ઘડપણ આવતા પહેલા આપને ઘરડાં બનાવનાર વ્યાધિ આર્થરાઈટિસ.. આજની અનિયમિત જીવનશૈલી સામે લાલબત્તી..!!
આર્થરાઈટિસ એટલે સામાન્ય માણસની ભાષામાં વાત કરીએ તો શરીરનો વા. શરીરના કોઈપણ સાંધામાં દુખાવો થાય તેને સામાન્ય માણસ વા કહે છે. વા તે રોગનું નામ નથી, તે રોગનું એક ચિહ્ન છે. મેડિકલ સાયન્સમાં વા ના ઘણાં પ્રકારો છે અને જુદા-જુદા પ્રકારના વા ની સારવાર પણ અલગ-અલગ હોય છે. સામાન્ય રીતે દર્દી સાંધાના દુઃખાવાની ફરિયાદ સાથે ડૉક્ટર પાસે જાય છે. ત્યારે ડૉક્ટર તેના અનુભવ, વિવિધ ટેસ્ટ, એક્સ-રૅ અને અન્ય લક્ષણો પરથી તેનું નિદાન કરે છે.
જ્યાં સુધી વાના પ્રકારનું નિદાન ન થાય ત્યાં સુધી ડૉક્ટર શરૂઆતમાં દર્દશામક દવાઓ આપે છે. જો દર્દી આ દવાઓ બંધ કરી દે તો ફરીથી દુખાવો થવા લાગે છે એટલે દર્દનો પ્રકાર જાણી તેની યથાયોગ્ય સારવાર ડૉક્ટર દ્વારા કરવામાં આવે છે. રોગના નિદાનથી લઈને તેના પરીક્ષણો અને યોગ્ય ઉપચાર પધ્ધતિને અમલ કરવા સુધીના સમયગાળામાં દર્દીએ થોડી ધીરજ રાખવી જરૂરી છે. ડૉક્ટર સાથે યોગ્ય પરામર્શ અને માર્ગદર્શન લઈ રોગના ઉપચાર અને ફેર પડવા સુધી સૂચનોને અનુસરવા આવશ્યક છે.
'વા' જેને સામાન્ય રીતે ઢીંચણના દુઃખાવા તરીકે ઓળખીએ છીએ. આપણી રહેણી-કરણીમાં જમીન પર બેસવું, પલાંઠી વાળવી, કુદરતી હાજત વખતે ઊભાપગે બેસવું જેવી ક્રિયાઓ કારણભૂત હોય છે. આ સિવાય વર્તમાન સમયમાં લોકોની જીવનશૈલી બદલાઈ ગઈ છે. વિટામીન ડી અને કેલ્શિયમની ઉણપને કારણે હાડકાંની ઘનતા ઘટતી જાય છે. સૂર્યપ્રકાશના સીધા સંપર્કમાં આવવાને બદલે લોકો એ.સી ઘર-ઓફિસોમાં રહે છે. મેદસ્વીતાને કારણે હલન-ચલન કરતા ઘૂંટણના સાંધા પર વજન આવે છે
વા ના પ્રકારોને થોડા વિસ્તારથી સમજીએ. વા ના જુદા જુદા પ્રકારો વિશે વાત કરીએ તો લગભગ 70 ટકા કેસીઝમાં ઉંમરના કારણે થતા ઘસારાની સમસ્યા જોવા મળે છે જેને સામાન્ય રીતે ઢીંચણના દુઃખાવા તરીકે ઓળખીએ છીએ. આપણી રહેણી-કરણીમાં જમીન પર બેસવું, પલાંઠી વાળવી, કુદરતી હાજત વખતે ઉભાપગે બેસવું જેવી ક્રિયાઓ કારણભૂત હોય છે. આ સિવાય વર્તમાન સમયમાં લોકોની જીવનશૈલી બદલાઈ ગઈ છે. વિટામીન ડી અને કેલ્શિયમની ઉણપને કારણે હાડકાંની ઘનતા ઘટતી જાય છે. સૂર્યપ્રકાશના સીધા સંપર્કમાં આવવાને બદલે લોકો એ.સી ઘર-ઓફિસોમાં રહે છે. મેદસ્વીતાને કારણે હલન-ચલન કરતા ઘૂંટણના સાંધા પર વજન આવે છે. સ્નાયુઓમાં શક્તિ ઓછી હોય તથા હાંડકા પોચા હોય તો સાંધા પર વધારે ઘસારો અનુભવાય છે. જે વ્યક્તિઓના પગ એકદમ સીધા ન હોય એટલે કે HKA AXIS (Hip-Knee-Ankle angle) પ્રમાણે થાપા-ઢીંચણ અને ઘૂંટીના સાંધા એક સમાન્તર ન હોય તેને મિકેનિકલ એક્સિસ કહેવાય છે, તેઓના સાંધા પણ ઝડપથી ઘસાય છે.
