સાંધાના વા ના એક્સોથી વધારે પ્રકાર છે. ઓસ્ટીઓ આર્થરાઇટીસ એમાનો સૌથી સામાન્ય પ્રકાર છે. આ વા સામાન્ય રીતે સ્ત્રીઓમાં ૪૫-૫૦ વષઁની ઉમરે થાય છે.
વારંવાર પૂછાતાં પ્રશ્નો
ઓસ્ટીઓ આર્થરાઇટીસ એટલે શું?
- સાંધાના વા ના એકસો થી વધારે પ્રકાર છે. ઓસ્ટીઓ આર્થરાઇટીસ આમાંનો એક પ્રકાર છે. દુનિયામાં સૌથી વધારે લોકો આ વાથી પીડાય છે.
- સામાન્ય રીતે આ વા ના લક્ષણ ૫૦ વષઁની ઉમર પછી દેખાય છે, સ્ત્રીઓમાં અને વધારે શ્રમ કરતા પુરુષોમાં આ વા વધારે જોવા મળે છે.
ઓસ્ટીઓ આર્થરાઇટીસ થવાનુ કારણ શું છે?
આ વા થવાનું એક ચોક્કસ કારણ આપી શકાય તેમ નથી. દરેક માણસના સાધાંનો આકાર, બંધારણ તથા મજબુતી અલગ હોય છે. જે આ બિમારી થવામા અગત્યનો ભાગ ભજવે છે.
માણસના કામનો પ્રકાર, જીવન જીવવાની પધ્ધતિ આ બિમારી આગળ વધારવામા અગત્ય નો ભાગ ભજવે છે.
ઓસ્ટીઓ આર્થરાઇટીસ ક્યા સાંધામાં થઇ શકે છે?
ગોઠણના સાંધામાં આ બીમારી સૌથી વધારે થાય છે. આંગળીઓના ટેરવા પાસેના સાંધા, બન્ને હાથના અંગૂઠાના મૂળ પાસેના સાંધા, પગના અંગૂઠાના મૂળ પાસેના સાંધા તથા કમરના મણકામાં આ બિમારી વધારે જોવા મળે છે.
આ બીમારી ના ચિન્હો શું છે?
- સાંધાનો દુખાવો આ બીમારીનું મુખ્ય ચિન્હ છે. આ બીમારી ધીમી ગતિથી આગળ વધે છે.
- શરૂના વષોઁમા ખૂબ શ્રમ થયા પછી જ દુઃખાવો થાય છે. ધીમે ધીમે દુઃખાવો સતત રહે છે અને તેની તીવ્રતા વધતી જાય છે.
- સાંધાનો આકાર બદલાય છે.
- દદીઁ ની સાંધા વાપરવાની ક્ષમતા ઘટતી જાય છે. આ બિમારીમાં સામાન્ય રીતે સાંધા ઉપર સોજો રહેતો નથી.
- એક જ પોઝીશન મા લાંબો સમય રહ્યા પછી સાંધા જકડાઇ જાય છે.
ઓસ્ટીઓ આર્થરાઇટીસનું નિદાન કઇ રીતે કરવામાં આવે છે?
- દદીઁ ના લાક્ષણીક ચિન્હો ઉપરથી આ બિમારીનું નિદાન થાય છે.
- સાંધાના એકસ-રે બિમારી થી થયેલુ નુકસાન જાણવામાં મદદ કરે છે.
- લોહીની તપાસ આ બિમારીનું નિદાન કરવામાં મદદરૂપ થતી નથી.
- દવા શરૂ કરતા પહેલા લોહીના કણૉ તથા કીડની ની તપાસ કરવી જોઇએ.
ઓસ્ટીઓ આર્થરાઇટીસ ની સારવાર કઈ રીતે કરવામાં આવે છે?
સારવારના પ્રકાર:
- નુકસાન પામેલા સાંધા જળવાઇ રહે તે માટે જીવન જીવવા ની પધ્ધતી બદલાવવી.
- કસરતો કરવી.
- વજન ઘટાડવું
- દવાઓ – દુખાવો ઓછો કરવા માટે / સાંધા જાળવવા માટે.
- ઓપરેશન – દુરબીન દ્વારા (Arthroscopy/ આર્થોસ્કોપી)/ સાંધા જાળવવા માટે / સાંધા બદલવા માટે.
નુક્શાન પામેલા સાંધા જળવાઇ રહે તે માટે શું કરવું જોઇએ?
- ગોઠણના સાંધા તથા કમરના મણકાને જાળવી રાખવા માટે જીવન જીવવાની પધ્ધતિ બદલવી જરૂરી છે.
- જમીન ઉપર બેસવુ નહીં.
- પલાંઠી મારવી નહીં.
- ઉભડક બેસવુ નહીં ( દેશી સંડાસ વાપરવું નહીં.)
