অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

સ્પોન્ડિલોસીસથી મણકામાં લકવો થઈ જશે તે માન્યતા ખોટી

સ્પોન્ડિલોસીસથી મણકામાં લકવો થઈ જશે તે માન્યતા ખોટી

“સ્પોન્ડિલોસીસ” શબ્દ ગ્રીક શબ્દ “Vertebra” ઉપરથી આવેલો છે. સ્પોન્ડિલોસીસ એટલે મણકાના સાંધાનો “Arthritis”. ઘણા લોકોને મનમાં ચિંતા રહેતી હોય છે કે તેમને સ્પોન્ડિલોસીસ નામનો રોગ થઈ ગયો છે અને એટલે તેમને ડર રહે છે કે આગળ ચાલીને તેમને મણકામાંથી પેરાલિસીસ થઈ જશે. આ માન્યતા આપણા મનમાંથી કાઢી નાંખવાની જરૂર છે. આપણી રોજિંદી જીંગદીમાં આપણે ચાલવામાં, ઉભા રહેવામાં, વાંકા વળી કામ કરવામાં શરીરનું જોર આપણા મણકાના સાંધા ઉપર આવતું હોય છે. ધીમે ધીમે આ સાંધાઓ ઉપર ઘસારાની અસર પહોંચે છે અને દુ:ખાવો પેદા કરે છે. એટલે સ્પોન્ડોલિસીસને રોગ ન કહી શકાય, પણ આપણા મણકાના સાંધાનો ગેરઉપયોગ, દુર ઉપયોગ અથવા વધારે પડતા ઉપયોગના કારણે ઘસારાની અસર કહેવાય જે ઊંમર વધે એમ બધા લોકોને તેની અસર જોવા મળતી હોય છે. જો આ ઘસારો ગરદનના મણકામાં આવે તો તેને સર્વાઈકલ સ્પોન્ડિસીસ કહેવાય અને કમરના મણકામાં આવે તો લમ્બર સ્પોન્ડિલોસીસ કહેવાય. અહીં આપણે લમ્બર સ્પોન્ડિલોસીસ વિશે વધુ માહિતી મેળવીશું.

લમ્બર સ્પોન્ડિલોસીસ થવાના કારણ શું?

આપણી રોજિંદી જીંદગીમાં આપણા કમરનો વધારે પડતો ઉપયોગ અથવા દુરઉપયોગને કારણે બે મણકાની ગાદી અથવા બે મણકા વચ્ચેના સાંધા ઉપર ઘસારાના કારણે આ સ્પોન્ડિલોસીસ થઈ શકે છે. ચાલીસ વર્ષની ઉંમર પછી 60% લોકોને આની અસર જોવા મળતી હોય છે.

લમ્બર સ્પોન્ડિલોસીસના ચિન્હો કયા?

સ્પોન્ડિલોસીસ એટલો વ્યાપક છે કે બધાને થોડા ઘણા અંશે એ હોય છે. 60 વર્ષ પછી જો કમરનો એક્સ-રે કરવામાં આવે તો એંસી ટકા લોકોને કમરમાં તેની અસર દેખાતી હોય છે પણ અગત્યની વાત એ છે કે ભલે એક્સ-રેમાં સ્પોન્ડિલોસીસ દેખાય પણ બધાને તેના ચિન્હો હોતા નથી. સૌથી અગત્યનું ચિન્હ છે કમરનો દુખાવો ખાસ કરીને કમરના વપરાશથી કમરનો દુખાવો થતો હોય છે જેમ કે, કામકાજ કરવાથી, વાંકા વળવાથી, લાંબુ બેસવાથી કે ઊભા રહેવાથી પણ જો આરામ કરો અથવા તો સૂઈ જાવ તો દુખાવો મટી જાય છે. ઘણા લોકોને એવા ચિન્હો હોય છે કે સવારના ઊઠે ત્યારે કમર જકડાઈ ગયેલી હોય પણ જેવું થોડું કામ કરે એટલે દુખાવો ઓછો થઈ જાય.

કમરના દુખાવા સિવાય ઘણીવાર સ્પોન્ડિલોસીસના કારણે મણકામાંથી નસ દબાતી હોય છે જેના કારણે પડમાં દુખાવો ઉતરવો, ખાલી ચઢવી, ઝણઝણાટી થવી તેવા ચિન્હો પણ જોવા મળતા હોય છે. ખાસ કરી ને થોડું ચાલ્યા પછી અથવા ઊભા રહ્યા પછી પગમાં ખાલી ચઢવી અથવા પગ ભારે થી જાય અને જેવા બેસી જાય અથવા સૂઈ જાય તો મટી જાય એવું પણ જોવા મળતું હોય છે.