ઘસારાના વાની સારવાર વિશે વાત કરીએ તો, દવાઓથી આવા પ્રકારના વામાં વિશેષ ફેર પડતો નથી. દર્દશામક દવાઓ રાહત આપી શકે પરંતુ તેના અસરકારક ઈલાજ માટે ડૉક્ટર દ્વારા તેનું સંપૂર્ણ નિદાન થવું જરૂરી છે. ધસારાના કારણો જેવાકે મેદસ્વીતા. ઉંમર, મીકેનિકલ એક્સેસ, પોચા હાંડકા જેવા અનેક કારણો જવાબદાર હોઈ શકે છે. આ દરેક પરિબળના પ્રમાણે કસરતો (સ્નાયુ મજબૂત કરવા માટે), કેલ્શિયમ અને વિટામીનની દવાઓ (હાંડકાને મજબૂત કરવા માટે) ખૂબ રાહત આપતી હોય છે. મીકેનિકલ એક્સેસ સમાન ન હોય તો ઘણી વખત ડૉક્ટર ઓપરેશન માટે પણ સલાહ આપતા હોય છે, પરિણામે હાંડકાંનો વધારે ધસારો રોકી શકાય છે. જ્યારે ધસારો ખૂબ જ વધી ગયો હોય તેવા સંજોગોમાં આપરેશન કરાવી સાંધા બદલવાની સલાહ આપવામાં આવે છે.
હવે, બીજા પ્રકારના વા ની વાત કરીએ, તો રૂમોટોઈડ આર્થરાઈટિસ અર્થાત સંધિવાનો રોગ. આ એક ઑટો-ઈમ્યુન ડિસીઝ છે, જે ઘણીવાર વારસામાં પણ જોવા મળે છે અને એક કરતા વધારે સાંધામાં પણ તકલિફ થતી જોવા મળે છે. જો આ પ્રકારનો વા નાની ઉંમરે થાય તો તેને જુવેનાઈલ રૂમેટોઈડ આર્થ્રાઈટિસ કહેવામાં આવે છે.
સામાન્ય રીતે લોકોમાં એવી માન્યતા હોય છે વા મોટી ઉંમરે થતો હોય છે, પંરતું ઘસારાના વા સિવાય અન્ય પ્રકારના થતા વામાં ઉંમરનો કોઈ બાધ નથી. શરૂઆતમાં એક સાંધામાં દુખાવો થાય છે જે ધીરેધીરે અન્ય સાંધાઓમાં પ્રસરે છે. સંધિવામાં હાથની આંગળીઓના સાંધા, કાંડાના સાંધા, પગના પંજાની આંગળીઓ, ઘૂંટીનો સાંધો વિગેરેમાં અસર વધારે જોવા મળે છે. સાંધાના પડ પર સોજો આવવો, પાણી ભરાવું અને સવારમાં ઉઠતાની સાથે આ સાંધાઓ જકડાઈ જવા એ સંધિવાના રોગની ખાસિયત છે.
