অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ઓબેસિટી સમસ્યા અને સારવાર

ઓબેસિટી સમસ્યા અને સારવાર

મેદસ્વીપણું (ઓબેસિટી) શું છે?

મેદસ્વીપણું એટલે સરળ ભાષામાં શરીરનું વજન સામાન્ય કરતાં વધારે હોવું. મેદસ્વીપણું એ શરીરની વધુ પડતી ચરબીના ભરાવાથી શરીરના માળખા અને બંધારણમાં ઉંમર, જાતિ અને ઉંચાઈ પ્રમાણેના આદર્શ ધોરણોમાં ફેરફાર લાવે છે. નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ (NIH) મુજબ શરીરના આદર્શ વજન કરતાં 20% કે તેથી વધુ વજનનો વધારો વ્યક્તિના સ્વાસ્થ્ય માટે જોખમરૂપ બની શકે છે.

ધ્યાનમાં લેવાતી બાબતો

વજન ઉતારવા માટે કરાયેલા ખોરાકને લગતા તમામ પ્રયાસોની અત્યાર સુધીની વિગતો

  • સર્જરી બાદ આહાર, કસરત અને મેડિકલ સૂચનોના સંપૂર્ણપણે અમલ માટે જીવનભરની કટિબધ્ધતા
  • મનોબળની દ્રષ્ટિએ વિશ્લેષણ
  • મેદસ્વીપણું તમારા આરોગ્ય માટે જોખમી હોઈ શકે છે
  • મેદસ્વીપણું બીજા ઘણા સામાન્ય રોગોનું મૂળ છે, જેમાં નીચે જણાવેલા રોગોનો સમાવેશ થાય છે.

ટાઈપ-2 ડાયાબિટીસ: મેદસ્વીપણું શરીરમાં શર્કરાના પ્રમાણને નિયંત્રિત કરતા ઈસ્યુલીન સામે પ્રતિરોધક શક્તિ ઉત્પન્ન કરે છે અને લાંબાગાળે હાઈ બ્લડ શુગર શરીરને નુક્સાન પહોંચાડી શકે છે.

હાઈ બ્લડપ્રેશન / હૃદય રોગ : શરીરના વધુ પડતા વજનના કારણે હૃદય પર ભાર વધતા તેની કાર્યક્ષમતા ઘટે છે, તેના કારણે હાયપર ટેન્શન (હાઈ બ્લડ પ્રેશર)ની સમસ્યા ઉદભવે છે અને ક્યારેક સ્ટ્રોક (બ્રેઈન હેમરેજ) થઈ શકે છે. આ ઉપરાંત હૃદય અને કિડનીને પણ નુક્શાન પહોંચી શકે છે.

ઓસ્ટીયો-આર્થરાઈટીસની સમસ્યા: ઓસ્ટિયો-આર્થરાઈટીસ સામાન્ય રીતે વજન સહન કરતાં સાંધાઓને નુક્શાન કરે છે, પરિણામે સાંધા અને હાડકામાં ઝડપથી ઘસારો અને દુખાવો થાય છે, જેથી લાંબા ગાળે સાંધાઓ નબળા પડી જાય છે.

અનિંદ્રા અને શ્વાસોચ્છાવાસની સમસ્યાઓ: જીભ અને ગળાના ભાગે વધુ પડતી ચરબીનો ભરાવો, હવાના આવન-જાવન પર થોડા થોડા સમયે અવરોધ ઊભો કરે છે અને તે ઊંઘમાં ખલેલ પહોંચાડે છે. આના પરિણામે દિવસે પણ સુસ્તી અને માથાના દુખાવાની સમસ્યાઓ ઉત્પન્ન થાય છે.

ગેસ્ટ્રોઈસોફેજલ રિફ્લક્સ / છાતીમાં બળતરા: મેદસ્વી વ્યક્તિઓને અન્નનળીના માર્ગે એસિડ વહેવાની શક્યતા રહે છે, જે પેટના ઉપરના ભાગે આવેલા વાલ્વની નબળાઈ કે તેના પરના વધુ પડતા ભારના કારણે થાય છે.

