অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

વયોવૃદ્ધ વ્યકિત માટે શાપરૂપ તકલીફ -થાપાનું ફ્રેકચર

વયોવૃદ્ધ લોકોમાં સાંથળના હાડકાનું ફ્રેક્ટર (થાપા/હીપ ફ્રેક્ટર) નાની સરખી ઇજાથી કે પડી જવાથી થવાનું બહુ સામાન્ય છે. દર વર્ષે લાખો વૃદ્ધ વ્યક્તિને પંગુ બનાવી દેતું આ સાંથળના હાડકાનું ફ્રેક્ટર એમને માટે શાપરૂપ છે. મોટા ભાગના લોકો એને થાપાના ફ્રેક્ટર તરીકે ઓળખે છે- પણ હકીકતમાં થાપાની ખૂબ નજીક આવેલ સાથળના હાડકામાં મોટે ભાગે ફેક્ટર થાય છે. મોટી ઉંમરની રજોનિવૃત્ત સ્ત્રીઓમાં આ ફ્રેક્સર થવાની શક્યતા દર સાતમાંથી એક સ્ત્રીને હોય છે. જેમ જેમ વયોવૃદ્ધ વ્યક્તિઓની વસ્તી વધતી જાય છે તેમ તેમ આ ફેક્ટર થવાની શક્યતા પણ વધતી જાય છે. આવતાં પચાસ વર્ષોમાં વિશ્વમાં સાંથળના હાડકાનું ફ્રેક્સર થવાની તકલીફ બમણી થઈ જશે એવો નિષ્ણાતોનો અંદાજ છે.

આ ફેક્ટરને કારણે હરતો-ફરતો માણસ પથારીવશ થઈ જાય છે. જેમને આ ફેક્યર થાય છે તેમાંથી ચોથા ભાગના વયોવૃદ્ધ લોકો ફ્રેક્ટરની વર્ષગાંઠ જોઇ શક્તા નથી! જે લોકો લાંબા ખાટલા પછી માંડ માંડ ચાલતા થાય છે તેમને પણ ઘણાં સમય સુધી અને ક્યારેક જીંદગીભર લાકડીના ટેકે ચાલવું પડે છે. પરવશ બનાવી દેતી અને હજારો રૂપિયા ખર્ચાવતી આ તકલીફથી બચવા માટે દરેક વૃદ્ધ વ્યક્તિએ વિશેષ કાળજી રાખવી જોઇએ. થાપાનું ફ્રેક્સર થવાની શક્યતા કોને વધારે છે?

  1. વધુ ઉંમર : ૬૫ વર્ષથી વધુ ઉંમર ધરાવતી વ્યક્તિને થાપાનું ફ્રેક્ટર થવાની શક્યતા ખૂબ વધારે હોય છે.
  2. સ્ત્રી જાતિ : પુરુષો કરતાં સ્ત્રીઓમાં થાપાનું ફ્રેક્સર થવાની શક્યતા બે થી ત્રણ ગણી વધારે રહે છે.
  3. વંશપરંપરાગત: કુંટુંબમાં કોઇ પણ વ્યક્તિને મોટી ઉમરે ફ્રેક્ટર થયું હોય તો પણ ફ્રેક્સર થવાની શક્યતા વધુ રહે છે.
  4. કુપોષણ: ખાસ કરીને કેલ્શિયમ ઓછું હોય એવો ખોરાક લેનારા અથવા કેલ્શિયમનું શોષણ ઓછુ થતું હોય એવા લોકોમાં ફેક્ટર થવાની શક્યતા વધારે રહે છે.
  5. કુટેવો: તમાકુ, ધુમ્રપાન કે દારૂનું વ્યસન ધરાવનારાને ફેક્ટર થવાની શક્યતા વધારે રહે છે.
  6. બેઠાડું જીવન: કસરતનો અભાવ, અને વા કે અન્ય કારણસર ઓછુ હલનચલન કરનારાઓને ફેક્સર થવાની શક્યતા વધે છે.
  7. અશક્તિ - દવાઓ, માનસિક તકલીફ, શરીર સંતુલનમાં ગરબડ અને દૃષ્ટિની મર્યાદા વગેરે કારણોસર પણ થાપાનું ફ્રેક્સર થવાની શક્યતા રહે છે.

ટુંકમાં, કૌટુંબિક ઇતિહાસ ધરાવતી વયોવૃદ્ધ સ્ત્રીમાં હાડકા નબળાં પડી જવાને કારણે થાપાનું ફ્રેક્સર થવાની શક્યતા ખૂબ વધુ રહે છે.

થાપાના ફેક્ટરના લક્ષણો ક્યાં?