થોડા ચિન્હો એવા પણ હોય શકે જેને કારણે ડોક્ટરને તાત્કાલિક મળવું જરૂરી હોય તેને રેડહેગ્સ કહેવામાં આવે છે. પગમાં દુખાવો ઉતરવો, પગમાં સ્નાયુઓની નબળાઈ આવવી, ઝાડા-પેશાબમાં ખબર ન પડવી, દુખાવા સાથે તાવ આવવો અથવા રાત્રે દુખાવો વધારે થવો આ ચિન્હો રેડ હેગ્સની નિશાની છે અને તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવી જરૂરી બને છે.

લમ્બર સ્પોન્ડિલોસીસનું નિદાન કેવી રીતે કરવું?

સ્પોન્ડિલોસીસનું નિદાન એક્સ-રે દ્વારા કરવામાં આવતું હોય છે પરંતુ આગળ કહ્યું એમ ઘણાં લોકોને એક્સરેમાં સ્પોન્ડિલોસીસની અસર જણાતી હોય છે એટલે એક્સ-રેમાં દેખાય એટલે દુખાવો એના કારણે છે એવું કહી શકાય નહી. ડોક્ટર તમારા ચિન્હો શું છે તેની તપાસ કરે અને ત્યારબાદ એક્સ-રે સાથે ચિન્હોનો મેળાપ થતો હોય તો જ એનું પાક્કુ નિદાન કરી શકાય. ઘણીવાર એક્સ-રે સિવાય કમરના બીજા કારણો છે કે કેમ એ તપાસવા અથવા નસનો દુખાવો હોય તો કઈ નસ અને કેટલા પ્રમાણમાં અને ક્યાંથી નસ દબાય છે એ જાણવા એમઆરઆઈ કરાવવાની પણ જરૂર પડતી હોય છે. એમઆરઆઈ મોંઘી તપાસ છે એટલે ડોક્ટરને લાગે કે જરૂર છે તો જ કરાવવો જોઈએ, બધાને એમઆરઆઈ કરાવવાની જરૂર હોતી નથી.

સ્પોન્ડિલોસીસની સારવાર શું?

સ્પોન્ડિલોસીસ ઉંમરને કારણે થતો ઘસારો છે એટલે ઘણા લોકોને પ્રશ્ન હોય છે કે તે મટી શકે કે નહીં. આ જાણવું બહુ જરૂર છે કે ઘસારો એ પાછો નોર્મલ ન થઈ શકે એટલે ઘસારાને રિવર્સ કરવાનો કોઈ ઉપચાર નથી પણ ઘસારાને કારણે થતા કમરના દુખાવાને મટાડવાના ઘણા ઉપચાર છે. એટલું જાણવું પણ જરૂરી છે કે ઘસારો મટતો નથી એટલે દુખાવાનો પણ ઉપચાર કરો તો મટે પણ ફરી પણ થઈ શકતો હોય છે એટલે ફરી ન થાય તેની કાળજી રાખવી પણ એટલી જ જરૂરી હોય છે.

દુખાવાની ગોળીઓથઈ ઘસારો નોર્મલ થતો નથી તેનાથી થોડા સમય માટે દુખાવામાં રાહત મળતી હોય છે એટલે ગોળીઓનો ઉપયોગ બને એટલો ઓછો કરો તે જરૂરી છે. દુખાવો મટાડવાના ઉપચારોમાં અગત્યનો ભાગ કમરની કાળજી, કમરની કસરતો અને ફિઝીયોથેરાપી ભજવે છે. દુખાવો એ ઓરેન્જ સિગ્નલ છે, તે સૂચવે છે કે કમર ઉપર ભાર વધારે પડે છે એટલે આપણી રોજની ક્રિયાઓમાં જે ક્રિયા કમરનો દુખાવો પેજા કરે એને આપણે રોકવી પડે જેમકે ઘણાં લોકો કહે કે મને વાંકા વળીને કામ કરવાથી દુખાવો વધે છે મતલબ એ ક્રિયા બંધ રાખવી પડે.

બીજો મુદ્દો છે કસરત અને ફિઝીયોથેરાપી. 90 ટકા લોકોને કસરત અને ફિઝીયોથેરાપીથી ફેર પડતો હોય છે. કસરત પણ ડોક્ટરની સલાહ મુજબ કરવી જોઈએ. ફિઝીયોથેરાપીના શેક જેમકે એસડબલ્યુડી, આઈએફટી, અલ્ટ્રાસાઉન્ડ, ટેન્સ લેવાથી પણ દુખાવામાં ફરક પડતો હોય છે.

પેઈન મેનેજમેન્ટ શું છે અને એનાથી સ્પોન્ડિલોસીસમાં શું ફાયદા?

પેઈન મેનેજમેન્ટ એટલે કમર અથવા નસમાં દુખાવો થતો હોય તો કમરના સાંધા અથવા નસમાં સોજો ઉતારવાના ઈન્જેક્શન (સ્ટીરોઈડ) આપવામાં આવતા હોય છે. ઘણીવાર કમરના સાંધામાંથી દુખાવો પેદા થતો હોય તો એને રેડિયો ફ્રિકવન્સી ટ્રીટમેન્ટથી સાંધાની નસો બાળી નાંખવામાં આવતી હોય છે આને કારણે દુખાવાનો અનુભવ થતો નથી. પેઈન મેનેજમેન્ટ ટ્રીટમેન્ટનો ઉપયોગ ખાસ કરીને નસના દુખાવામાં ફાયદો કરતો હોય છે. આ ટ્રીટમેન્ટથી કેટલો ફાયદો થઈ શકે તે ડોક્ટર્સ જ નક્કી કરતાં હોય છે.

સ્પોન્ડિલોસીસની ટ્રીટમેન્ટમાં ઓપરેશન જરૂરી છે?

સ્પોન્ડિલોસીસ માટે ઓપરેશન જવલ્લે જ કરવામાં આવતું હોય છે. મોટાભાગે ઓપરેશનની જરૂર પડતી હોતી નથી. ખાસ કરીને જો નસનો દુખાવો ના હોય અને ફક્ત કમરનો દુખાવો હોય તો ઓપરેશનથી ફાયદો થતો નથી. સ્પોન્ડિલોસીસની મુખ્ય ટ્રીટમેન્ટ કમરની કાળજી અને કમરની કસરતો છે. પણ જો નસનો દુખાવો થતો હોય, થોડું ચાલવાથી પગમાં અસહ્ય દુખાવો થાય, રોજના કાર્ય કરવામાં તકલીફ પડતી હોય અને બીજી કોઈ ટ્રીટમેન્ટથી ફરક ન પડતો હોય તો નસના દુખાવામાં ઓપરેશન ઘણું મદદરૂપ થઈ શકે છે.

આવા ઓપરેશન હવે મિનીમલી ઈન્વેસિવ પદ્વતિથી થઈ શકતા હોય છે જેમાં કમરમાં ચેકો મુકવામાં આવતો નથી, દૂરબીનથી ઓપરેશન થઈ શકે છે. લોહીની જરૂર પડતી નથી અને ઓપરેશન પછી ચોવીસ થી અડતાળીસ કલાકમાં રજા મળી જતી હોય છે અને કોઈ પ્રકારનો બેડ રેસ્ટ આવતો નથી. આધુનિક ટેકનિકથી ઓપરેશન્સ થતાં હોવાથી ઓપરેશન બાદ લકવો થઈ જશે તે બીક રાખવાની પણ જરૂર હોતી નથી. ઓપરેશનથી નસ ઉપરનું દબાણ ખસેડી દેવાથી પગના દુખાવામાંથી રાહત મળતી હોય છે. ઘણા દર્દીઓને ઘસારાને કારણે મણકાના સાંધાની સ્થિતીસ્થાપકતા જતી રહેતી હોય છે અને કમરનો દુખાવો થતો હોય છે. આવા દર્દીઓને મણકામાં સ્ક્રૂ નાંખવાની સર્જરી કરવાની પણ જરૂર પડતી હોય છે.

સ્પોન્ડિલોસીસને કેવી રીતે રોકી શકાય?

સ્પોન્ડિલોસીસ ઉંમરના કારણે થતો રોગ છે એને અટકાવી ન શકાય પણ એનો પ્રોગ્રેસ ધીમો કરી શકાય. આની અંદર ખાસ કરીને નાનપણથી જ આપણા કામકાજ કરવાની પદ્વતિમાં સુધારો તથા નિયમીત કસરત કરવાથી મણકાના સાંધા ઉપર ઘસારો થતા અટકાવી શકાય છે.છેલ્લે હું એટલું જ કહીશ કે તમે કમરનું ધ્યાન રાખશો તો કમર તમારું ધ્યાન રાખશે.

સ્ત્રોત: ડો અમીત ઝાલા,સ્પાઈન સર્જન.

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/29/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate