অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

વજન ઉતારવા માટે રોંગ ડાયેટ ફોલો કરવાની જરૂર નથી

વજન ઉતારવા માટે રોંગ ડાયેટ ફોલો કરવાની જરૂર નથી

જ્યારે પણ આપણે વજન ઘટાડવાનું વિચારીએ છીએ, ત્યારે આપણે આપણને ઝડપી રિઝલ્ટ આપતાં ડાયેટ પ્લાનમાં જ રમીએ છીએ. ડાયેટ શબ્દ ચાહે કોઈ પણ માહિતીમાંથી કે લોકો પાસેથી આવ્યો કે બસ કૂદી જ પડીએ છીએ કશું જાણ્યા વિના અને એ પ્રમાણે અનુસરવાનું શરૂ કરી દઈએ છીએ. આમ તો ડાયેટ પ્લાન જુદા જુદા પ્રકારના હોય છેઃ હાઈ પ્રોટીન ડાયેટ, ફ્રૂટ અને વેજિટેબલ ડાયેટ, ફાસ્ટિંગ ડાયેટ, કેબેજ સૂપ ડાયેટ વગેરે, જેનાથી વજન ઘટી શકે છે. એમાં એવું છે કે એકને જે પ્લાન લાગુ પડ્યો હોય એ બીજાને લાગુ પડે જ એવું ન બને. કેમ કે મોટા ભાગના ડાયેટ્સમાં હાઇકેલરી ઇન્ટેક લેવાનો હોતો નથી એટલે ટૂંકા ગાળામાં વજન ઘટે પણ એ ઘટાડો જાળવવામાં આ તમામ જુદા જુદા ડાયેટ ફેલ જાય છે.
એ જાણવું તો બહુ અગત્યનું છે કે જે ડાયેટ એક કે વધુ ન્યુટ્રીઅન્ટ્સને મર્યાદિત કરે છે, એ કામચલાઉ ગાળા માટે વજનમાં ઘટાડો કરી આપે છે. જેવું આ ચોક્કસ ડાયેટ બંધ કર્યું કે ધીમે ધીમે ઓરિજિનલ વજન આવી જાય અથવા તો જે છે તેમાં 5થી 10 ટકાનો વધારો થઈ જાય. કોઈ પણ ડાયેટ યોગ્ય સંશોધન વિના સ્વીકારવા જશો, તો વિટામીન, મિનરલ્સની ઊણપ કે હોર્મોનલ અંસતુલન જેવી આરોગ્યની તકલીફો ઊભી થઈ જ સમજો.

હાઈ પ્રોટીન ડાયેટઃ

એને લૉ કાર્બોહાઇડ્રેટ ડાયેટ પ્લાન પણ કહે છે. હાઈ પ્રોટીન ડાયેટનો મુખ્ય કન્સેપ્ટ છે કાર્બોહાઇડ્રેટ્સ ફૂડ્સ જેવા કે બ્રેડ, પાસ્તા, ભાત, બટાકા વગેરેનો ઉપયોગ મર્યાદિત કરવો અને પ્રોટીન અને ફેટ્સ જેવાં કે ચીઝ, પલ્સ, નટ્સ વગેરેનો ઉપયોગ (અનલિમિટેડ) કરવો.

હાઇ-કાર્બોહાઇડ્રેટ ડાયેટ શરીરમાં ઇન્સ્યુલીનનું લેવલ વધારે છે, બદલામાં શરીરમાં ફેટ્સનું સ્ટોરેજ વધી જાય છે. એટલે કાર્બોહાઇડ્રેટ્સનો પૂરવઠો દિવસના 20થી 30 ગ્રામથી ઓછો કરીને શરીર કીટોસિસ સ્ટેટમાં આવશે જેમાં બોડી એનર્જીના સોર્સ તરીકે ફેટ બર્ન કરે છે. પાછું, એનાથી ઇન્સ્યુલિનનું પ્રોડક્શન ઘટશે, જેનાથી શરીરમાં વધારે ફેટ્સ બનતાં અટકશે અને એ રીતે વજનમાં ઘટાડો થશે. ઇન્સ્યુલિન લેવલ સ્ટેબલ રાખીને, બોડી ફેટ બર્ન કરે છે એટલું જ નહીં, એ વધુ પડતી ભૂખને પણ કંટ્રોલ કરે છે અને મોડા સુધી ધરાયેલા રાખે છે.

લાભઃ.

  1. એનાથી વજન ઊતરે છે.
  2. હંગર પેંગ્સ ઓછા થાય છે.(ભૂખ લાગી જતી નથી).
  3. ડાયાબિટીક અને પ્રિ-ડાયાબિટીક વ્યક્તિમાં બ્લડ ગ્લુકોઝ લેવલ ઘટાડે છે.
  4. પ્રોટીનથી ભરપૂર ડાયેટ કસરત દરમિયાન એનર્જી લેવલ વધારે છે.

ગેરલાભઃ .