  1. થાપાનું ફ્રેક્યર થાય ત્યારે સામાન્ય ઇજાની કે પડી જવાની તકલીફથી શરૂઆત થાય છે.
  2. થાપાના ભાગે સખત દુખાવો થાય.
  3. ફ્રેક્ટર થયું હોય એ પગ પર શરીરનું વજન ન લઈ શકાવું.
  4. થાપાના સાંધા પાસે સોજો કે અક્કડતા હોય છે.
  5. જે બાજુ ફેક્ટર થયું હોય એ પગની લંબાઈ તંદુરસ્ત પગ કરતાં ઓછી જણાય છે.
  6. પગનો પંજો બહાર તરફ ઝુકેલો રહે.
  7. એક્ષ-રે માં ફ્રેક્ટર થયેલું હાડકું દેખાય.

થાપાના ફ્રેક્ટરને કારણે બીજી કઈ તકલીફો ઉદ્દભવી શકે?

  1. ખૂબ વધારે રક્તસ્ત્રાવ થાય અને પરિણામે બ્લડપ્રેશર ઘટી જઇને શરીરના અન્ય અવયવોનું કામકાજ ખોરવાઈ જાય.
  2. ત્યાં નજીકમાં આવેલાં ચેતાતંતુઓને નુકશાન થાય.
  3. લાંબા સમય સુધી પથારીમાં વજન લટકાવીને સૂતા રહેવું પડે ત્યારે પગની નસમાં ગટ્ટો બાજી જઈને પછી હૃદય કે ફેફ્સાની ધમની આગળ અટકી જાય તો જીવલેણ “પલ્મોનરી એમ્બોલીઝૂમ” ની તકલીફ ઉદ્દભવે છે.
  4. લાંબા સમય સુધી પથારીવશ રહેવાથી પીઠ પર ચાંદા (બેડ સોર) થઇ શકે.
  5. પેશાબનો ચેપ લાગી જાય.
  6. ન્યૂમોનિયાની તકલીફ થાય.
  7. ઓપરેશન કે એનેસ્થેસિયા દરમ્યાન જીવનું જોખમ ઉદ્દભવી શકે. (ખાસ કરીને અન્ય બીમારીઓ બેકાબૂ હોય તો).

થાપાના ફેફ્સરની સારવાર શું?

થાપાના ફ્રેક્સરની સારવારનો આધાર હાડકામાં કઈ જગ્યાએ ફ્રેક્ટર થયું છે, દર્દીની ઉંમર કેટલી છે, એને બીજા ક્યાં રોગો છે અને ફ્રેક્ટર થયેલ ટૂકડાઓની સ્થિતિ કેવી છે એની પર રહે છે.

જો તુટેલા હાડકાના ટૂકડાઓ એક લાઈનમાં રહ્યા હોય તો ધાતુના ક્રૂ અથવા પટ્ટી અને ક્રૂ મારીને એ ટૂકડાઓને એકબીજા સાથે જોડી રાખવામાં આવે છે જેથી કુદરતી રીતે ફ્રેક્ટર સંધાઈ જાય. આને ઇન્ટર્નલ ફીશન કહેવામાં આવે છે. જો ફ્રેક્ટર થયેલ હાડકાના ટૂકડે ટૂકડા થઈ ગયા હોય અથવા એક લાઈનમાં ગોઠવી શકાય એમ ન હોય તો થાપાના સાંધાનો બોલ જેવો ભાગ આખો ધાતુનો ફીટ કરીને નીચેના ટૂકડા સાથે જોડી દેવામાં આવે છે. ટૂંકમાં સાંધાના બોલ-સોકેટમાંથી કુદરતી બોલ જેવો ભાગ કાઢી કૃત્રિમ ધાતુનો બોલ ફેક્ટર થયેલ હાડકા સાથે ફીટ કરવામાં આવે છે. આને હેમિ-આર્થોપ્લાસ્ટી કહેવામાં આવે છે.

ક્યારેક જો અગાઉથી જ થાપાનો સાંધો ખરાબ હોય અને એમાં વધારાનું ફેક્યર થાય તો જ આખો સાંધો બદલવાનું ઓપરેશન કરવામાં આવે છે જે ટોટલ હીપ રિપ્લેસમેન્ટ તરીકે ઓળખાય છે.

કોઇ દર્દીની શારીરિક સ્થિતિ એવી હોય કે જેનામાં કોઇ પ્રકારનું ઓપરેશન શક્ય ન હોય એવા દર્દીને માત્ર ટ્રેક્શન (વજન) લટકાવીને સારવાર આપવામાં આવે છે. પરંતુ આવી સારવારના પણ ઘણાં બધા કોમ્પ્લિકેશન થઇ શકે છે.