સંધિવાના રોગના નિદાન માટે દર્દના ચિહ્નો, લેબોરેટરી તપાસ, એક્સ-રૅ ઉપયોગી નિવડે છે. R A Test , એન્ટી સી.સી.પી, એન્ટી બૉડી ટેસ્ટ, સી.આર.પી અને ઈ.એસ.આર પરથી સંધિવાનું નિદાન થાય છે. જો આ વા શરૂઆતના સ્ટેજમાં નિદાન કરી સારવાર કરવામાં આવે તો રોગ આગળ વધતો અટકી જાય છે અને દર્દીના સાંધાને થતુ વધારાનું નુક્સાન તથા અંતિમ વિકલ્પ તરીકે ઓપરેશનની સ્થિતિથી બચાવી શકાય છે. ઉપરાંત, આ સારવાર સંબંધિત રોગના વિષય નિષ્ણાતની દેખરેખ હેઠળ વ્યવસ્થિત રીતે થવી જોઈએ, જેથી વા સુષુપ્ત અવસ્થામાં જાય અને દર્દીને દર્દમાં રાહત મળી રહે.
વા ની સારવારમાટે આવત દર્દીઓ ઘણી વખત ધીરજ રાખતા નથી અને સારવારમાં અખતરારૂપ બાબતો કે અયોગ્ય માર્ગદર્શકોની સલાહ લઈ ગેરમાર્ગે દોરાય છે. ઉપરાંત, નિયમિત સારવાર ચાલુ રાખતા નથી અથવા ચાલુ સારવાર દરમિયાન થોડું સારુ લાગે ત્યારે દવા કે આગળનો ઉપચાર બંધ કરી દે છે. આવા સંજોગોમાં આખરે દર્દીને નુક્સાન થાય છે અને ડૉક્ટર કે વિજ્ઞાન તેમને કોઈ મદદ કરી શકતા નથી.
ડાયબિટીસ કે બી.પી જેવા રોગોમાં દર્દી સતત દવાઓ લઈને જેમ રોગોને કાબૂમાં રાખે છે તેવી જ રીતે સંધિવામાં પણ શરૂઆતથી જ રોગને કાબૂમાં રાખવામાં આવે તો દર્દી ખૂબ જ સારી રીતે ઓછી તકલિફ સાથે જીવન જીવી શકે છે.
અન્ય એક માન્યતા એવી છે કે એલોપથી દવાઓથી નુક્સાન થાય છે એટલે તે કાયમ ચાલુ ન રખાય. હા, એ વાત સાચી છેકે સ્ટીરોઈડની દર્દશામક દવાઓ લાંબા ગાળે કિડનીને નુક્સાન પહોંચાડે છે, પરંતુ આ રોગ માટે તે લેવી જરૂરી નથી. હવે એલોપથી વિજ્ઞાનમાં ઘણાં જ સંશોધનો ઉપલબ્ધ છે. ડિસિઝ મોડિફાઈડ એન્ટી રૂમેટિક ડ્રગ્સ (DMARDS)દવાઓ અને બાયો-સિમિલર દવાઓની શોધ પછી આ દર્દની સારવાર વધારે ચોક્કસ અને સચોટ બની છે. દર્દીઓની જાણસારૂ અહી લખવું ખૂબ જ જરૂરી છે કે દર્દીઓએ આવી માન્યતામાં રહ્યાં વગર ડૉક્ટરમાં વિશ્વાસ મૂકીને વ્યવસ્થિત રીતે લાંબા સમય સુધી નિર્દિષ્ટ દવાઓ ચાલુ રાખે તો રોગ ( સંધિવા) આગળ વધતો અટકે છે અને દર્દીને સારી રીતે જિંદગી જીવવાનો મોકો મળે છે.