  1. હાઇ પ્રોટીનને કારણે કિડનીમાં હાઇ યુરિક એસિડ, કિડનીને નુકસાન, ગાઉટ જેવી તકલીફ થઈ શકે છે.
  2. સેચ્યુરેટેડ ફેટ્સના વધારે ઉપયોગને કારણે ખરાબ કોલેસ્ટ્રોલનુ લેવલ વધી જાય છે.
  3. કોઈને હૃદયરોગની તકલીફ થઈ શકે.
  4. ફાઈબરની વેરાયટી ઓછી લેવાથી વિટામીન અને મિનરલ્સની ઊણપ થાય છે પરિણામે ગેસ્ટ્રિક અને કબજિયાતની તકલીફ થાય છે.
  5. સૌથી વધુ અગત્યની વાત, કે કાર્બોહાઇડ્રેટ્સની ગેરહાજરીમાં પ્રોટીન અને ફેટ્સે શરીરને ઇંધણ (એનર્જીના રૂપમાં) પૂરું પાડવું પડે અને એથી બંને ન્યુટ્રીઅન્ટ્સ તેમનું પોતાનું કામ નથી કરી શકતા.

ફ્રૂટ્સ અને વેજિટેબલ ડાયેટઃ

જેમને ઝડપથી વજન ઊતારવું છે તેવા લોકોમાં આ ડાયેટ બહુ જ પોપ્યુલર ડાયેટ છે. આ ડાયેટમાં પ્રાયમરી ગોલ વેઇટ લોસનો છે, પણ શું ઓછું કરવું છે (ફેટ લોસ) તેનો વિચાર નથી થતો. આઇડિયલ વેઇટલોસ એ દર અઠવાડિયે 500 ગ્રામનો છે. પણ આ ડાયેટ જો એનું રેજિમ વ્યવસ્થિત રીતે ફોલો કરવામાં આવે તો વીકલી 5-7 કિલો વજન ઘટાડવામાં મદદ કરે છે

આ ડાયેટમાં મોટે ભાગે ફળો અને શાકભાજી અને બહુ જ ઓછા કાર્બોહાઇડ્રેટ્સ, પ્રોટીન અને ફેટ્સનો આધાર લેવાય છે. એટલે એનર્જી સપ્લાય કરતા ન્યુટ્રીઅન્ટ્સ જેમ કે કાર્બોહાઇડ્રેટ્સ, પ્રોટીન અને ફેટ્સ ઓછાં લેવાથી શરીરમાં સ્ટોર્ડ એનર્જીનું રૂપાંતર ફ્યુઅલમાં થાય છે. આ ડાયેટમાં ફેટ લોસ કરતાં ફ્લુઇડ લોસ વધારે થાય છે..

લાભઃ .

  1. જન ઝડપથી ઊતરે છે.
  2. કસરતની જરૂર નથી. એટલે જેની પાસે કસરત કરવાનો ટાઇમ નથી એ આ ડાયેટને વિકલ્પ તરીકે પસંદ કરી શકે.
  3. શરીરની સિસ્ટમ ડિટોક્સિફિકેશનથી ક્લિન્સ થાય છે.
  4. એક અઠવાડિયામાં ખાસું વજન ઘટી જવાથી વધુ કોન્ફિડન્ટ અને પોઝિટિવ એટિટ્યૂડ થાય છે.

મર્યાદાઓઃ

  1. વજન ઝડપથી ઘટી જવાને કારણે અગત્યનાં ન્યુટ્રિઅન્ટની ઊણપ ઊભી થાય છે જેનાથી હેર લોસ, સ્કિનમાં ડ્રાયનેસ, હેડેક વગેરે થઈ શકે છે.
  2. ફેટ લોસ કરતાં ફ્લ્યુઇડ લોસ વધારે થાય છે.
  3. ડાયેટમાં સોડિયમ બહુ ઓછું હોવાથી સ્નાયુઓમાં ક્રેમ્પ્સ થાય છે.
  4. કાર્બોહાઇડ્રેટ્સ અને પ્રોટીન બહુ જ ઓછાં લેવાવાથી શરૂઆતના 4 દિવસમાં વીકનેસ લાગવા માંડે છે.
  5. ઝડપથી વજન ઘટવાથી ક્યારેક ઇમ્બેલેન્સ, હાર્ટબીટ પાલ્પિટેશન, લો બ્લડ સુગર વગેરે જેવા ક્લિનિકલ પ્રોબ્લેમ્સ થઈ શકે છે.
  6. જેટલું ઝડપથી વજન ઘટે એટલી ઝડપથી પાછું વધવાના ચાન્સીસ ખરા.

વજન ઘટાડવા માટે માત્ર કેલરી ઓછી કરવાથી નહીં ચાલે, પણ યોગ્ય પ્રકાર અને પ્રમાણમાં ફૂડ લેવું અગત્યનું છે. એટલે માત્ર ખોરાક ઓછો કરવો એ વજન ઘટાડવાનો રસ્તો નથી પણ દરેકે લાઇફસ્ટાઇલમાં ફેરફાર કરવો જોઈએ, કસરત કરવાની શરૂ કરવી જોઈએ અને હેલ્ધી લાઇફ જીવવી જોઈએ.

સ્ત્રોત: સોનલ શાહ,Stay Healthy.

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 10/28/2019



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate