તીવ્ર મેદસ્વિતા રોગિષ્ટ મેદસ્વિતા તરીકે પણ ઓળખાય છે જ્યારે શરીરના આદર્શ વજન કરતાં કોઈ વ્યક્તિનું વજન અંદાજે 35 કિલો કે તેથી વધુ હોય ત્યારે તેને તીવ્ર મેદસ્વિતા તરીકે ઓળખવામાં આવે છે. આ સ્થિતિ લોહીનું ઊંચુ દબાણ, ડાયાબિટીસ અને હૃદય રોગ જેવી જીવન માટે જોખમી સ્થિતીઓને જન્મ આપી શકે છે. આ સમસ્યાના ઉકેલ માટે વિવિધ પ્રકારના સારવાર અભિગમ સૂચવવામાં આવે છે, જેમાં ઓછી કેલેરીવાળો આહાર, દવાઓ, વર્તણૂંકમાં ફેરફાર તથા કસરતનો સમાવેશ થાય છે. જો કે તીવ્ર મેદસ્વિતાના લાંબાગાળાના ઉપાય તરીકે સૌથી વધુ અસરકારક માત્ર એક જ સારવાર ગણાય છે તે સર્જિકલ દરમિયાનગિરી છે.
સામાન્ય રીતે લોકોમાં તીવ્ર મેદસ્વિતા વિશે અધકચરી સમજ જોવા મળે છે. આ બાબતમાં સંખ્યાબંધ પાસા સંકળાયેલા છે. મેદસ્વી લોકોમાં સંગ્રહિત ઉર્જાનું સેટપોઈન્ટ બહુ ઊંચુ હોય છે. શરીરમાં ઊર્જાનો ઓછો વપરાશ થાય અથવા વધુ પડતી કેલેરી લેવામાં આવે કે આ બંન્ને બાબતોનો સંગમ થાય તો ચયાપચનની પ્રક્રિયા ઓછી થતાં સેટપોઈન્ટ ઊંચુ જાય છે. તીવ્ર મેદસ્વિતા એ માત્ર દર્દીના સ્વશિસ્તના અભાવના કારણે સર્જાતી સ્થિતી નથી.
2004માં અમેરિકન સોસાયટી ફોર બેરિઆટ્રીક સર્જરી, જે હવે અમેરિકન સોસાયટી ફોર મેટાબોલિક એન્ડ બેરિઆટ્રીક સર્જરી (એએસએમબીએસ)એ તેના દ્વારા એક સર્વસંમત નિવેદન પ્રકાશિત કરવામાં આવ્યું હતું જે મુજબ તીવ્ર મેદસ્વિતાનો લાંબાગાળાનો ઉપાય સર્જિકલ ટ્રીટમેન્ટ છે. જો કે તમામ દર્દીઓએ વજનના પ્રમાણસરના ઘટાડા માટે અન્ય વિકલ્પો પણ જાણવા જોઈએ.
આહાર પર નિયંત્રણ રાખવું એ મેદસ્વિતાની સારવારના સૌથી મહત્વના પાસામાંનું એક છે. ઓછી કે તદન ઓછી કેલેરીવાળા આહારથી કેલેરી પર નિયંત્રણ રાખી શકાય છે. દર અઠવાડિયે એકથી બે એલબી વજન ઘટાડવાના ધ્યેય સાથે ઓછી કેલેરીવાળા આહારથી દૈનિક કેલેરી 500થી 1000 જેટલિ નિયંત્રિત કરી શકાય છે. બહુ ઓછી કેલેરીવાળો આહાર લેવાથી દૈનિક 200થી 800 કેલેરી મળે છે અને જ્યારે બહુ ઝડપથી વજન ગુમાવવું જરૂરી હોય ત્યારે તેનો ઉપયોગ કરવામાં આવે છે. જો કે એક વર્ષમાં મળતા પરિણામો બહુ નોંધનીય રીતે જુદા હોતા નથી. આહારમાં પોષકતત્વોના સંતુલન વિષે (ઉદાહરણ તરીકે લો ફેટ વિરુદ્વ કોર્બોહાઈડ્રેટ્સ) નોંધપાત્ર વિવાદો હોવા છતાં સફળતાનો દર આખરે તો ઊર્જાનું પ્રમાણ ઘટાડવા પર છે.
શારીરિક પ્રવૃત્તિ કે કસરત મેદસ્વિતાની સારવાર માટે બહુ મહત્વની બાબત છે. વજનમાં ઘટાડાના કોઈપણ પ્રોગ્રામમાં આ એક મહત્વપૂર્ણ સાધન બને છે. જો કે માત્ર કસરતથી બહુ નાના પ્રમાણમાં વજન ઘટી શકે છે અને તેની મહત્વની ભૂમિકા ઘટેલું વજન લાંબાગાળા સુધી જાળવી રાખવામાં મદદરૂપ થાય છે.
