જયારે શરીરના બે હાડકા વચ્ચેના સાંધામાં આવેલી ગાદી (cartilage) કે જે મુખ્યત્વે શોક અબ્સોર્પ્શન (shock absorption) અને લુબ્રિકેશન (lubrication) નું કામ કરે છે , તે કોઈ કારણોસર (જેમ કે વધતી જતી ઉંમર, મેદસ્વીતા, જૂની ઇજા , જીવન શૈલી , વ્યવસાય શૈલી ,અયોગ્ય આહાર, સ્ત્રી જાત (post menopausal females) ,આનુવંશિકતા (heredity), અન્ય બીમારીઓ જેવી કે સંધિ વા (rheumatoid arthritis) વગેરે) ઘસાઈ જાય છે ત્યારે બે હાડકા ની સપાટીઓ એકબીજા સાથે ઘર્ષણ નો સામનો કરે છે અને પરિણામે ઉદ્ભવતા દર્દ, સોજો, લાલાશ , જકડન (સાંધાનું જકડાઈ જવું) જેવી જટિલ પરિસ્થિતિને આર્થરાઇટિસ કહેવામાં આવે છે
આર્થરાઇટિસ એ એક તબ્બકા વાર થતી બીમારી છે. X-Ray ઉપર જોવા મળતા ફેરફારો અનુસાર આ તબક્કાઓ (stages) નું વર્ગીકરણ stage 0 થી stage 4 સુધીમા કરવામાં આવે છે. જેમ જેમ stage વધતું જાય તેમ તેમ તકલીફો ની તીવ્રતા અને પરિસ્થિતિની ગંભીરતા વધતી જાય છે. માટે જ શરૂઆત ના તબક્કા માં આ બીમારી ને પકડી પાડવી અને તેને વધતી અટકાવવી એ જ આપણો મુખ્ય લક્ષ્ય હોવો જોઈએ. યાદ રાખો : વધતી જતી ઉંમર ને અટકાવવી અશક્ય છે પરંતુ વધતા જતા આર્થરાઇટિસ (ઘસારા) ને જરૂર અટકાવી શકાય છે , તેની ગતિ ધીમી કરી શકાય છે.
એક ખુબ જ મહત્વની વાત જે સૌ એ સમજવાની છે તે એ છે કે માત્ર સાંધો કે સાંધો બનાવતા હાડકા જ ઘસારા માં ભાગ ભજવે છે એવું નથી. સાંધો અને હાડકા ને ગતિ અને હલનચલન પ્રદાન કરનાર માંસપેશી અને સ્નાયુઓ પણ અત્યંત મહત્વના છે. માંસપેશીઓ સાંધા ને સબળ (powerful), સ્થાયી (stable) અને ગતિશીલ (moving) રાખવાનું કામ કરે છે. આથી જ માંશપેશીઓની નબળાઈ એ પણ ઘસારા નું મોટું કારણ બની શકે છે.
આજની ભાગ દોડ તથા તણાવ (stress) થી ભરેલી જિંદગી પોષણક્ષમ આહાર ક્યાંક ભુલાતો જતો હોય તેમ લાગે છે. હાડકાના ઘસારા સંદર્ભે જણાવવાનું કે પ્રોટીન સભર ખોરાક હાડકા ના મજબૂત બંધારણ માટે ખુબ જરૂરી છે. કેલ્શિયમ સભર આહાર જેમ કે મેથી, સરગવો, બદામ,દૂધ અને દૂધ ની બનાવટો , લીલા શાકભાજી (કોબીજ,બ્રોકોલી), અંજીર, તલ , નારંગી , સોયાબીનનું નિયમિત સેવન , મોટી ઉંમરે થતી હાડકાની બીમારીઓ થી બચાવી શકે છે.
પૂર પેહલા પાળ બંધાવી હિતાવહ છે. પરંતુ , પાળ બાંધવા છતાં પૂર આવી જાય તો શું ? આપ કોઈ કારણોસર પાળ ના બાંધી શક્યા તો શું ? ઘણા દર્દીઓ માથે રહેલી જવાબદારીઓ , પોતાની ફરજો, વ્યવસાયિક વ્યસ્તતા , અપૂરતી કાળજી, વણનોતરેલી બીમારીઓ અને અન્ય ઘણા કારણોસર આર્થરિટિસ નો ભોગ બને છે. 21મી સદી માં જયારે મેડિકલ ક્ષેત્રે અદભુત પ્રગતિ થઇ છે ત્યારે આવા દર્દીઓ એ પણ ગભરાવાની જરૂર નથી. પણ હા,સાચો અને વૈજ્ઞાનિક અભિગમ ખુબ જ જરૂરી છે.
1) દર્દ(pain) અને અસમર્થતા (disability) નિવારક ઈલાજ
2) 2)નિર્ણાયક(definitive) ઈલાજ
જયારે આર્થરાઈટિસ શરૂઆત ના તબક્કામાં (stage 0,1,2) હોય ત્યારથી જ સાંધાની આસપાસ ના સ્નાયુઓ ને સશક્ત કરે તેવી ખાસ કસરતો, નિયમિત શારીરિક વ્યાયામ, મેદસ્વીતા ઘટાડવાના પ્રયાસો (self and weight management programs), જીવનશૈલી માં પરિવર્તન (જેમ કે પલાંઠી વાળીને નીચે ના બેસવું, ઉભું (western) ટોયલેટ વાપરવું, શક્ય એટલું ઓછું સિડી ચઢ ઉત્તર કરવી, દિનચર્યામાં જોગિંગ ને બદલે સ્વિમિંગ અથવા સાયકલિંગ કરવું, આંતરે આંતરે કસરત વચ્ચે પૂરતો આરામ કરવો વગેરે) જેવી તકેદારીઓ રાખવી જોઈએ. યાદ રાખો દર્દ ને કારણે કસરત અથવા પ્રવૃત્તિ ના કરવી એ સલાહભર્યું નથી. તેમ કરવાથી દર્દ જે તે સમય પૂરતો કદાચ ઘટશે પણ આગળ જતા પરિસ્થિતિ બેઠાડુ જીવન ને લીધે એકંદરે વધશે. માટે જ, યોગ્ય મેડિકલ માર્ગદર્શન તરત જ લેવું જોઈએ.
દર્દ ઓછું કરે તેવી દવાઓ (NSAIDS), હાડકા તથા હાડકા બનાવની પ્રક્રિયા ને વધુ સુદ્રઢ કરે તેવી વિશેષ દવાઓ (calcium, vitamin D, bisphosphonates and others),બાહ્ય ટેકો આપે તેવા ઉપકરણો (braces/splints/ devices/knee cap etc.), ખાસ પ્રકારની ફિઝિકલ થેરપી (ultrasonic , TENS etc.) , સાંધામાં મુકવામાં આવતા ઈન્જેકશન્સ કે જેમાં સ્ટીરોઈડ (steroid) , લુબ્રીકેન્ટસ (viscosupplements-hyaluronic acid ) અને ગ્રોથ ફેક્ટર્સ (stem cells, platelet rich plasma) , દૂરબીન થી સાંધા ની સફાઈ (arthroscopic joint lavage/meniscectomy) , જૂતા માં મુકવામાં આવતા સપોર્ટ્સ (lateral shoe raise), સાંધાની અંદર નું લુબ્રિકેશન વધારે તેવી દવાઓ (glucosamine, diacerin etc.) વગેરે જેવા ઘણા ઈલાજ ના વિકલ્પો આજે આપણી પાસે ઉપલબ્ધ છે. આ વિકલ્પો વત્તે ઓછે અંશે અપને જરૂર ફાયદો આપી શકે. American Academy of Orthopaedic surgeons (AAOS) ના જણાવ્યા અનુસાર આ તમામ ઈલાજ ના વિકલ્પો ધાર્યા પ્રમાણે નુ પરિણામ આપશે કે નહિ તે કેહવું આજે પણ મુશ્કેલ છે. વળી આમાંના મોટાભાગના વિકલ્પો એ દુઃખાવા માં દર્દીને રાહત મળે તે માટેના છે. એમાંનો કોઈ પણ વિકલ્પ બીમારીની પ્રક્રિયા(disease process) ને બદલતો (alter) કે સ્થાયી (static) રાખતો નથી. મોટેભાગે આ રાહત એ કાયમી નથી હોતી. સંપૂર્ણપણે ઘસાઈ ગયેલી ગાદી (cartilage) , ત્રાંસા થઇ ગયેલા પગ અને સંપૂર્ણ ઘસારો પામેલા હાડકા કોઈ પણ પ્રકારની દવાઓ, ઈન્જેકશન કે બાહ્ય ઉપકરણો થી સીધા કે પેહલા જેવા નોર્મલ થઇ શકતા નથી તે ખાસ યાદ રાખો. લાંબો સમય લેવામાં આવતી દર્દ નિવારક (pain killer) દવાઓ પણ શરીર ઉપર આડ અસર કરી શકે આથી જ આ દવાઓ નું સેવન ડૉક્ટર ની દેખરેખ માં થાય એ વધુ લાભકારક છે. આવી પરિસ્થી માં ઘણા આગળના તબક્કા માં પહોંચી ગયેલ દર્દીઓએ આજના સમયમાં શું કરી શકાય એ એક ઝળહળતો પ્રશ્ન છે.
આર્થરાઇટિસ ખરેખર જીવનના દિવસોને કપરા બનાવે છે. એવી પરિસ્થિતિ કે જેમાં દર્દીનો આર્થરાઇટિસ ઘણા જ આગળ ના તબક્કા માં પહોંચી ગયો હોય, દર્દ નિવારક દવાઓ લાંબા સમય થી નિયમિત લેવી જ પડતી હોય, રોજિંદી દિનચર્યા કરવામાં તકલીફ પડતી હોય, રાત્રી ની ઊંઘ હરામ થઇ ગઈ હોય , કળતર ને લીધે આનંદ પ્રમોદ થી આપ વંચિત રહેતા હોવ તેવા સંજોગો માં માત્ર અને માત્ર નિર્ણાયક સારવાર (definitive treatment)જ આપને ઝડપી, ધાર્યા પ્રમાણે નું, લાંબો સમય જળવાઈ રહે તેવું સફળ પરિણામ આપી શકે. આ નિર્ણાયક સારવાર એટલે TOTAL KNEE REPLACEMENT (TKR) નું ઓપરેશન. આ ઓપરેશન દરમ્યાન દર્દી ના સાંધાના ખરાબ થઇ ગયેલા ભાગ ને આધુનિક ટેક્નિક અને ઉપકરણો દ્વારા કાઢી નાખવામાં આવે છે અને કૃત્રિમ સાંધો બેસાડવામાં આવે છે. આ ઓપરેશન માટે ઝીણવટ ભરી તાપસ કરી , દર્દીને એનાથી કેટલો ફાયદો થશે તે નક્કી કાર્ય બાદ જ આ ઓપરેશન કરવામાં આવે છે. આજના સમય માં માત્ર TOTAL KNEE REPLACEMENT (TKR) જ એક માત્ર નિર્ણાયક વિકલ્પ નથી. મેડિકલ ક્ષેત્રે થયેલી પ્રગતિ ને લીધે Partial (અડધું) Knee Replacement (unicondylar knee replacement.) પણ એક અસરકારક ઓપરેશન પુરવાર થયેલ છે જેમાં આખો સાંધો બદલવાને બદલે માત્ર ખરાબ થયેલો ભાગ જ બદલવામાં આવે છે. તદુપરાંત Proximal Fibular Osteotomy (PFO) અને High Tibial Osteotomy (HTO) જેવા પણ ખુબ જ અસરકારક ઓપરેશન ના વિકલ્પો ઉપલબ્ધ છે. આ બંને ઓપરેશન Favorable load distribution by realigning axis ના સિદ્ધાંતો ઉપર કામ કરે છે જેમાં સાંધાના ખરાબ થઇ ગયેલા ભાગ તરફ થી સારા ભાગ તરફ વજન આવે તેવી રીતે હાડકા માં વાઢકાપ કરવામાં આવે છે, જે ઘણી સારી રીતે દર્દ નિવારી શકે છે તથા કેટલાક પસંદગીના દર્દીઓ માં TKR ના ઓપરેશન ની સંભાવના નહિવત કરી શકે છે. આ ઓપરેશન કેટલાક ખાસ પ્રકારના દર્દીઓ માં ખુબ જ સારું પરિણામ આપી શકે છે. વિવિધ પ્રકારના ઓપરેશન માટે દર્દી ની પસંદગી એ એક ખુબ જ ઊંડા અભ્યાસ નો વિષય છે. ઓપરેશન ની સફળતા નો આધાર તેની ઉપર રહેલો હોય છે.
કહેવાય છે, ચેતતો નર સદા સુખી. માટે જ આપ સૌ આ ઉંમર સાથે વધતી જતી તકલીફે વિષે સજાગ થશો અને સમયાંતરે જરૂરી પગલાં અવશ્ય લેશો. દર્દી ની આ બીમારી વિશેનો સંપૂર્ણ અને સાચો ચિતાર એક ઓર્થોપેડિક સર્જન જ દર્દી ની ઝીણવટભરી તાપસ બાદ આપી શકે. ઘૂંટણના ઘસારા અને ઓપરેશન ને લઈને અનેક શંકા કુશંકાઓ ઘણી વાર પ્રવર્તે છે, જેનાથી આપે ગભરાવાની જરૂર નથી. તમારા તમામ પ્રશ્નો નું સચોટ નિરાકાર લાવવા માટે આપ આપના ઓર્થોપેડિક ડૉક્ટર ને અવશ્ય મળો.
સ્ત્રોત :ડૉ વિવેક ઠક્કર,ઓર્થોપેડિક સર્જન
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/4/2020