অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ગાઉટ-યુરિક એસિડ વધવાથી સાંધામાં સોજો

ગાઉટ-યુરિક એસિડ વધવાથી સાંધામાં સોજો

લોહીમાં યુરિક એસિડ વધી જવાથી થતી સાંધાના સોજા અને દુખાવાની તકલીફ – ગાઉટ

જ્યારે લોહીમાં ફરતા યુરિક એસિડ નામના રસાયણનું પ્રમાણ ખૂબ વધી જાય અને પરિણામે એ લોહીમાં દ્રાવ્ય રહેવાને બદલે એના કણ બાઝવા માંડે ત્યારે “ગાઉટ” તરીકે ઓળખાતી સાંધાના દુખાવાની તકલીફ ઉદ્ભવે છે.

યુરિક એસિડ એટલે શું?

જ્યારે કોઇ પણ કોષના કેન્દ્રમાં આવેલ ન્યુક્લીઇક એસિડનું વિઘટન થાય ત્યારે એમાંથી યુરિન અને પીરામીડીન નામના ઘટક છૂટા પડે છે અને જ્યારે આ ઘટકો પણ તૂટે ત્યારે લિવર અને આંતરડામાં એમાંથી યુરિક એસિડ ઉત્પન્ન થાય છે જે સામાન્ય રીતે કિડની વાટે ગળાઈને લોહીની બહાર ફેંકાઈ જાય છે. આમ, યુરિક એસિડ એક ઉત્સર્ગ દ્રવ્ય છે જેનું શરીરમાં કોઇ કામ હોતું નથી.

નોર્મલ માણસના લોહીમાં યુરિક એસિડનું પ્રમાણ કેટલું હોય?

સામાન્ય તંદુરસ્ત વ્યક્તિના લોહીમાં દર ૧૦૦ મિ.લિ. દીઠ સાત મિલિગ્રામ. કરતાં ઓછું યુરિક એસિડ હોય છે. અલબત્ત ઉમર, જાતિ (સ્ત્રી-પુરૂષ) અને ખોરાક મુજબ લોહીમાં યુરિક એસિડનું પ્રમાણ વધઘટ થઈ શકે છે. બાળકોમાં સામાન્ય રીતે દર સો મિ.લિ. લોહીમાં ત્રણ થી ચાર મિ.ગ્રા. જેટલો યુરિક એસિડ હોય છે. ત્યાર બાદ, પુરૂષોમાં પુખ્તાવસ્થાથી અને સ્ત્રીઓમાં રજોનિવૃત્તિથી યુરિક એસિડનું પ્રમાણ વધવા લાગે છે. પશ્ચિમના દેશોમાં પુખ્ત પુરૂષમાં સરેરાશ ૬.૮ અને સ્ત્રીઓમાં ૬ મિ.ગ્રા. ડે.લિ. જેટલો યુરિક એસિડ હોય છે. આપણા દેશમાં ખોરાકના તફાવતને લીધે યુરિક એસિડનું સરેરાશ પ્રમાણ ઓછું હોય છે. ઊંચાઇ, વજન, બ્લડપ્રેશર, કિડનીનું કામ, દારૂનું વ્યસન તેમજ માંસાહારી ખોરાક વગેરે પર લોહીના યુરિક એસિડનો આધાર હોય છે.

લોહીમાં યુરિક એસિડનું પ્રમાણ કેટલું વધે ત્યારે “ગાઉટ” થાય?

જયારે લોહીમાં સાત મિ.ગ્રા./ડ.લિ. કરતાં વધુ પ્રમાણમાં યુરિક એસિડ હોય ત્યારે એ લોહીમાં દ્રાવ્ય રહી શકતો નથી અને એના કણ (ક્રિસ્ટલ) બાઝવાની શરૂઆત થઈ જાય છે. સાંધાની આસપાસ જ્યારે વધુ પ્રમાણમાં યુરિક એસિડના કણ બાઝે ત્યારે ત્યાં દુખાવો અને સોજો શરૂ થાય છે. જે “ગાઉટ”તરીકે ઓળખાય છે.

લોહીમાં યુરિક એસિડ વધવાનાં કારણો ક્યાં?

  1. શરીરમાં યુરિક એસિડનું ઉત્પાદન વધી જાય અથવા
  2. ખોરાક વાટે વધુ પ્રમાણમાં યુરિક એસિડ શરીરમાં પહોંચે અથવા
  3. કિડની વાટે યુરિક એસિડનું ઉત્સર્જન ઘટી જાય તો લોહીમાં યુરિક એસિડનું પ્રમાણ વધી જાય છે.

