાર કરતાં હોય, વધારે પ્રમાણમાં ખાતા હોય તેઓને કફને લગતી બીમારી થાય, તે સ્વાભાવિક છે તેવી જ રીતે જેઓ કુદરતી રીતે ‘ક્ફાધિક્ય પ્રકૃતિ’ ધરાવતા હોય તેઓને ઠંડકવાળું વાતાવરણ, ફ્રિઝનું પાણી – કોલ્ડ્રીંક્સ, દુધ-માવાની ચીકણી મીઠાઈ વગેરે જેવા નજીવા કારણોથી પણ કફ પ્રમાણથી વધી જતો હોય છે.
જેઓ સ્વભાવે આરામપ્રિય-આળસુ, ઊંઘણશી હોય, શારીરિક શ્રમ બિલકુલ ન કરતાં હોય અને તે સાથે વધુ કેલરીવાળો ખોરાક ખાધા કરતા હોય તેઓને પણ કફ સબંધિત બીમારીઓ વારંવાર થાય છે.
બાળકોને વારંવાર શરદી-ઉધરસ થઇ જતાં હોય છે. કફ છાતીમાં જમા થઇ જતો હોય છે. ચીકણો અને જમા થઇ ગયેલો કફ બ્હાર કાઢવા માટેની પ્રતિક્રિયા માટે ખાંસી આવ્યા કરતી હોય છે.
આયુર્વેદનાં ત્રિદોષ સિધ્ધાંત મુજબ બાલ્યાવસ્થામાં કફતત્વનું પ્રભુત્વ હોય છે. પ્રાકૃતિક રીતે જે તે બાળકની પ્રકૃતિ વાયુ કે પિત્ત આધિક્યવાળી હોય શકે છે પરંતુ બાલ્યાવસ્થામાં કફતત્વની પ્રધાનતા હોય છે તેથી બાળકોને નજીવા કારણોથી કફ સબંધિત બીમારીઓ થઇ જતી હોય છે. બાળકોની ઇમ્યુનિટી ઓછી હોય છે, તથા ફેફસાની નળીઓમાં થતાં ચીકણા સ્ત્રાવ અને ગળામાં જામી જતાં કફને તેઓ જોર કરી નાકથી છીંકીને કે ગળફા દ્વારા બ્હાર કાઢી શકતા નથી. આથી જ ઘણાં બાળકોને શરદી-ઉધરસ સાથે ઝાડામાં કફ નીકળતો હોય છે. કેટલાંક બાળકોને ઉલટીમાં કફ બ્હાર આવતો હોય છે. શરીરની આ આગવી પ્રતિક્રિયા હોય છે. બાળકને દુધ પીવડાવ્યા બાદ કે ખાંસીનો હુમલો આવ્યા બાદ ઉલટી સાથે કફ વારંવાર નીકળે ત્યારે પેરેન્ટસ આવું કેમ થાય છે ? એવી ચિંતામાં પડી જતા હોય છે તો વળી કેટલાંક ઉલટી બંધ થવાની દવા પીવડાવી તેમ છતાં દિવસમાં એક વખત તો કફવાળી ઉલટી થાય છે જ એવી ફરિયાદ કરે છે. આમ થવા પાછળ કફને શરીરની બહાર કાઢવાનું શરીરનું પોતાનું ડિફેન્સ મિકેનીઝમ કાર્યરત હોય છે.
વાવડિંગ, પિપ્પલી, એલચી, તજ ૧૫-૧૫ ગ્રામ ચૂર્ણ, મરી ૩૦ ગ્રામ ચૂર્ણ, સૂંઠ ૨૦૦ ગ્રામ, સાકર ચૂર્ણ ૩૦૦ ગ્રામ આ મુજબ મિક્સ કરી બાળકને ૩ ગ્રામ બેવાર મધ સાથે મોટાઓ ૭ ગ્રામ બે વાર મધ અથવા ગરમ પાણી સાથે લેવું.
કાયમી એસિડીટી સબંધિત તકલીફથી પીડાતા હોય તેઓએ આદુનો રસ કે આદુવાળી ચ્હાનો ઉપયોગ ન કરવો. તેઓ હળદર, જેઠીમધ, એલચીનાં ચૂર્ણોને સાકર સાથે લઇ શકે છે. પિત્ત અને ક્ફનાં વિરોધી ગુણોને ધ્યાનમાં રાખી ઉપચાર કરવો જરૂરી બને છે. તેઓ હુંફાળા ગરમ ગાજર, પાલક, દુધી, કોળા જેવા શાકભાજીનાં સૂપનો ઉપયોગ કરી શકે છે. સૂંઠ-ગંઠોડાવાળા ઉકાળા કે રાબથી છાતીમાં બળતરા, પેટમાં દુખાવો વધી જતો હોય તેઓએ હળદર, જેઠીમધ, અરડુસીનો ઉપયોગ કરવો.
સ્ત્રોત: ર્ડો.યુવા અય્યર(આયુર્વેદ ફિઝિશિયન)
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/25/2020