મોટા ભાગના દર્દીઓમાં ફ્રેક્ટર થયા પછી ઓપરેશન કરીને ઝડપભેર હરતાં-ફરતાં કરવાની કોશિષ કરવામાં આવે છે. ઘણાં દર્દીઓને તો ઓપરેશનને બીજે જ દિવસે વ્હીલ ચેરમાં ફેરવવામાં આવે છે. બે-ચાર દિવસમાં ઘણાં દર્દી ટેકા સાથે ઊભા રહેવાની કે ચાલવાની પ્રેક્ટિસ ડોક્ટરની સલાહ મુજબ શરૂ કરતાં હોય છે. સામાન્ય રીતે અઠવાડિયાની અંદર અંદર હોસ્પિટલમાંથી રજા આપવામાં આવે છે. પરંતુ ત્યાર બાદ પણ ફીઝીયોથેરપીસ્ટની સલાહ મુજબ નિયમિત કસરત કરવી જરૂરી બને છે.

થાપાનું ફ્રેક્ટર ન થાય એ માટે દરેક વ્યક્તિએ શું કાળજી રાખવી?

થાપાનું ફ્રેક્ટર થવાનું સૌથી અગત્યનું કારણ હાડકાં નબળા પડવાની (ઓસ્ટિઓપોરોસીસની) બીમારી હોય છે. આ બીમારી નો સીધો સંબધ જુવાનીમાં હાડકાની મજબુતાઈ સાથે હોય છે. એટલે કે જે સ્ત્રીઓમાં ૨૦-૨૫ વર્ષે હાડકાં મજબૂત હોય છે તેમને મોટી ઉંમરે પણ હાડકાં નબળાં પડવાની શક્યતા ઓછી રહે છે. એટલે નાનપણથી પોતાના હાડકાની મજબૂતાઈ વધે અને જળવાઈ રહે એ માટે નીચે મુજબની કાળજી દરેક તંદુરસ્ત સ્ત્રી-પુરુષે રાખવી જોઇએ.

  1. કેલ્શિયમયુક્ત સંતુલિત આહાર: કેલ્શિયમ અને વિટામિન ડી' હાડકાની મજબૂતી માટે ખૂબ અગત્યના છે. રોજીંદા ખોરાકમાં ૧OOO થી ૧૫૦૦ મિ.ગ્રા. કેલ્શિયમ મળવું જરૂરી છે. લીલી ભાજી, સફેદ તલ, દૂધ અને દૂધની પેદાશો, બદામ વગેરેમાં સારા એવા પ્રમાણમાં કેલ્શિયમ હોય છે. વિટામિન “ડી” કેલ્શિયમના ઉપયોગ માટે જરૂરી છે. સૂર્યપ્રકાશની મદદથી શરીરમાં વિટામિન ડી બને છે. એટલે રોજ પંદર વીસ મિનિટ સૂર્યપ્રકાશ મળે એવું આયોજન દરેક વ્યક્તિએ કરવું જોઇએ.
  2. શારીરિક સક્રિયતા : નિયમિત ૪પ મિનિટ ચાલવાની કસરત અને શરીરશ્રમ થાપાના ફેક્ટર અને બીજા ઘણા બધા રોગો સામે રક્ષણ આપે છે.
  3. વ્યસનોથી દૂર રહો :- તમાકુ કે દારૂનું કોઇ પણ સ્વરૂપે સેવન કરવાથી દૂર રહો અને હાડકાની મજબૂતી જાળવી રાખો.
  4. રજાનિવૃત્તિ પછી બોનડેન્સીટી મપાવો :- રજાનિવૃત્તિ સ્ત્રીઓએ ખાસ પોતાના હાડકાની મજબૂતી માપવા માટેની બોનડેન્સીટી તપાસ કરાવી લેવી જોઇએ. જો આ ઓછી હોય તો હાડકા મજબૂત કરવા કેલ્શિયમ ઉપરાંતની બીજી દવાઓ લેવી જોઇએ.
  5. ઘરમાં અકસ્માત થતાં અટકાવો :- ઘરમાં પૂરતો પ્રકાશ રહે (ખાસ તો પેસેજ, બાથરૂમ અને દાદર પર) એનું ધ્યાન રાખો. બાથરૂમ, દાદર, પેસેજ વગેરે જગ્યાએ પકડવા માટે રેલીંગ કે હાથા રાખો. લપસી પડાય એટલી લીસી ભોંય ન રાખો. ભીની ટાઇલ્સ પર કે ભીના પગે ચાલવાનું ટાળો. લપસી પડાય એવા પગરખા ન પહેરો.
  6. નિયમિત તબીબી તપાસઃ- મોટી ઉંમરે તમારી આંખ, કાન ની તપાસ કરાવતા રહો. દવાઓનો (ખાસ તો ઉંઘની દવાનો) વધુ પડતો ઉપયોગ ટાળો. સંતુલનની તકલીફ હોય તો પાસે ટેકા માટે લાકડી રાખો.

સ્ત્રોત : ડો. કેતન ઝવેરી,ભણશાળી ટ્રસ્ટ સંચાલિત જીવન શૈલી કિલનિક

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/2/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate