દરેક વર્ષે 12, ઓક્ટોબરે ઉજવામમાં આવતો “વર્લ્ડ આર્થરાઈટિસ ડે “ હવે દૂર નથી. 1996 ની સાલથી આ દિવસ સાંધા તથા અસ્થિમજ્જાની બીમારીથી પીડાતા દર્દીઓમાં જાગૃતતા લાવવા માટે ઉજવવમાં આવે છે.
સાંધા તથા અસ્થિમજ્જાના દર્દી મૂળભૂત રીતે બે પ્રકારના હોય છે.
ઇન્ફલામેટરી: દર્દીઓમાં સંધિવા, (રહ્યુમેટોઇડ), હઠીલો વા, (ગાઉટ), એન્કોલોસીંગ સ્પોન્ડિલાઈટિસ, રીએકટીવ આર્થરાઇટિસ તથા ક્નેક્ટિવ ટીશ્યુના દર્દીનો સમાવેશ થાય છે.
નોન- ઇન્ફલામેટરી: દર્દીઓમાં મણકાનો ઘસારો, ઢીંચણ - થાપાના સાંધાનો ઘસારો (આર્થરાઇટિસ) ફાઈબ્રોમાયેલજીયા વગેરે દર્દીનો સમાવેશ થાય છે.
આ બધા સાંધા તથા અસ્થિમજ્જાના દર્દી આનુવાંશિક હોઈ શકે, જીવનશૈલી તથા બેસવા - ઉઠવાની રીતભાતના કારણે હોઈ શકે, જયારે અમુક કિસ્સાઓમાં કારણ જાણી શકાતું નથી.
“આર્થરાઈટિસ” શબ્દનો આર્થ - સાંધાનો સોજો કે સાંધાનું “ઇન્ફ્લેમેશન” થાય છે. આ એક અત્યંત સામાન્ય, ઘણા બધા લોકોને અસર કરતી અવસ્થા છે. બાળકોથી લઈને મોટી ઉંમરના લોકો, પુરુષો તથા સ્ત્રીઓ બંનેને થઈ શકતી અવસ્થા છે.
આ વર્ષે “વર્લ્ડ આર્થરાઈટિસ ડે” ની થીમ “ડોન્ટ ડીલે, કનેક્ટ ટુ ડે” (મોડું ન કરો, આજે મળો) છે. જે આ “આર્થરાઇટીસ” બીમારીની વહેલી સારવાર માટે જાગૃતતા લાવવાના હેતુથી રાખવામાં આવી છે. સાંધા તથા અસ્થિમજ્જાના દર્દોથી પીડાતા દર્દીઓ એ સત્વરે, વહેલામાં વહેલુ નિદાન કરાવવું જરૂરી છે. સાંધાને બચાવવામાં, કાયમી રીતે બગડતા અટકાવવામાં વહેલું નિદાન અને સારવાર ખુબ મહત્વનો ભાગ ભજવે છે. આજ હેતુથી “ડોન્ટ ડીલે, કનેક્ટ ટુ ડે અભિગમ, જાગૃતતા ફેલાવા માટે રાખવામાં આવ્યો છે.
એ ખુબ જ જરૂરી છે કે આર્થરાઇટીસ, સાંધા તથા અસ્થિમજ્જાના દર્દીઓનું નિદાન સત્વરે થાય તથા સારવાર વહેલી તકે શરુ થાય આનું કારણ એ છે કે આ ખુબજ વૈવિધ્ય સભર નિદાનોના સમુહવાળા દર્દીઓ હોય છે. જેમાં અલગ અલગ નિદાન મુજબ અલગ અલગ સારવાર હોય છે અને વહેલી શરુ કરવામાં આવેલ સારવાર સાંધાને બગડતા અટકાવે છે, સાંધાને લાબું આયુષ્ય આપે છે. આ જ કારણસર “#Connect Today” ના સંદેશ સાથે “વિશ્વ આર્થરાઇટીસ ડે “આ 12 ઓક્ટોબરે ઉજવવામાં આવશે. સાંધા તથા અસ્થિમજ્જાના અમુક દર્દો જીવનભર સારવાર માંગી લે છે તથા ખુબજ ધીરજ અને અવારનવાર દવાઓમાં ફેરફાર, ડોઝમાં વધ-ઘટ કરવી ખુબ જરૂરી હોય છે. આવી લાંબી સારવારના દર્દોમાં રોગ વિષે જાગૃતતા હોવી ખુબ જ જરૂરી હોય છે. તેનાથી મનોબળ મજબૂત થાય છે. અને રોગ પ્રત્યે લડવાની શક્તિ મળે છે અને એટલે જ “વર્લ્ડ આર્થરાઈટિસ ડે” ની જેટલી જાહેરાતો થાય તેટલી ઓછી રહેશે.
સ્ત્રોત : ડો મિત્તલ દવે. ઓર્થોપેડિક સર્જન.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 2/16/2020