શિયાળામાં તાપમાન નીચું હોવાથી અમુક પ્રકારના વાઇરસ એક્ટિવ થઇ જાય છે. આવા વાઇરસનો ચેપ લગતા નાકમાંથી પાણી જવું, ગળામાં ખીચ ખીચ, માથું દુખવું, ખાંસી આવવી જેવા ચિન્હો જોવા મળે છે. મોટા ભાગે શરદી ૩-૫ દિવસ સુધી વધે છે અને ૭-૧૦ દિવસમાં બધા ચિન્હો સુધારા પર આવવા લાગે છે. આમાં મોટા ભાગે કોઈ દવાની જરૂર નથી રહેતી, પરંતુ જો લાંબો સમય ચિન્હો રહે તો ડોક્ટરની સલાહ જરૂર લેવી.
શિયાળામાં ફલૂ થવું એ ખુબ સામાન્ય છે. ફલૂ થાય ત્યારે વ્યક્તિ થોડા દિવસ માટે પથારીવશ થઇ જાય છે અને નબળાઈના લીધે કોઈ કામ કરી શકતો નથી. આવા વખતે ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે જેથી દવાઓ લઈને ચિન્હોમાંથી રાહત મેળવી શકાય. આ ઉપરાંત યોગ્ય ખોરાક, ઊંઘ અને કસરત kari આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારવી જેથી આવા રોગથી દૂર રહી શકાય.
જો તમે અસ્થમાના દર્દી છો તો તમને ખ્યાલ હશે કે શિયાળામાં અસ્થમા એટેકનું પ્રમાણ વધી જાય છે. શિયાળામાં ઠંડી અને સૂકી હવાના લીધે શ્વસન તંત્ર માં રહેલી શ્વાસવાહિનીઓ કઠણ થઇ જાય છે અને એના લીધે શ્વાસ લેવો મુશ્કેલ બની જાય છે.
ઠંડીની ઋતુમાં ખાસ કરીને મોટી ઉંમરના લોકોમાં સાંધા જકડાઈ જવાની તકલીફ જોવા મળતી હોય છે. આ તકલીફ જેને આર્થરિટિસ કે વા ની બીમારી હોય તેમ વધારે જોવા મળે છે. શિયાળામાં આ વધારે થવાનું કોઈ ચોક્કસ વૈજ્ઞાનિક કારણ જાણવા મળ્યું નથી પરંતુ એક થીઅરી પ્રમાણે બેરોમેટ્રિક પ્રેશરમાં ધટાડો થવાના કારણે શરીરના સ્નાયુઓ તથા ટેન્ડન્સ એક્સપાન્ડ થઇ જાય છે અને સાંધા આસપાસની જગ્યામાં સાંકડી જગ્યાના લીધે આવો દુખાવો જોવા મળે છે.
મોટા ભાગના લોકો જાણતા નથી કે શિયાળાની ઋતુમાં હૃદયરોગના સૌથી વધુ બનાવો જોવા મળે છે. ઠંડીની ઋતુમાં જેમ તાપમાન નીચું જાય છે તેમ તેમ શરીરમાં રક્તવાહિનીઓ સંકોચાય છે અને આના લીધે હૃદય માટે બલ્ડ પમ્પ કરવું મુશ્કેલ થઇ જાય છે. અને આના પરિણામે હૃદયરોગનો હુમલો આવે છે.
શિયાળામાં લોકો ઘી તથા ચરબીવાળો ખોરાક વધારે લે છે, અને ઠંડીના લીધે કસરત કરવાનું ટાળે છે. તેના લીધે આ ઋતુમાં મોટા ભાગના લોકોનું વજન વધી જાય છે, કે જેને પછી ઘટાડવું અત્યંત મુશ્કેલ બની જતું હોય છે.
આના માટે શિયાળાની શરુઆતથીજ તકેદારી લેવી જરૂરી બનેછે. જેમાં વધુ ઘી કે કે ચરબીવાળો ખોરાક ના લેવો, યોગ્ય કસરત કરવી, સવારમાં નિયમિત ચાલવા જવું વગેરે જેવી ક્રિયાઓનો સમાવેશ થાય છે.
સ્ત્રોત: ડૉ.અભી વોરા(ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ)
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/19/2020