છેલ્લા ત્રણ દાયકામાં ભારતમાં સ્થૂળતા દર ત્રણ ગણો વધી ગયો છે અને આજે મેદસ્વીપણું પશ્ર્ચિમી દેશોમાંથી ભારત સહિત અન્ય એશિયાઈ દેશોમાં ઝડપથી ફેલાતો રોગ બની રહ્યો છે. ધ ન્યૂ ઇંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિનમાં પ્રકાશીત થયેલા એક અહેવાલ પ્રમાણે, ભારતમાં સ્થૂળ બાળકોના 14.4 મિલિયન કેસ નોંધાયા છે, જે તેને બીજાક્રમનો મેદસ્વીબાળકો ધરાવતો દેશ બનાવે છે. આશરે 108 મિલિયન બાળકો અને 600 મિલિયન પુખ્યવયના લોકો 30થી વધુ બી.એમ.આઈ. (બોડી માસ ઇન્ડેક્સ) અંક ધરાવે છે, જે સ્થૂળતાનો પ્રારંભીક તબક્કો છે.
બાળકોમાં સ્થૂળતા આજે વિશ્વની સામે સામાજિક આરોગ્યનો સૌથી મોટા પડકાર બન્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબલ્યૂ.એચ.ઓ) દ્વારા બાળકોની સ્થૂળતાને 21મી સદીના ગંભીર આરોગ્ય પડકારમાં એક ગણાવવામાં આવ્યો છે. આજે અમેરિકાના કુલ બાળકો અને કિશોરો પૈકી દર ત્રીજાએ એક બાળક મેદસ્વી અથવા તો વધુ વજન ધરાવે છે. સન 1971થી 2011 વચ્ચે બાળકોમાં સ્થૂળતાનો ત્રણ ગણો ફેલાવો થયો છે.
આપણે જો આ સમસ્યાનું નિરાકરણ નહીં કરીએ તો સન 2000 કે તેની પછી જન્મેલા બાળકો તેમના જીવન દરમિયાન ક્યારેક ડાયાબિટીસથી પીડાશે. બીજા અન્ય લોકોને પણ સ્થૂળતા અને મેદસ્વીતાને કારણે હૃદય રોગ, હાઈબ્લડ પ્રેશર, કૅન્સર અને અસ્થમા જેવા વિવિધ આરોગ્ય સંબંધીત સમસ્યાનો સામનો કરવો પડશે.
હવે આ તો ખરાબ સમાચાર છે, પણ સારા સમાચાર એ છે કે આપણી જીવનશૈલીમાં સામાન્ય પરિવર્તન લાવવાથી આપણે પણ તંદુરસ્ત જીવન જીવી શકીએ છીએ. આપણને જરુરી છે તેવા દરેક સાધનો આપણી પાસે ઉપલબ્ધ છે. હવે આપણને ફક્ત દ્રઢ ઇચ્છાશક્તિની જરૂર છે.
સ્થૂળતા દૂર કરવા માટે દરેકે ખાસ ભૂમિકા ભજવવી પડશે, જેમાં આપણી પોતાની જાત સહિત સરકારી ઑફિસના દરેક હોદ્દા પર ચૂંટાયેલા સરકારી અધિકારીઓ, શાળાઓ, આરોગ્ય ક્ષેત્રના વ્યાવસાયીકો, વિશ્વાસ આધારીત અને સમુદાય આધારીત સંસ્થાઓ અને ખાનગી ક્ષેત્રની કંપનીઆનો સમાવેશ થાય છે. તમારી સક્રિય ભૂમિકા આપણા બાળકના તંદુરસ્ત અને સ્વાસ્થ્યપ્રદ ભવિષ્ય માટે મહત્વનો ભાગ ભજવશે.
સામાન્ય રીતે જાડાપણાની વ્યાખ્યા શરીરમાં વધુ ચરબી તરીકે કરવામાં આવે છે. શરીરની ચરબીને સીધે રીતે માપવું મુશ્કેલ છે એટલા માટે જાડાપણાને બોડી માસ ઇન્ડેક્સ (બી.એમ.આઈ.) તરીકે માપવામાં આવે છે, જે ઓછું વજન, સામાન્ય વજન અને વધુ વજન ધરાવે છે કે નહીં તે માપવાની એક વૈજ્ઞાનિક પદ્ધતિ છે.
બી.એમ.આઈ. ઊંચાઈના સંદર્ભમાં વજનની માપણી કરે છે. બી.એમ.આઈ. સ્થૂળતા દર્શાવતું કોઇ ચોક્કસ સૂચક આંક નથી, પરંતુ જાહેર આરોગ્ય માટે એક મહત્વનું સાધન છે. 18.5 થી 24.9 વચ્ચે બી.એમ.આઈ. પુખ્ત ઉંમરની વ્યક્તિ માટે સામાન્ય છે. જ્યારે 25.0 થી 29.9 ની વચ્ચે બી.એમ.આઈ. ધરાવતા પુખ્તવયના લોકો વધુ વજનવાળા હોવાનું માનવમાં આવે છે. 30 કે તેથી વધુ બી.એમ.આઈ. ધરાવતા લોકોને મેદસ્વી માનવમાં આવે છે જ્યારે 40 કે તેથી વધુ બી.એમ.આઈ. ધરાવતા લોકોને અત્યંત સ્થૂળ માનવામાં આવે છે.
વૈશ્વિક સ્તરે ઓછા વજન ધરાવતા લોકોની સરખામણીએ વધુ વજન ધરાવતા લોકોના મૃત્યુ વધુ થાય છે. વૈશ્વિક સ્તરે સબ-સહારાન આફ્રિકા અને એશિયાના થોડા વિસ્તારને બાદ કરતા, સ્થૂળ લોકોની સંખ્યા ઓછા વજન ધરાવતા લોકોની સરખામણીએ વધુ છે.
કારણો: મેદસ્વીપણું કે વધારે વજનનું મૂળ કારણ કૅલેરીના ગ્રહણ અને કૅલેરીને ખર્ચ કરવામાં અસંતુલન છે. માટાભાગે આ અસંતુલન માટે આહાર અને શારીરિક પ્રવૃતિની આદતો જવાબદાર હોય છે. શારીરિક ઘટતી પ્રવૃત્તિની સરખામણીએ નાસ્તો અને ભોજનનું પ્રમાણ વધી રહ્યું છે. સરળતાથી ઉપલબ્ધ ફાસ્ટફૂડ રેસ્ટોરેન્ટ, બિનઆરોગ્યપ્રદ ખોરાક જેવા કે, કૅન્ડી, ટેક્નોલોજીનો ઉપયોગ અને સામાજિક-આર્થિક દરજ્જાનો સમાવેશ થાય છે.
વધુ વજન ધરાવતા અથવા મેદસ્વી બાળકોના આરોગ્યને કેવા જોખમો હોય છે?
ડૉક્ટર અને વૈજ્ઞાનિક બાળકો અને કિશોરોમાં વધતી સ્થૂળતાને લઇને ચિંતિત છે કારણ કે તેમને નીચે પ્રમાણેના રોગ થવાની સંભાવના છે,
સ્થૂળ બાળકોને નાનપણના અનુભવો અને બીમારીઓ યુવાવસ્થામાં વજન સંબંધિત શારીરિક મુશ્કેલીઓ ઉભી કરી શકે છે. સ્થૂળ બાળકો અને કિશોરોમાં કાર્ડિયોવેસ્ક્યુલર ડિસીઝ (સી.વી.ડી.) જેવા કે, હાઈ કોલેસ્ટોરેલ લેવલ, હાઈ બ્લડ પ્રેશર અને ઍબનોર્મલ ગ્લુકોઝ ટોરરેન્સનું જોખમ વધી જાય છે. 5થી 17 વર્ષના બાળકોમાં સંશોધન કરતા વધુ વજનવાળા લગભગ 60 ટકાથી વધુ બાળકોમાં ઓછામાં ઓછું એક સી.વી.ડી. જોખમી પરિબળ હતું અને વધુ વજનધરાવતા 25 ટકા બાળકોમાં બે કે તેથી વધુ સી.વી.ડી.ના જોખમી પરિબળ મળ્યા હતા. આ ઉપરાંત અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે, જે બાળકો અને કિશોરો નાનપણથી સ્થૂળ હતા તેમને યુવાનીમાં સ્થૂળતાની શક્યતા વધી જાય છે.