બિહેવિયર થેરાપી ઊર્જાના વપરાશ સંદર્ભે વ્યક્તિની વર્તણૂંકમાં ફેરફાર કરવાનું લક્ષ્ય ધરાવે છે. ક્યારેક તે વજન ઘટાડવાના સર્વાંગી પ્રોગ્રામનો હિસ્સો હોય છે જેમાં સ્વ દેખરેખ, ઈચ્છા પર નિયંત્રણ, ઈરાદાપૂર્વક વર્તણૂંકમાં ફેરફાર, લક્ષ્ય નક્કી કરવું, સ્વ પ્રોત્સાહન, તાલીમ, તણાવ દૂર કરવાની કસરતો, પોષણ, તણાવનું વ્યવસ્થાપન અને સામાજિક ટેકા જેવી બાબતોનો સમાવેશ થાય છે.
મેડિકલી મેનેજ્ડ વેઈટલોસ પ્રોગ્રામ્સમાં ક્લિનિકલ સેટિંગમાં લાયસન્સ્ડ હેલ્થકેર પ્રોફેશનલ જેમ કે મેડિકલ ડોક્ટર, નર્સ, રજિસ્ટર્ડ ડાયેટિશિયન અને/અથવા મનોચિકિત્સક દ્વારા આપવામાં આવે છે. આવા પ્રોગ્રામ્સમાં સામાન્ય રીતે વજન ઘટાડતી દવાઓનું પ્રિસ્ક્રીપ્શન, પોષણ સંબંધિત શિક્ષણ, શારીરિક પ્રવૃત્તિની સૂચનાઓનું પાલન તથા વર્તણૂંકમાં ફેરફાર વગેરે બાબતોનો સમાવેશ થાય છે. દવાઓથી ભૂખ ઘટે છે અને તેનાથી પાંચ-દસ કિ.ગ્રા. જેટલું વજન ઘટી શકે છે પરંતુ, દવાઓ લેવાનું બંધ કરતાં જ વજન તુરત જ પાછું વધવા લાગે છે.
બોડી માસ ઈન્ડેક્સ (BMI) = વજન (કિ.ગ્રા.) ÷ ઉંચાઈ (મી.) x ઉંચાઈ (મી.)
BMI પ્રમાણે વિભાગીકરણ (પ્રકાર)
BMI |
પ્રકાર |
<18.5 |
અંડરવેઈટ |
18.5–23 |
સામાન્ય |
23-29.9 |
ઓવરવેઈટ |
30-34.9 |
ઓબેસિટી- I |
35-39.9 |
ઓબેસિટી- II (મોરબિડ) |
>40 |
ઓબેસિટી- III (સુપર) |
સામાન્ય રીતે જેને કોસ્મેટિક સમસ્યા ગણવામાં આવે છે તે મેદસ્વીતા હવે આપણા દેશમાં એક મોટી જાહેર આરોગ્ય સમસ્યા બની ગઈ છે. ભારતના ત્રીજા ભાગના લોકો હોવું જોઈએ તેના કરતા વધુ વજન ધરાવે છે. વિકસિત દેશોમાં અંદાજે 1.15 અબજ લોકો તીવ્ર મેદસ્વિતા (હોવું જોઈએ તેના કરતાં 35 કિલો કે તેથી વધુ વજન – ઓવરવેઈટ તરીકે વ્યાખ્યાયિત)થી પીડાય છે. મેદસ્વિતાનું પ્રમાણ ડાયાબિટીસ અને હૃદય રોગ સહિત બીજા ઘણાં રોગો કરતાં વધી ગયું છે અને અકાળે મૃત્યુનું તે મોટું કારણ બની ગયું છે. મેદસ્વિતાથી હૃદય રોગ, લોહીનું ઊંચું દબાણ, ઉંઘમાં અનિયમિતતા, સાંધાના રોગો જેવા અન્ય કેટલાંય રોગોને આમંત્રણ આપે છે.
ઓબેસિટી ટ્રીટમેન્ટનો પ્રોગ્રામ વૈજ્ઞાનિક સારવાર પદ્વતિઓ, સંશોધનો અને શિક્ષણની મદદથઈ મેદસ્વિતા પર કેન્દ્રિત હોય છે કારણ કે, વજન ગુમાવવું આપણે ધારીએ છીએ તેના કરતાં ખૂબ વધુ મુશ્કેલ બની શકે છે. ડાયાટિશીયનનું માર્ગદર્શન, ફિટનેસ થેરાપિસ્ટ દ્વારા તાલીમ તથા બેરિયાટ્રીક સર્જરી જેવા વિષયોના તાલમેલથી ઓબેસિટીની સારવાર થાય છે. બેરિઆટ્રીક સર્જરી ગેસ્ટ્રીક બાયપાસ કે વેઈટલોસ સર્જરી તરીકે પણ ઓળખાય છે અનેક લોકો માટે આ પદ્વતિ સલામત અને અસરકારક સારવાર સાબિત થઈ છે.
લેખક : ડો અનિષ નાગપાલ , ગેસ્ટ્રો એન્ડ બેરિઆટ્રીક સર્જન, નવગુજરાત સમય હેલ્થફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/17/2020