વા ના બીજા પ્રકારની વાત કરીએ તો, ગાઉટ..! આ વા આપણાં શરીરમાં યુરીક એસિડનું પ્રમાણ વધવાથી થાય છે, તેમાં મહદઅંશે પગના અંગુઠાનો સાંધો વધુ પકડાય છે પણ અપવાદ રૂપે તે શરીરના કોઈપણ સાંધાને અસર પહોંચાડી શકે છે. આવા વા માં સાંધો સુજી જાય છે, બળતરા અને પાક્યુ હોય તેવા લપકાર મારે છે. વાગ્યુ ન હોય તો પણ વાગ્યુ હોય તેવા દુઃખાવાનો અનુભવ થાય છે. સિરમ-યુરીક એસિડનો ટેસ્ટ કરાવવાથી તેનુ નિદાન થાય છે. યુરીક એસિડનું પ્રમાણ ઘટવાની દવા લેવાથી લોહીમાં યુરીક એસિડનું પ્રમાણ નોર્મલ થાય છે અને પછી દર્દીને દર્દમાં રાહત થાય છે. યુરીક એસિડ વધવાના પણ ઘણાં કારણો છે. ડૉક્ટર સાથે ચર્ચા કરીને યુરીક એસિડ ન વધે તેના પણ ઉપાયો ડૉક્ટર સૂચવે તે અનુસાર તેનુ પાલન કરવુ અતિ આવશ્યક છે. ઘણીવાર લાંબા સમય માટે યુરીક એસિડ ઘટાડવા માટેની દવાઓ પણ ચાલુ રાખવાની સલાહ પણ જો ડૉક્ટર આપે તો, તે અનુસરવી જોઈએ. દવા બંધ કરવાથી તેનો વારંવાર એટેક આવે છે અને પછી સાંધો ઘસાઈ જાય છે. પરિણામે દર્દ હંમેશા માટે ઘર કરી જાય છે.
આ ઉપરાંત બીજા વા ની વાત કરીએ તો એક્સિયલ સ્કેલેટૉનને અસર કરતો વા – જેમાં કમરના મણકાંના સાંધાંમાં સેક્રોઈલીયાક જોઈન્ટ ( નિતંબના હાડકાંનો સાંધો) માં અસર થતી જોવા મળે છે. જેમાં એન્કીલોઈઝીંગ, સ્પોન્ડિલાઈટીસ, ઘણાં બધાં પ્રકારો માંથી એક પ્રકાર છે. આ દર્દમાં મહદઅંશે મોડી રાત્રે અથવા વહેલી સવારે કમરનું પકડાઈ જવું, જકડાઈ જવું અને ઉંઘ ઉડી જવી, સવારમાં ઉઠીને વ્યવસ્થિત ચાલી ન શકાવું જેવી તકલિફ થતી હોય છે. આ સમસ્યા આનુવંશિક પણ હોય છે. આ રોગની સારવારમાં પણ રિસર્ચ દ્વારા વિજ્ઞાનમાં બાયોસિમિલર દવાઓ શોધાય પછી જો રેગ્યુલર તેને ડૉક્ટરની દેખરેખ હેઠળ લેવામાં આવે તો રોગને આગળ વધતો અટકાવી શકાય છે અને સારી જિંદગી જીવી શકાય છે.
આ ઉપરાંત, પોસ્ટ ટ્રોમેટિક આર્થ્રાઈટિસ પણ આજના જમાનામાં વધારે જોવા મળે છે. સાંધાના ફેરફાર થયા પછી સાંધામાં દુખાવો રહી જાય અને શારીરિક તકલિફો થાય તેની પણ સારવાર ડૉક્ટર પાસે હોય છે. તે ડૉક્ટરની સલાહ અનુસાર કરવી જોઈએ.
આ સિવાય વા ના બીજા ઘણાં બધા પ્રકાર છે જેની વિસ્તુત ચર્ચા એક જ લેખમાં શક્ય નથી. જેમકે ઈન્ફેક્શન પછીનો વા, રીએકટીવ સાઈનોવાઈટીસ, સીરોનેગેટીવ સ્પોન્ડીલો આર્થોપથી, કનેક્ટીવ ટીશ્યુ ડિસઓર્ડર વિગેરે વિગેરે..
પણ, એક વાત તો ચોક્કસ છેકે દર્દીઓએ પોતાને થતી તકલિફોની ડૉક્ટર પાસે જઈ યોગ્ય નિદાન કરાવીને મોકળાશ મને ચર્ચા કરાવી જોઈએ કેમકે સાચી સલાહ આપવીએ પ્રત્યેક ડૉક્ટરની ફરજ છે. બીજી તરફ, દવા લઈને એક જ વારમાં રોગ મટી જશે, એ ખોટો ખ્યાલ દરેક દર્દીએ કાઢી નાંખવો જોઈએ અને મલ્ટી મોડાલિટી સારવારથી આર્થ્રાઈટિસ સામે રક્ષણ મેળવવું જોઈએ..!
સ્ત્રોત: ડૉ. બીનોય પાલખીવાલા, ઓર્થોપૅડિક સર્જન.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/21/2020