નબળા શારીરિક સ્વાસ્થ્યની સાથે વધુ વજન ધરાવતા અને મેદસ્વી બાળકો વારંવાર સામાજિક અવગણના અને જાહેરમાં મસ્તી-મજાકનો ભોગ બનતા હોય છે. આત્મસન્માનને વારંવાર ઠેસ લાગતા બાળકના માનસિક તણાવમાં સતત વધારો થતો જાય છે જેના કારણે સમાજ સાથે ભળવામાં અને તેમના શિક્ષણ પર પ્રતિકૂળ અસર થાય છે, જેની અસર યુવાવસ્થા સુધી પણ જોવા મળે છે. સંશોધન કાર્ય હજુ ચાલી રહ્યું છે, પરંતુ કેટલાક તારણો દર્શાવે છે કે સામાન્ય બાળકોની સરખામણીએ સ્થૂળ બાળકો એટલી ઝડપથી શીખી શકતા નથી. વધુમાં, ઉચ્ચ સિદ્ધિઓ પ્રાપ્ત કરવા માટે શારીરિક તંદુરસ્તી મહત્વનો ભાગ ભજવે છે.
વ્યક્તિગત સ્તર પર જીવનશૈલીમાં ફેરફાર કરવા માટે ચરબી યુક્ત અને ગળ્યો ખોરાકનું પ્રમાણ ઓછું કરો અને ભોજનશૈલીમાં ફળ, શાકભાજી, આખા દાણા અને કઠોળનું પ્રમાણ વધુ કરો સાથે જ શારીરિક પ્રવૃતિ પણ એટલી જ જરુરી છે (બાળકો માટે દિવસના 60 મીનિટ). ખાદ્ય ઉદ્યોગ પ્રોસેસ્ડ ખોરાકમાં ચરબી, ખાંડ અને મીઠાનું પ્રમાણ ઓછું કરીને વજન ઘટાડવામાં મહત્વનો ભાગ ભજવી શકે છે. તમામ વર્ગના લોકો અને ખાસ કરીને ગરીબ લોકોને પોસાય તેવો અને સરળતાથી મળી રહી તેવો તંદુરસ્ત આહાર અને પસંદગી પ્રમાણે નિયમિત શારીરિક પ્રવૃતિ કરી શકે તેવી સરકારી નીતિઓનું ગઠન પણ જરુરી છે.
અત્યંત મેદસ્વીપણું કે જેમાં જીવનશૈલીમાં પરિવર્તન કે તબીબી સારવારથી ઉપચાર શક્ય નથી તેવા લોકો માટે શસ્ત્રક્રિયાથી પણ ઉપચાર શક્ય છે. આ શસ્ત્રક્રિયાને બેરિયાટ્રિક સર્જરી કહેવામાં આવે છે. જેમાં લેપ્રોસ્કોપીક સર્જરી દ્વારા તમારા અપ્રમાણસર વજનને ઓછું કરવામાં આવે છે. આ સર્જરી અત્યંત મેદસ્વીપણાને દૂર કરવાનો ખુબ જ સલામત અને અસરકારક ઉકેલ છે.
અંતે, મધ્યમ અને ઓછી આવક ધરાવતા દેશમાં ચેપીરોગ અને કુપોષણ સામેની લડાઈ કરતા બાળકોમાં વધારે વજન અને મેદસ્વીતામાં વધારોએ ચિંતાનું કારણ છે અને બાળકોમાં મેદસ્વીતાનું પ્રમાણ રોકવા માટે નક્કર પગલાં લેવાની જરુર છે. નાનપણથી જ મેદસ્વીતા રોકવા માટે ચોક્કસ આયોજન જરૂરી છે જેમાં નર્સ, શિક્ષકો, ન્યૂટ્રીશ્યનિસ્ટ, કસરતના જાણકાર, સલાહકાર અને ડૉક્ટરનું સંગઠીત કાર્ય મહત્વપૂર્ણ હોય છે. આ પ્રક્રિયામાં પરિવારનો સહકાર ચાવી રૂપ સાબીત થાય છે કારણ કે, તેમના સહકાર વગર કોઇપણ પ્રયત્ન નિષ્ફળ થવાની સંભાવના રહે છે. સ્થૂળતા દૂર કરવા અંગેના ચોક્કસ પ્રકારના આયોજનમાં તમારી જીવનશૈલીમાં ફેરફાર, મનોચિકિત્સા અને જ્યારે બીજા ઉપાય ન રહે ત્યારે જ શસ્ત્રક્રિયા (બેરિયાટ્રિક સર્જરી)નો સમાવેશ થાય છે.
“આપણામાંના દરેક જાણતા-અજાણતામાં સ્થૂળતાની સમસ્યામાં ભાગ ભજવ્યો છે ” - ઇન્દ્ર નુયી
ડો.અનીશ નાગપાલ (જી.આઈ. ઍન્ડ બેરિયાટ્રિક સર્જન)
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/13/2020