શરીરમાં યુરિક એસિડના ઉત્પાદન માટે જવાબદાર ઉસેચક પી.આર.પી.પી. સિન્થટેસની પ્રવૃત્તિ વધી જાય ત્યારે યુરિક એસિડનું પ્રમાણ વધી જાય છે. આ ઉત્સચકની પ્રવૃત્તિનો આધાર જનિન-એક્સ પર રહેલો હોય છે. આ જ રીતે અન્ય એક ઉત્સુચક એચ.પી.આર.ટી. ની ઉપણથી પણ શરીરમાં યુરિક એસિડનું ઉત્પાદન વધી જાય છે.આ બંને ઉન્સેચકો એક્સ જનિન આધારિત છે. પૂરૂષોમાં માત્ર એક જ એક્સ જનિન હોય છે જ્યારે સ્ત્રીઓમાં બે એક્સ જનિન હોય છે. પરિણામે માત્ર એક એક્સ જનિનની ખામી પૂરૂષોમાં ઝડપથી યુરિક એસિડ વધારી દે છે જ્યારે સ્ત્રીઓમાં અન્ય એક્સ-જનિન તંદુરસ્ત હોય તો આવું થવાની શક્યતા ઓછી રહે છે.

આ જનીનિક ખામી ઉપરાંત, જ્યારે શરીરના ઘણા બધા કોષો કોઇ કારણસર તૂટે ત્યારે પણ યુરિક એસિડનું પ્રમાણ વધી જાય છે. જેમ કે રકતકણો તૂટવા (હિમોલીસિસ,) કેન્સરના કોષો કિમોથેરપીથી નાશ પામવા, સ્નાયુઓ તૂટવાની પ્રક્રિયા (રહેલ્ડોમાયોલીસિસ), હાર્ટ એટેકને લીધે હૃદયના સ્નાયુઓ નાશ પામવા વગેરે પરિસ્થિતિમાં કોષો તૂટવાથી યુરિક એસિડ વધે છે. કોષોનું ઉત્પાદન ખૂબ વધુ થતું હોય એવી સ્થિતિ દા.ત. લ્યુકેમિયા, પોલિસાઇથેમીયા, સોરીયાસીસ વગેરેમાં પણ યુરિક એસિડનું પ્રમાણ વધી જાય છે.

યુરિક એસિડના વધુ ઉત્પાદનની સાથે સાથે જ્યારે એનું ઉત્સર્જન ઘટી જાય ત્યારે વધુ મુશ્કેલી પડે છે. જેમના લોહીમાં યુરિક એસિડ વધી ગયું હોય એવા દર્દીમાંથી ૯૦ ટકા દર્દીઓમાં કિડનીની યુરિક એસિડ શરીર બહાર ફેંકી દેવાની બિનકાર્યક્ષમતા (સંપૂર્ણપણે કે આંશિકરૂપે) જવાબદાર હોય છે. કોઈ પણ કારણસર કિડનીનું કામ ખોરવાય (દા.ત. ડાયાબિટીસ, હાઇબ્લડપ્રેશર, અન્ય) તો યુરિક એસિડ વધી જવાની શક્યતા રહે છે. આ ઉપરાંત જી.૬.પી.ડી. નામના ઉન્સેચકની ઊણપ હોય તો યુરિક એસિડનું ઉત્પાદન પણ વધે છે અને ઉત્સર્જન ઘટે છે. કોઈ દવા લેવાને કારણે યુરિક એસિડ વધી જાય એવું બને? કેટલીક ખૂબ જાણીતી દવાઓ કિડની પર વિપરિત અસર કરીને યુરિક એસિડનું પ્રમાણ વધારી શકે છે. ખૂબ જાણીતી દર્દશામક અને લોહી પાતળું કરતી દવા એસ્પીરીન; હાઈ બી.પી અને સોજા ઘટાડતી વધુ પેશાબ થાય એવી ડાઇયૂરેટિક દવાઓ (દા.ત. કુમાઇડ, હાઇડ્રોક્લોરોથાયઝાઇડ વગેરે). ટી.બીની સારવારમાં વપરાતી પાઇરેઝીનેમાઈડ અને ઇથાપ્યુટોલ દવાઓ વગેરે લેવાથી લોહીમાં યુરિક એસિડનું પ્રમાણ વધી જઈ શકે છે.

ક્યો ખોરાક ખાવાથી યુરિક એસિડ વધે?

માંસાહારી ખોરાક ખાવાથી લોહીમાં યુરિક એસિડ વધવાની શક્યતા ખૂબ ઊંચી રહે છે. લિવર, સ્વીટ બ્રેડ (થાઇમસ, પેન્ક્રીયાસ); કિડની અને એન્કોની જેવા માંસાહારી ખોરાક સૌથી વધુ યુરિક એસિડ પેદા કરે છે. આ બધા ખોરાકમાં કોષ અને કોષકેન્દ્ર વધુ પ્રમાણમાં હોય છે. ખોરાકમાં લીધેલ કોષોમાં રહેલ આર.એન.એ. નો ૫૦ ટકા અને ડી.એન.એ નો ૨૫ ટકા ભાગ પેશાબમાં યુરિક એસિડ તરીકે દેખાય છે. માંસાહાર ઉપરાંત, કઠોળ, બીન્સ, વટાણા, મસૂર, મશરૂમ, પાલક, ફ્લાવર, યીસ્ટ, ચોકલેટ, કોકો, ચા-કોફી વગેરેનો ખોરાકમાં વધુ ઉપયોગ કરવાથી પણ યુરિક એસિડ વધી શકે છે.

દારૂ પીવાથી યુરિક એસિડ વધે?

દારૂ પીવાથી લિવર પર દારૂની ઝેરી અસરને કારણે તરત જ વધુ પ્રમાણમાં યુરિક એસિડ બનવા લાગે છે. આ ઉપરાંત દારૂની લોહીમાં લેક્ટિક એસિડ વધારવાની અસરને લીધે યુરિક એસિડનું ઉત્સર્જન ખોરવાઈ જાય છે. વળી, કેટલાક દારૂ (દા.ત. બીયર)માં યુરિક એસિડ વધારે એવાં તત્ત્વો (યુરિન) હાજર હોય છે. આ બધાં પરિબળો ભેગાં થઈને યુરિક એસિડનું ફૂલ પ્રમાણ ખૂબ વધારી નાંખે છે.

યુરિક એસિડ વધી જવાથી “ગાઉટ'' સિવાય બીજી પણ કોઇ તકલીફ થાય?

જો લોહીમાં વધી ગયેલ યુરિક એસિડના કણો સાંધાની આસપાસ બાઝવા લાગે તો ગાઉટ થાય. આ ઉપરાંત,કિડનીની અંદર જો યુરિક એસિડના કણો બાઝવા લાગે તો, ક્યારેક અચાનક કિડની કામ કરતી બંધ થઈ જાય. કિડની ફેઇલ થવાની તકલીફ યોગ્ય સારવાર ન મળે તો જીવલેણ બની શકે. યુરિક એસિડને કારણે પથરી પણ થઇ શકે.

ગાઉટને ઓળખવો કઇ રીતે?

ગાઉટ”નું વર્ણન એની પિડા ભોગવી ચૂકેલ દર્દીના જ શબ્દમાં જોઇએ. “હું કાલે રાત્રે પાર્ટીમાં ગયો હતો અને માંસાહાર -દારૂ વગેરેની મોજ માણીને રાત્રે આરામથી ગાઢ ઉંઘમાં સૂતો હતો. આજે વહેલી સવારે અચાનક પગમાં અસહ્ય દુખાવાના કારણે ઉંઘ ઉડી ગઇ. મારા જમણા પગના અંગૂઠાના મૂળ આગળ કંઇક વાગ્યું હોય એટલો વધારે સોજો હતો અને એ ભાગ લાલઘૂમ થઈ ગયો હતો. હું વિચાર કરવા લાગ્યો કે રાત્રે ઉંઘમાં કંઇક વાગ્યું હશે? કે કંઇક કરડી ગયુ હશે? પરંતુ આટલું જારદાર વાગે કે કરડે તો ત્યારે જ ઉંઘ ઉડી જાય. દુખાવો ધીમે ધીમે વધવા લાગ્યો. અને તરત હું ડોક્ટર પાસે ગયો જેમણે તપાસ કરીને ગાઉટનું નિદાન કર્યું.”

