તમને જાણીને આશ્ચર્ય થશે પરંતુ, તમે સારા આરોગ્ય માટે જે શુદ્વ પાણી અને મોટો ગ્લાસ ભરીને દૂધ પીવો છો અને માનો છો કે તેનાથી તમારા હાડકા મજબૂત બનશે અને તમારા સાંધાને નુક્સાન થતું અટકાવશે તે ખરેખરતો તેમાં રહેલા મૂળ તત્વોના કારણે તમને વહેલા આર્થરાઈટીસ તરફ ધકેલે છે.
આજકાલ મોટાભાગના ઘરોમાં બોરના પાણીમાં સામાન્ય રીતે જોવા મળતાં ઉચ્ચ પ્રમાણમાં રહેલા ટીડીએસ જે કિડની સ્ટોન માટે જવાબદાર છે તેનું પ્રમાણ ઓછું કરવા RO શુદ્વ પાણીની વ્યવસ્થા હોય છે પરંતુ લોકોને ખબર નથી હોતી કે ખરેખર આ પ્રકારના પાણીનું સેવન તેમને વહેલા આર્થરાઈટીસ તરફ દોરી જાય છે.
આર્થરાઈટીસની સારવાર માટે આવતાં દર્દીઓમાં ત્રીસથી ચાલીસ વર્ષની યુવાન વયના લોકોનું પ્રમાણ પણ વઘતું જાય છે જેમાં મેદસ્વીપણા જેવા કારણોની સાથે પોષક તત્વોની ઉણપ પણ કારણભૂત હોય છે જેનું એક મોટું કારણ RO શુદ્વ પાણી છે જેમાં ટીડીએસનું પ્રમાણ શૂન્ય થઈ જાય છે સાથે સાથે તેમાં રહેલા કેલ્શિયમ, ઝીન્ક, મેગ્નેશિયમ અને બોરોન જેવા તત્વો પણ નાશ પામે છે.સામાન્ય રીતે જે લોકો નદીનું સામાન્ય પાણી પીવે છે જેમ કે અમદાવાદમાં પૂરુ પડાતું નર્મદાનું પાણી જેમાં ટીડીએસની માત્રા 200-400 હોય છે તે લોકોને શરીર માટે જરૂરી તમામ પોષક તત્વો પૂરતા પ્રમાણમાં મળી રહે છે. પરંતુ જ્યારે શૂન્ય ટીડીએસ વાળું RO શુદ્વ પાણી પીવામાં આવે છે ત્યારે આ પોષણ તત્વોની ઉણપ વર્તાય છે. સામાન્યરીતે અમે અમારા દર્દીઓને રિવર સરફેસ પાણીને ઉકાળ્યા વગર તેમાં રહેલા બેક્ટેરીયા અને વાઈરસને દૂર કરવા માત્ર ફિલ્ટર કરી પીવાની સલાહ આપીએ છીએ. અહીં એ જણાવવું પણ જરૂરી બને છે કે દેશની વસ્તીના પંદર ટકા વયસ્ક લોકો આર્થરાઈટીસથી પિડાય છે જે ડાયાબિટીસ, કેન્સર અને એઈડ્સ જેવા રોગથી પિડાતા દર્દીઓ કરતા વધારે છે.
આર્થરાઈટીસના કેટલાક સામાન્ય ચિન્હોમાં stiffness (સાંધાનું જકડાઈ જવું), swelling (સોજો આવવો) , pain (દુ:ખાવો), and restricted range of motion (હલન-ચલન મર્યાદિત થવી) છે. આ ચિન્હોમાં સામાન્ય, મધ્યમ કે તીવ્રની કક્ષામાં બદલાઈ શકે છે. આર્થરાઈટીસના ચિન્હો વર્ષો સુધી કોઈ બદલાવ વગર રહી શકે છે પરંતુ ક્યારેક તે વધે છે અથવા તો સમયની સાથે અસહ્ય બની શકે છે. ઓસ્ટીઓઆર્થરાઈટીસ એ ખૂબ જ સામાન્ય છે જેને OA તરીકે પણ ઓળખવામાં આવે છે. તેની આગળ વધતી કક્ષા ધીરેધીરે સાંધાના કાર્ટીલેજને નુક્સાન કરે છે. સામાન્યરીતે મધ્યમ ઉંમર પછી જોવા મળતો આર્થરાઈટીસનો આ પ્રકાર હવે ચિંતાજનક રીતે 30 થી 40 વર્ષના યુવાનોને પણ નિશાન બનાવી રહ્યો છે.
અહીં કાર્ટીલેજને નુક્સાન કરતી બીજી એક પોષણ તત્વોની ઉણપ ઊભી કરતી રહેણી-કરણી સંદર્ભની આદતનો ઉલ્લેખ કરવો પણ જરૂરી છે જેમાં બદલાવ જરૂરી છે. આશ્ચર્યજનક છે કે મોટાભાગના ભારતીય ઘરોમાં દૂધને વપરાશમાં લેતા પહેલા તેને ઉકાળવાની પ્રથા છે.
દૂધને ઉકાળવું ત્યારે જરૂરી છે જ્યારે તેનું શુદ્વિકરણ કરવામાં ન આવ્યું હોય પરંતુ હવે મોટાભાગના પેકેજ દૂધ ઉત્પાદન સમયે જ જંતુરહીત કરેલા હોય છે તેથી તેને ઉકાળ્યા વગર લઈ શકાય છે. જ્યારે આપણે આ પ્રકારના અગાઉથી શુદ્વ કરેલા દૂધને ઉકાળીએ છીએ ત્યારે તેમાં રહેલા શરીર માટે જરૂરી પોષણ તત્વોના સ્તર જેવા કે કેલ્શીયમ, વિટામીન A,E,D,K અને B ગ્રુપના પાણી દ્રાવ્ય વિટામીન્સ જેવા કે B1, B2, B4, B6 અને B12 નો પણ નાશ કરી દઈએ છીએ. આપણે એ સમજવું પણ જરૂરી છે કે વિટામીન D જેવા વિટામીન્સ સાંધાને રિપેર કરતાં તથા કાર્ટીલેજને મજબૂત બનાવતા કેલ્શિયમનું પોષણ પૂરુ પાડે છે. માટે અગાઉથી શુદ્વ કરેલા દૂધને ઉકાળ્યા વગર પીવું જોઈએ કારણકે તેમાં ટીશ્યુની સારવાર કરતાં તથા કાર્ટીલેજને મજબૂત રાખતા વિટામીન્સ પૂરતી માત્રામાં મોજૂદ હોય છે.
લોકોએ પોતાના વજનને કાબુમાં રાખવું કેમ જરૂરી છે તેનું એક ઉત્તમ ઉદાહરણ છે. “આર્થરાઈટીસ અને તેનું સંચાલન” વિષયની એક પ્રસ્તુતીમાં મેં જણાવ્યું હતું કે જ્યારે આપણે વન્યજીવ અંગેના કાર્યક્રમો નિહાળીએ છીએ ત્યારે જોઈએ છીએ કે એકપણ પ્રાણી વધુ ચરબી વાળુ કે વધુ વજન ધરાવતું હોતું નથી. હાથી જેવું મહાકાય પ્રાણી પણ તેના કદ અને આકાર મુજબ જ હોય છે, તમે ભાગ્યે જ કોઈ મેદસ્વી હાથી જોયો હશે. જો કે, મનુષ્ય નબળી ખોરાક પદ્વત્તિ અને બેઠાળી જીવનશૈલીના લીધે વધુ ને વધુ ઓવર વેઈટ અને મેદસ્વી બનતો જાય છે જેના કારણે તે પોતાના સાંધા દબાણ હેઠળ લાવે છે.
કાયમ ધ્યાનમાં રાખો કે જે વ્યક્તિ તેના સામાન્ય વજન કરતાં 25% વધુ વજન ધરાવે છે તે તેના સાંધાઓને 50% વધુ ભાર આપે છે. જ્યારે વ્યક્તિ ઊભી હોય છે ત્યારે સાંધા શરીરના વજનનું ત્રણ ગણું વજન લે છે અને તે સાત ગણું વધે છે જ્યારે વ્યક્તિ સિડી ચઢવા જેવા કાર્ય કરે છે. આપણે આપણા સાંધાને વધુ વજન આપવું જોઈએ નહીં.
આર્થરાઈટીસનો દુ:ખાવો એકદમ શરૂ થતો નથી, તે ધીરે ધીરે વધે છે. શરૂઆતના તબક્કામાં દુ:ખાવો સવારમાં અથવા જ્યારે તમારું શરીર લાંબા સમય સુધી નિષ્કિય હોય ત્યારે થાય છે. ઘૂંટણમાં પણ ત્યારે દુખે છે જ્યારે તમે અમુક પ્રકારની ક્રિયા કરો જેમ કે, દાદરા ચઢવા કે બેઠા પછી ઊભા થતા સમયે. અમુક કિસ્સાઓમાં ચાલતી વખતે પણ દુ:ખાવો થાય છે. આર્થરાઈટીસના અનેક દર્દીઓમાં ભીનુ હવામાન અથવા તો વાતાવરણમાં ફેરફાર પણ દુ:ખાવાને વધારે છે. ઘૂંટણના સાંધા બદલાવવાથી ક્વોલિટી ઓફ લાઈફને અસર કરતાં દુ:ખાવાછી છૂટકારો મેળવી શકાય છે.
ડો વિક્રમ શાહ. જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/18/2020