ડિપ્રેશન (હતાશા): ડાયટીંગમાં વારંવાર મળતી નિષ્ફળતા, પરિવારના સભ્યો અને મિત્રો દ્વારા થતી અવગણના, અપરિચિત વ્યક્તિઓ દ્વારા થતી ટિપ્પણીઓ, ચરબીને કાબુમાં લાવવા કરવા પડતા સતત પ્રયાસો આ બધું માનસિક દબાણ ઊભુ કરે છે અને પરિણામે દર્દી ડિપ્રેશનનો શિકાર બને છે.

વ્યંધત્વ (સ્ત્રી-પુરૂષ બંન્નેમાં):  સંતાન પ્રાપ્ત કરવા માટે અક્ષમતા અથવા ખૂબ જ ઓછી શક્યતા રહે છે તથા પુરૂષોમાં શુક્રાણુઓની ફળદ્રુપતા ઘટે છે.

ફેટી લિવર અથવા હિપેટિક લિપિડોસીસ: લિવરના કોષોની આસપાસ ચરબી જમા થવાને પરિણામે ફેટી લિવરની બીમારી થવાની સંભાવના રહે છે. લિવરમાં જેટલી વધુ પ્રમાણમાં ચરબી જમા થાય છે એટલું જ લિવરમાં સોજો આવવાની, ફાઈબ્રોસિસ અથવા સિરોસીસ થવાની શક્યતા વધે છે. આ ઉપરાંત લિવરમાં અન્ય સામાન્ય અથવા ગંભીર સમસ્યાઓ પણ થઈ શકે છે.

સ્તન અને અંડકોષનું કેન્સર: નાની ઉંમરની છોકરીઓને મેદસ્વીપણાના કારણે સ્તન અને અંડકોષનું કેન્સર થવાની શક્યતા વધે છે.

બીજી સમસ્યાઓ: બીજી સમસ્યાઓમાં પગનો સોજો/ ચામડીનું અલ્સર, મૂત્રનો અનિચ્છનીય વહાવ, અનિયમિત માસિક સ્ત્રાવ, લોઅર એક્સ્ટ્રિમિટી, વિનસ સ્ટેસીસ, ઈડિયોપથિક ઈન્ટ્રાક્રેનિઅલ, હાઈપર ટેન્શન, ડિસલિપીડેમીઆ (લિપીડ ચયાપચનમાં અસામાન્યતા), ફેફસાનાં રોગો અને કેન્સર જેવા રોગોનો સમાવેશ થાય છે.

બેરિઆટ્રીક સર્જરી

વેઈટ લોસ સર્જરી એ કોસ્મેટીક સર્જરી નથી

નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ કન્સેન્સસ કોન્ફોરન્સના તારણ મુજબ લાંબા ગાળા માટે કાયમીપણે વજન ઘટાડવા માટેનો આ એક માત્ર અસરકારક ઉપાય છે, જેથી વ્યક્તિની કો-મોરબિડ અવસ્થામાં સુધારો અથવા તેનો સંપૂર્ણ ઉકેલ આવી શકે છે. જીવન જીવવાનો નવો અભિગમ, સ્વભિમાન અને લાંબી આયુમાં ઉમેરો થાય છે. સર્જરીના ક્ષેત્રમાં લેપ્રોસ્કોપિક ટેકનિકની શોધ એ નવી બેરીઆટ્રીક સર્જરી માટે પ્રેરણાદાયક છે. તેનાથી થતા ફાયદાઓમાં ઓપરેશન બાદ ઓછું દર્દ, ફેફસાને લગતી સમસ્યાઓમાં ઘટાડો અને હોસ્પિટલમાં ઓછું રોકાણ મુખ્ય છે. બેરિઆટ્રીક સર્જરી એક ટીમવર્ક છે જેમાં બેરિઆટ્રીક સર્જન ઉપરાંત એન્ડોક્રાઈનોલોજિસ્ટ, પલ્મોનોલોજિસ્ટ, ડાયાટિશ્યન તથા ફિઝીયોથેરાપીસ્ટનો સમાવેશ થાય છે.