ગાઉટના ઘણા દર્દીઓમાં આ રીતે અચાનક પગના અંગૂઠાના મૂળ પાસેના સાંધામાં દુખવાની શરૂઆત થતી હોય છે. પુખ્ત વયના પુરુષોમાં આ તકલીફ થવાની શક્યતા વધારે રહે છે. હાઇબ્લડપ્રેશરના દર્દી, દારૂના વ્યસનીઓ તેમજ રજોનિવૃત્ત સ્ત્રીઓમાં એક કરતાં વધુ સાંધાનો દુખાવો થવાની શક્યતા વધારે રહે છે. પગના અંગૂઠા ઉપરાંત, પગનાં નાનાં હાડકાંના સાંધાઓ, ઘૂંટીનો સાંધો, ઘૂંટણનો સાંધો અને હાથની આંગળીઓના નાના સાંધાઓ પણ ઘણા દર્દીઓમાં ગાઉટથી દુખે છે. ઘણા લોકોમાં એક વખત ગાઉટનો અસહ્ય દુખાવો થયા પછી ત્રણ થી દસ દિવસમાં આપોઆપ આ દુઃખાવો મટી જાય છે.

કેટલાક દર્દીમાં સાંધાને બદલે ચામડી પર નાની ગાંઠ (ટોફી) સ્વરૂપે ગાઉટ દેખાય છે. કાન પર આવી ગાંઠ ઘણી વાર જોવા મળે છે. આ ઉપરાંત આંગળીઓ, હથેળી અને પાની પર પણ પીળાશ પડતી ગાંઠ (ટોફી) જોવા મળે છે.

યુરિક એસિડ સિવાય બીજા કોઇ રસાયણના કણ બાઝવાથી “ગાઉટ' થઇ શકે?

કેલ્શિયમ પાઇરોફોફેટ ડાઇહાઇડ્રેટ નામનું રસાયણ વધી જાય ત્યારે ગાઉટ જેવી જ તકલીફ થાય છે જે “સુડોગાઉટ” તરીકે પણ ઓળખાય છે. આ ઉપરાંત કેલ્શિયમ હાઇડ્રોક્સી એપેટાઇટના કણ બાજવાથી પણ ગાઉટ જેવી તકલીફ થઇ શકે.

જ્યાં સુધી દુખતા સાંધામાં રહેલ પ્રવાહીની લેબોરેટરી તપાસ (પોલરાઇઝીંગ માઇક્રોસ્કોપી) ન કરવામાં આવે ત્યાં સુધી આ દુખાવો ક્યા પ્રકારના રસાયણથી થયો છે એ કહેવું મુશ્કેલ હોય છે.

ગાઉટનું નિદાન પાકું કરવા કઈ લેબોરેટરી તપાસ કરવી?

ગાઉટનું નિદાન પાકું કરવા માટે લોહીમાં યુરિક એસિડની તપાસ ઉપરાંત જે સાંધામાં દુખાવો થતો હોય એ સાંધાના પ્રવાહીની પોલરાઇઝીંગ માઈકોસ્કોપીની તપાસ કરાવવી જોઇએ.

ગાઉટની બીમારી કાયમ માટે મટી શકે?

ગાઉટની બીમારી એ કાયમ માટે થઈ આવતી તકલીફ છે. જ્યારે તકલીફ થાય ત્યારે તત્કાળ રાહત માટે દર્દશામક દવાઓ લેવી પડે છે. આ ઉપરાંત કાયમ ગાઉટને કાબૂમાં રાખવા માટે ખોરાકમાં માંસાહાર, કઠોળ, બીન્સ, ચોકલેટ, મશરૂમ, ચા-કોફી, દારૂ વગેરેનો ત્યાગ કરવો પડે છે. યુરિક એસિડનું ઉત્પાદન ઘટાડવા માટેની દવા ડોક્ટરની સલાહ મુજબ ક્યારેક લાંબા સમય સુધી ચાલુ રાખવી પડે છે. આ ઉપરાંત, ક્યારેક પેશાબ વાટે વધારાનું યુરિક એસિડ બહાર ફેંકતી દવાઓ પણ ડોક્ટર લખી આપી શકે છે. અલબત્ત, યુરિક એસિડનું ઉત્પાદન ઘટાડતી દવા (દા.ત. અલ્લોપ્યુરીનોલ) નો વપરાશ સૌથી વધુ થાય છે અને ગાઉટ ભલે સાવ મટી ન જાય પણ ખોરાકની પરેજી અને ડોક્ટરની સલાહ મુજબની દવાઓથી કાબૂમાં તો આવી જ શકે છે.

સ્ત્રોત : ડો. કેતન ઝવેરી,ભણશાળી ટ્રસ્ટ સંચાલિત જીવન શૈલી કિલનિક

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 4/22/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate