કમરના ભાગમાં વધુ પડતી ચરબી જમા થઈ જવાથી પેટમાં દબાણ વધે છે તેથી અન્નનળી અને જઠરની વચ્ચે આવેલો વાલ્વ ઢીલો થઈ જતા રિફલક્સની બીમારી ઊભી થાય છે. આમ વધુ પડતી ચરબી એસીડીટીનું કારણ બને છે. જો આ રિફલક્સ લાંબો સમય ચાલે તો કોઈ વખત અન્નનળીમાં ચાંદાથી માંડીને કેન્સર જેવી ગંભીર બીમારી નોતરી શકે છે.
વધુ પડતી ચરબીના કારણે પેટની નસો સૂકાઈ જતા પેટનું તથા આંતરડાંનું હલનચલન ઓછું થઈ જાય છે. આમ થવાથી પેટમાં ખાધા પછી ભાર લાગવો, વધુ પડતો ગેસ નીકળવો, ઊલટી-ઉબકા જેવી સમસ્યાઓ પેદા થાય છે. ઘણી વખત h pylori નામના ઈન્ફેક્શન અને ચરબીના સમન્વયથી પેટના ચાંદા તથા કેન્સરનું કારણ બની શકે છે.
કબજિયાત (કોન્સ્ટિપેશન) ની તકલીફ એ ઓબેસિટીમાં જોવા મળતી કોમન તકલીફ છે. અસલમાં જોવા જઈએ તો કબજિયાત એ લાઈફસ્ટાઈલ અને ખાવાની આદત સાથે સંકળાયેલી સમસ્યા છે. ઓબેસિટીના લીધે આંતરડામાં diverticulosis અને પોલીપ (નાનકડી ગાંઠો) ની બીમારી થાય છે. જો પોલીપની સમયસર દવા ન થાય તો તેમાંથી કેન્સર જેવા ખતરનાક રોગો થઈ શકે. આમ ઓબેસિટી આંતરડાંના કેન્સર સાથે સીધો સંબંધ ધરાવે છે.
પિત્તાશયમાં થતી પથરીઓ મુખ્યત્વે મેદસ્વી લોકોમાં જોવા મળે છે. મેદસ્વીતાના કારણે લોહીમાં ઈન્સ્યુલિનનું પ્રમાણ વધવાથી ડાયાબિટીસ થવાની શક્યતાઓ વધે છે. આ વધારાની ફેટ પિત્તાશયમાં પથરી બનાવે છે તે જ રીતે વધારાની ચરબી લીવરમાં જમા થતા લીવરમાં નોન આલ્કોહોલિક હિપેટાઈટિસ તથા સિરોસિસ જેવી ગંભીર બીમારીઓને નોતરે છે. લીવર સિરોસિસની યોગ્ય સમયે દવાઓ ન થાય તો તે કેન્સરમાં પરિણમી શકે છે. આ સિવાય પણ પેટમાં થતી ઘણી બીમારીનું મુળ મેદસ્વીતા છે. આમ મદસ્વીતા પેટના ઘણા રોગો તથા કેન્સર નોતરી શકે છે. મેદસ્વીતાનો નાશ કરીને આ રોગોને અટકાવવામાં જ સમજદારી છે.
સ્ત્રોત: ડૉ.કૈવન શાહ(ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટ), નવગુજરાત સમય
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/15/2020