સર્જિકલ ઉપચારના વિકલ્પોને 3 વિભાગોમાં વહેંચી શકાય

  • રિસ્ટ્રિક્ટિવ પ્રોસિજર – વર્ટિકલ બેન્ડેડ ગેસ્ટ્રોપ્લાસ્ટી, સ્લીવ ગેસ્ટ્રેક્ટોમી
  • માલઅબ્સોર્સિવ પ્રોસિજર – ડિઓડીનલ સ્વીચ સાથે અથવા તેના વિના બિલિઓ-પેનક્રિએટિક ડાયવર્ઝન
  • કમ્બાઈન્ડ પ્રોસિજર – રૂ-એન-વાય-ગેસ્ટ્રિક્ટ બાયપાસ

આ અલગ-અલગ વિકલ્પોની પસંદગી વ્યક્તિગત ધોરણે ઉંમર,BMI, કો-મોરબિડ સ્થિતીના હોવા કે ન હોવા પર, દર્દીની પસંદગી અને સંમતિ તથા સર્જનના અનુભવ વગેરેને આધારે થાય છે. આમ થતાં આમાં બેરિઆટ્રીક સર્જનનો અનુભવ એ પદ્વતિને પસંદ કરવામાં મહત્વનો ભાગ ભજવે છે.

પાચનતંત્રની સંરચના

જઠર: ખોરાક જઠરમાં પાચકરસો અને આંતર સ્ત્રાવો સાથે વલોવાઈ કણો સ્વરૂપે છૂટ્ટા પડે છે, પણ ખોરાકના આ કણો જઠરમાં શોષાતા નથી. પાચકરસો અને આંતર સ્ત્રાવોને ગેસ્ટ્રિક જ્યુસિસ (અમ્લરસ) પણ કહે છે.

નાનું આંતરડુ: નાનું આંતરડું પાંચ મીટર (15-30 ફૂટ) લાંબો અવયવ છે જે પાયલોરસ અને મોટા આંતરડાની વચ્ચે હોય છે. 95% પાચન નાના આંતરડામાં થાય છે અને આ પાચનતંત્રનો અતિ મહત્વનો ભાગ છે જે ત્રણ વિભાગોમાં વહેંચાયેલો છે

  • ડિઓડીનમ (હોજરી પાસેનો ભાગ) : તે બે ફૂટ (60 સે.મી.) લાંબો અવયવ છે. લિવરનું પિત્ત અને સ્વાદુપિંડના પાચકરસો આ વિભાગમાં ઠલવાય છે.,
  • જેજુનમ : નાના આંતરડાનો વચ્ચેનો ભાગ
  • ઈલિયમ : નાના આંતરડાનો છેવટનો ભાગ

જેજુનમ અને ઈલિયમ નાના આંતરડાના એવા વિભાગો છે જેમાં કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટિન્સ અને ચરબી સાછે વિટામીન્સ અને મિનરલ્સ પણ શોષાય છે. આર્યન અને કેલ્શિયમ ડિઓડીનમાં શોષાય છે.

મોટું આંતરડું:  નાના આંતરડાંના અંતિમ ભાગની મોટા આંતરડાંની શરૂઆત થાય છે જેનું મુખ્ય કામ પાણીને શોષવાનું તથા મળનો સંગ્રહ કરવાનું છે. પોષક તત્વો અહીં શોષાતા નથી. એપેન્ડિક્સ આ આંતરડામાં તેની શરૂઆતના ભાગથી જોડાય છે.

લિવર (યકૃત): નાના આંતરડામાંથી શોષાયેલા પદાર્થો પોર્ટલ વેઈન મારફતે લિવરમાં પહોંચે છે. લિવર ચરબીના પાચન માટે જરૂરી એવા રસોનો સ્ત્રાવ કરે છે.

સ્વાદુપિંડ: કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટિન્સ અને ચરબીના પાચન માટે ખૂબ જરૂરી એવા પાચક રસોનો સ્ત્રાવ કરે છે.

શું વેઈટ લોસ સર્જરી તમારા માટે યોગ્ય છે?

આંતરરાષ્ટ્રીય ક્લિનિકલ માર્ગદર્શન માટે ધ્યાનમાં લેવાતી બાબતો

  • આદર્શ વજન કરતાં 35 કિલો કે તેથી વધુ વજન હોવું અથવા BMI આંક 37.5 કે તેથી વધુ હોવો અથવા 32.5 કે તેથી વધુ BMI સાથે મેદસ્વીપણાને લગતી એક અથવા એકથી વધુ શારીરિક સમસ્યાઓ.
  • હાલની MM આંતરરાષ્ટ્રીય માર્ગદર્શિકા મુજબ BMI 35 કે તેથી વધારે હોય અને સાથે ડાયાબિટીસ હોય તો તેવા દર્દીઓની સારવાર દવાને બદલે ઓબેસિટી સર્જરીથી કરવું સલાહભર્યું છે.

બેરીઆટ્રીક સર્જરી કેવી રીતે અસરકારક નિવડે છે?

તમારી જાતનો કેટલોક હિસ્સો જતો કરીને તમે જિંદગીનો સુખદ હિસ્સો મેળવી શકો છો. ઓપરેશન બાદ દર્દીનું વજન ઘટવા માટે નીચે મુજબના પરિબરો કામ કરે છે.

  • દર્દીની ઉંમર
  • સર્જરી પહેલાનું વજન,
  • દર્દીની તંદુરસ્તી,
  • સર્જિકલ પદ્વતિ,
  • કસરત કરવાની ક્ષમતા
  • આહાર લેવા માટેના ચોક્કસ માર્ગદર્શનના પાલનની કટિબદ્વતા અને અન્ય કાળજી
  • દર્દીનું મનોબળ તથા પરિવાર, મિત્રો તથા અન્યોનો સાથ

તાજેતરના અભ્યાસ મુજબ સફળ બેરિઆટ્રીક સર્જરી માટે નીચેના માપદંડ સૌથી મહત્વનો છે.

  • કોઈપણ આડ અસર વિના શરીરમાં વધારાના વજનને 50 ટકા સુધી ઘટાડીને તચેને તે સિથિતિમાં નિયંત્રિત રાખવાની ક્ષમતા
  • એક ક્લિનિકલ તારણ મુજબ સર્જરી બાદ બધા જ દર્દીઓનું વધારાનું વજન ઝડપથી ઘટે છે જે સર્જરીના 18 થી 24 મહિના સુધી ચાલે છે. દર્દી સર્જરીના પહેલાં છ મહિનામાં જ 30થી 50 ટકા ડેટલું વધારાનું વજન ગુમાવી શકે છે અને 77 ટકા જેટલું વધારાનું વજન સર્જરી પછીના બાર મહિનામાં ઘટે છે.
  • ટાઈપ-2 ડાયાબિટીસથી પિડાતા ઘણાં દર્દીઓનું વધારાનું વજન ઘટવાથી તેમની ડાયાબિટીક સ્થિતિમાં ઘણો સુધારો થયો છે. હવે તેમને ડાયાબિટીસને લગતી દવાઓની જરૂરિયાત રહેતી નથી અથવા ખૂબ જ ઓછી જરૂર રહે છે.
  • ક્લિનિકલ તારણ મુજબ બેરિઆટ્રીક સર્જરીના આંકડા દર્શાવે છે કે, જે દર્દીઓએ બેરિઆટ્રીક સર્જરી કરાવી હોય તેવા દર્દીઓની ડાયાબિટીસ, હાયપરલિપિડેમીયા, હાયપર ટેન્શન અને અનિંદ્રા જેવી કો-મોરબિડ સ્થિતિઓ સંપૂર્ણપણે દૂર થઈ જાય છે અથવા તેમાં મહત્વનો સુધારો જોવા મળે છે.

સર્જરી વિશેની હકીકતો

  • આ ઓપરેશન પહેલાં દર્દીને બેરિઆટ્રીક સર્જનની ટીમ દ્વારા તપાસવામાં આવે છે
  • આ ઓપરેશન પેટ ઉપર દૂરબીન દ્વારા કાપો મૂક્યા વગર કરાય છે
  • આ ઓપરેશનમાં પેટની અંદરની હોજરીમાં અને આંતરડામાં ફેરફાર કરવામાં આવે છે
  • આ ઓપરેશન પછી દર્દીને હોસ્પિટલમાં ત્રણ દિવસનું રોકાણ થાય છે
  • આ ઓપરેશનથી શારીરિક ફેરફારો પહેલા છ મહિનામાં દેખાય છે અને વજનમાં 60% થી 80% સુધીનો ઘટાડો થાય છે
  • વજન ભલે મોડું ઘટે પણ વજનના કારણે થયેલી આડ અસરો જેવી કે, શ્વાસોશ્વાસમાં તકલીફ, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, સાંધાનો દુખાવો વગેરે આપોઆપ દૂર થઈ જાય છે.

પાચનક્રિયા કઈ રીતે થાય છે?

પાચનક્રિયાની શરૂઆત મોં માં આહાર સાથે ભળતી લાળના મિશ્રણથી થાય છે. ત્યારબાદ આહાર જઠર તરફ વહન કરે છે અને એસિડ સાથે ભળે છે. અહીં આહારનું ઘટકોમાં વિભાજન થાય છે. પાઈલોરસ દ્વારા પેટમાં રહેલો આહાર આગળ ઘકેલાય છે. આહાર પિત્ત દ્વારા લિવર અને સ્વાદુપિંડના પાચકરસો સાથે મિશ્રિત થાય છે અને ત્યારબાદ નાના આંતરડાંમાં પાચનક્રિયા અને આહાર શોષાવાની ક્રિયા શરૂ થાય છે. મોટા આંતરડાંમાં પાણી શોષાય છે અને વધારાનો કરચો મળ દ્વારા બહાર નિકળે છે.

સર્જરી વિશેની ખોટી માન્યતાઓ

  • આ ઓપરેશન દ્વારા થોડા જ દિવસોમાં વજન ઉતરી જાય છે
  • ઓપરેશન પછી શરીના અમુક ભાગ (પેટ, થાપા) બીજે જ દિવસે ઘટી જાય છે
  • ઓપરેશન પછી શરીરમાંથી શક્તિ, લોહી કે પાણીનું પ્રમાણ જતું રહે છે અને તેની કોઈ માનસિક અસરો થાય છે
  • ઓબેસિટીનું ઓપરેશન માત્ર શરીર સુડોળ બનાવવા માટે જ છે

લેપ્રોસ્કોપિક અભિગમ

લેપ્રોસ્કોપિક ઓપરેશન દ્વારા પેટના ભાગથી એક નાનો વિડીયો કેમેરા દાખલ કરવામાં આવે છે. આ કેમેરા દ્વારા સર્જન વિડીયો મોનિટરમાં જોઈને સંપૂર્ણ સર્જરી સફળ રીતે પાર પાડે છે. પેટની દિવાલમાં નાનું કાણું પાડીને કેમેરા અને સર્જરીના સાધનો દાખલ કરવામાં આવે છે.
વેઈટ લોસ સર્જરી માટે લેપ્રોસ્કોપિક પદ્વતિ શરીરમાં વધારાનું વજન ઘટાડવા માટે ઓપન સર્જરી જેવા જ સિદ્વાંત પર કામ કરે છે.