- કારણ વગર ચાલવું નહીં.
- જમવા માટે ખુરશી ઉપર બેસવું.
- એક જ જગ્યાએ બેસવા પછી ઉભા થતાં પહેલા દસ-પંદર વાર સાંધા હલાવવા થી જકડન ઓછી થાય છે.
ઓસ્ટીઓ આર્થરાઇટીસમાં ખોરાકમાં શું કાળજી લેવી જોઇએ?
- વજન ઘટાડવું તથા ઘટાડેલું વજન જાળવી રાખવું સૌથી મહત્વનું છે.
- ફ્કત 5 કીલો વજન ઘટવાથી દુખાવામાં 50% ફાયદો થઇ શકે છે.
- વજન ઘટાડવા ડાયેટીશીયનની સલાહ લઇ શકાય.
ઓસ્ટીઓ આર્થરાઇટીસ માં કસરતો કઇ રીતે કરવી જોઇએ?
- રૂમેટૉલોજીસ્ટના માર્ગદર્શન હેઠળ સ્નાયુ મજબુત કરવાની, સાંધાની મૂવમેન્ટ વધારવાની કસરતો ફીઝીયોથેરાપીસ્ટ પાસે શીખી અને આજીવન નિયમિત કરવી જોઇએ.
- મીણ નો શેક, Ultrasound, IFT વગેરે પધ્ધતિઓ વધી જતા દુઃખાવા ને હળવો કરવામાં મદદરૂપ થાય છે.
- ગોઠણની તકલીફ ધરાવતા દદીઁઓએ લાકડી રાખવી જોઇએ.
- જે દદીઁના સાંધા ખૂબ નબળા પડી ગયા છે અને ઓપરેશન કરી શકાય તેમ નથી – તેમને સાંધાને ટેકો આપતા પટ્ટા મદદરૂપ થાય છે. દરેક દદીઁઓએ આ પટ્ટા વાપરવાની જરૂર નથી.
ઓસ્ટીઓ આર્થરાઇટીસ માં કઇ દવાઓ વપરાય છે?
ઓસ્ટીઓ આર્થરાઇટીસ માં બે પ્રકાર ની દવાઓ વપરાય છે.
- દુ:ખાવો ઓછો કરવા માટે.
- સાંધા બગડતા રોકવા માટે [ DMOADS ]
- દુ:ખાવો ઓછો કરવા માટે પેરાસીટામોલ, ટ્રામાડોલ સૌપ્રથમ વાપરવામાં આવે છે. જ્યારે સાંધામાં સોજો હોય ત્યારે એન્ટીઇન્ફ્લેમેટરી દવાઓ જેમ કે ડાઇક્લોફેનાક, નેપ્રોક્સેન, ઇટોરીકોક્સીબ ટૂંક સમય માટે વાપરવામાં આવે છે. ફક્ત એક જ સાંધામા સોજો હોય ત્યારે, સાંધામાં સ્ટીરોઇડ નું ઇંજેકશન ટૂંકા ગાળા માટે રાહત આપી શકે છે. આ ઇંજેક્શન વારંવાર લેવુ હીતાવહ નથી. દુ:ખાવાની વિવિધ દવાઓ ધરાવતા મલમ પણ દુખાવામાં રાહત આપી શકે છે.
- સાંધા બગડતા રોકવાની દવાઓ [ DMORDS ]
- ગ્લુકોસામીન સલ્ફેટ: આ દવા સાંધાનુ “વિટામીન” કહેવામાં આવે છે. ઓસ્ટીઓ આર્થરાઇટીસ ની શરૂઆત ના તબક્કામાં લાંબો સમય લેવાથી આ દવા દુ:ખાવામાં રાહત આપી શકે છે.
- હાઇલ્યુરોનીક એસીડ ઇન્જેક્શન : હાઇલ્યુરોનીક એસીડ સાંધાની ગાદી નો અગત્યનો ભાગ છે. જે દદીઁ ના સાંધા અતિ ખરાબ છે પરંતુ સાંધા બદલવાનું ઓપરેશન થઇ શકે તેમ નથી તે દદીઁ માં આ ઇન્જેકશન ટુંકા ગાળા માટે રાહત આપી શકે છે.
ઓસ્ટીઓ આર્થરાઇટીસ માં ક્યા પ્રકાર ના ઓપરેશન થઇ શકે છે?
- Arthroscopy/ આર્થોસ્કોપી
- HTO [હાઇ ટીબીયલ ઓસ્ટીઓટોમી]
- આર્થ્રોપ્લાસ્ટી
- દદીઁ ની જરૂર પ્રમાણે રૂમેટૉલોજીસ્ટ દ્વારા ઓપરેશનની ભલામણ કરવામાં આવે છે.