ટાઈપ-2 ડાયાબિટીસ

ડાયાબિટીસ માટે સર્જીકલ ઉપચાર હવે સંભવ છે. ઓબેઝ ડાયાબિટીસ ધરાવતા 85થી 95 ટકા જેટલા દર્દીઓનું ડાયાબિટીસ ઓપરેશન કરાવ્યા બાદ વજન ઘટવાના કારણે દૂર થઈ ગયો છે.

શું ટાઈપ-2 ડાયાબિટીસ એ ઓપરેશન દ્વારા દૂર કરી શકાય તેવી બીમારી છે?

ડાયાબિટીસ અને મેદસ્વીપણું લગભગ સાથે જ જોવા મળે છે. આશરે 80 ટકા જેટલા ડાયાબિટીક વ્યક્તિઓ વધુ વજન ધરાવતા હોય છે. બેરિઆટ્રીક અને ઓબેસિટી સર્જરીની પદ્વતિઓનો ઉપયોગ મેદસ્વીપણું ઘટાડવા માટે થતો હતો પરંતુ તે હવે ટાઈપ-2 ડાયાબિટીસના ઉપચાર માટે પણ અસરકારક છે. અમુક ગેસ્ટ્રીક બાયપાસ પદ્વતિઓ ટાઈપ-2 ડાયાબિટીસને દૂર કરવામાં અથવા તેને ઘટાડવા માટે ઉપયોગી છે.

મેદસ્વીપણા અને ડાયાબિટીસથી પિડાતા દર્દીઓ માટે સર્જીકલ ઉપચાર એ એક મહત્વની શોધ બની ગઈ છે. દુનિયાભરના બેરિઆટ્રીક સર્જન એ જાણીને આશ્ચર્ય પામ્યા કે, સર્જરીના માત્ર 24થી 48 કલાક બાદ દર્દીઓનો ટાઈપ-2 ડાયાબિટીસ દૂર થઈ ગયો.

ઓપન સર્જરીની તુલનામાં લેપ્રોસ્કોપિક સર્જરીના કેટલાંક ફાયદા

  • ઓપરેશન બાદ ઓછો દુ:ખાવો,
  • હોસ્પિટલમાં ઓછા દિવસનું રોકાણ,
  • ઈન્ફેક્શનની શક્યતા નહિંવત,
  • ઓછી વાઢકાપ,
ઝડપથી સાજા થવાય છે અને જીવનને પુન: રાબેતા મુજબ જીવી શકાય છે.

જોખમો અને અડચણો

દરેક મોટી સર્જરીમાં થોડા પ્રમાણમાં જોખમ રહેલું હોય છે. વેઈટ લોસ સર્જરીમાં રહેલું જોખમ વિવિધ પદ્વતિ પ્રમાણે અલગ અલગ હોય છે.

  • પુન: ઓપરેશન કરવાની જરૂરીયાત – 3%
  • એનેસ્ટોમોટિક લીક - 2%
  • એનેસ્ટોમોટિક સ્ટિચ - 23%
  • સર્જરીથી થતું ઈન્ફેક્શન - 1%
  • ઓબ્સ્ટ્રક્શન (અવરોધ) - 5%
  • ડીપ વેઈન થ્રોમ્બોસિસ (રક્તવાહિનીમાં લોહી ગંઠાઈ જવું) - 1%

આડ અસરો

  • વોમીટીંગ કે રિગર્જિટેશન
  • વાળ ખરવા
  • ચામડીનું શિથિલપણું
  • પ્રોટીન અને વિટામીનની ઊણપ

લેખક:ડો અપૂર્વ વ્યાસ, લેપ્રોસ્કોપિક અને રોબોટીક સર્જન, નવગુજરાત હેલ્થ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/17/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate