ઓસ્ટિઓપોરોસીસ એટલે હાડકાં નબળાં પડવાની બીમારી. આ બીમારી અનેક કારણોને લીધે ઉદ્ભવી શકે. ઓસ્ટિઓપોરોસીસની બીમારીમાં હાડકાંની અંદર પ્રોટીન અને કેલ્શીયમ ખૂબ ઘટી જાય છે, અને પરિણામે નબળાં પડેલ હાડકાંમાં દુઃખાવાથી માંડીને ફેકચર સુધીની અનેક જાતની તકલીફો ઊભી થાય છે.
ઉંમરની સાથે હાડકાં નબળાં પડવાની તકલીફ વધતી રહે છે. પચાસ વર્ષથી મોટી ઉમરની ૧૩ થી ૧૮ ટકા સ્ત્રીઓ અને ૩ થી ૬ ટકા પુરૂષોને હાડકાં નબળાં પડવાની તકલીફ (ઓસ્ટિઓપોરોસીસ) થાય છે. આ ઉપરાંત બીજા ૩૦ થી ૫૦ ટકા લોકોનાં હાડકાં નબળાં પડવાની શરૂઆત થઈ ગઈ હોય છે જે ઓસ્ટિઓપેનીયા તરીકે ઓળખાય છે. આ હિસાબે વિશ્વમાં કરોડો લોકો આ બીમારીથી પીડાય છે. ઓસ્ટિઓપોરોસીસની તકલીફ થઈ હોય એમાંથી માત્ર ૧૦ થી ૨૦ ટકા દર્દીઓનું નિદાન અને સારવાર સમયસર થાય છે. બાકીના દર્દીઓ કોઇ કોમ્પ્લિકેશનનો ભોગ બને ત્યારે જ એમને આ તકલીફની જાણ થાય છે. આશરે દર ત્રણમાંથી એક રજોનિવૃત્ત સ્ત્રીને ઓસ્ટિઓપોરોસીસને કારણે ફેકચર થાય છે. દર વર્ષે એકલા અમેરિકામાં આશરે ૧૩ લાખ ફેકચરના બનાવો ઓસ્ટિઓપોરોસીસને કારણે બને છે. જેટલાં થાપાના હાડકાંનાં ફેકચર થાય છે એમાંથી ૧૨ થી ૨૦ ટકા જેટલા લોકો એક વર્ષની અંદર મૃત્યુ પામે છે. અને આ પછી દર વર્ષે મૃત્યુદર વધતો રહે છે. ઘણી જાતની વૃદ્ધની અપંગતા માટે ઓસ્ટિઓપોરોસીસ જવાબદાર હોય છે આમ, ઓસ્ટિઓપોરોસીસને કારણે અનેક લોકોને તકલીફો થાય છે અને માટે એને અટકાવવાના અને એમાંથી સાજા થવાના બધા પ્રયત્નો કરવા જોઇએ.
શરીરના દરેકે દરેક હાડકાંમાં રોજે રોજ આંતરિક ઘટકો બદલાતા રહે છે, રોજ હાડકાંનો થોડો ભાગ નાશ પામે છે અને થોડો ભાગ નવો બને છે. આ એક સતત ચાલતી પ્રક્રિયા છે. જે પ્રોટીન અને કેલ્શિયમ આજે હાડકાંમાં રહેલા છે તે આવતીકાલે બદલાઇ જાય છે. બચપણથી યુવાની સુધીના ગાળામાં હાડકાં બનવાની પ્રક્રિયા ઝડપી હોય છે અને નાશ પામવાની પ્રક્રિયા ધીમી હોય છે. આશરે ૩૦-૩૫ વર્ષની ઉમરે હાડકાં બનવાની અને નાશ થવાની બંને પ્રક્રિયા ધીમી પડે છે અને બંનેની ઝડપ લગભગ એકસરખી જ રહે છે. આશરે ૪૦ થી ૫૦ વર્ષની ઉંમરે હાડકાં નાશ થવાની; હાડકાં બનવાની પ્રક્રિયા કરતા વધુ ઝડપી બને છે, પરિણામે દર વર્ષે ૦.૩ થી ૦.૫ ટકા જેટલો હાડકાંનો ભાગ ઘટવા લાગે છે. સ્ત્રીઓમાં, માસિકસ્રાવ બંધ થવાની ઉમરે (રજોનિવૃતિ ઉર્ફ મેનોપોઝ વખતે) હાડકાંની નાશ થવાની પ્રક્રિયા અત્યંત વેગવાન બની જાય છે. કેટલીક સ્ત્રીઓમાં તો હાડકાંનો ૪૦ થી ૫૦ ટકા જેટલો મોટો જથ્થો રજોનિવૃત્તિ પછી ઘટે છે. સરેરાશ સ્ત્રીમાં આશરે ૧૫ ટકા જથ્થો આ ગાળા દરમ્યાન ઘટી જાય છે. સ્ત્રીમાં કરોડના મણકા, કાંડા પાસેનાં લાંબા હાડકાં અને થાપાના હાડકામાં સૌથી વધુ ઘટાડો નોંધાય છે. જયારે પુરુષોમાં કાંડાના હાડકાંને ખાસ અસર પહોંચતી નથી પરંતુ કરોડના મણકા અને થાપાના હાડકાંનાં જથ્થામાં નોંધપાત્ર ઘટાડો દેખાય છે. આ રીતે ઉંમર વધવાની સાથે હાડકાંનાં જથ્થો શા કારણે ઘટે છે એ હજી ચોકકસપણે જાણી શકાયું નથી. પરંતુ અમુક પરિબળો ધ્યાનમાં આવ્યા છે જેને કારણે હાડકાં નબળાં પડવાની પ્રક્રિયા વેગવાન બને છે. જેમને ઓસ્ટિઓપોરોસીસની બીમારી થાય છે એમાંથી મોટાભાગના લોકોનું વજન ઓછું હોય છે અને સ્નાયુઓ ઓછા વિકસેલા હોય છે. ઓસ્ટિઓપોરોસીસની બીમારી બેઠાડુ-બિનકસરતી શરીરમાં જલદી પ્રવેશે છે. જે સ્ત્રીમાં વહેલી રજોનિવૃતિ (મેનોપોઝ) આવે છે એ સ્ત્રીમાં ઓસ્ટિઓપોરોસીસ થવાની શકયતા વધારે રહે છે. બીડી-સિગારેટ કે દારૂ પીનાર વ્યકિતને ઓસ્ટિઓપોરોસીસ થવાની શકયતા વધુ રહે છે. વધુ પડતા એસિડીક (ખાટા પદાર્થો કે વધુ પ્રોટીનયુકત પદાર્થો) લેનારને પણ ઓસ્ટિઓપોરોસીસ થવાની શકયતા વધી જાય છે. જે વ્યકિતના ખોરાકમાં કેલ્શિયમનું પ્રમાણ ઓછું હોય એ વ્યકિતઓને પણ ઓસ્ટિઓપોરોસીસ થવાની શકયતા વધુ રહે છે.
ઉંમર સાથે નિસ્બત ન ધરાવતા બીજા ઘણા રોગોને કારણે પણ ઓસ્ટિઓપોરોસીસ થઇ શકે છે. શરીરમાં બનતા સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવ (ગ્લુકોર્ટિકોસ્ટીરોઇડ) નું પ્રમાણ વધી જાય તો અથવા કોઇ વ્યક્તિ લાંબા સમય સુધી આવી સ્ટીરોઈડ દવાઓ લેતો હોય તો એને ઓસ્ટિઓપોરોસીસ થઇ શકે છે. ડાયાબિટીસના દર્દીઓમાં પણ ઓસ્ટિઓપોરોસીસ થવાની શકયતા વધી જાય છે. કુપોષણ અને અપાચન ને કારણે પણ ઓસ્ટિઓપોરોસીસ થાય છે. સંધિવાના અમુક દર્દીઓમાં અમુક હલનચલન દુઃખાવાને કારણે દર્દી કરી નથી શકતા અને લીધે એ સાંધાની આસપાસ આવેલ હાડકાંઓમાં ઓસ્ટિઓપોરોસીસ થાય છે. આ સિવાય પણ બીજા અનેક રોગોમાં ઓસ્ટિઓપોરોસીસ ઉર્ફ હાડકાં નબળાં પડવાની તકલીફ શરૂ થઇ શકે છે.
પોતાને ઓસ્ટિઓપોરોસીસ છે એની ખબર મોટાભાગના દર્દીને ફેકચર થયા પછી જ પડે છે. કેટલાક નસીબદાર લોકોને અન્ય કારણોસર એક્ષ-રે કરાવવાથી ઓસ્ટિઓપોરોસીસની જાણ ફેકચર થયા પહેલાં થાય છે. હાડકાં નબળાં પડ્યા છે એની ચોક્કસ જાણ થાય એવાં કોઈ બાહ્ય લક્ષણો નથી. પરિણામે અમૂક મોંઘી તપાસ કરાવવાથી જ ઓસ્ટિઓપોરોસીસનું નિદાન થઈ શકે છે. સીંગલ ફોટોન એબ્સોર્સીઓમેટ્રી અને ડબલ ફોટોન એબ્સોર્સીઓમેટ્રી તરીકે ઓળખાતી બોન મીનરલ ડેન્સીટી માટેની તપાસ હાડકાંની ઘનતા ચકાસવામાં ઉપયોગી થાય છે. અલબત્ત આ તપાસ ઘણી મોંઘી અને જૂજ સ્થળોએ જ ઉપલબ્ધ છે.
હાડકાંની મજબૂતી અને જથ્થો તપાસવા માટે જાતજાતની તપાસ થાય છે પરંતુ સૌથી વધુ ચોકસાઇવાળી તપાસનું નામ છે – ડી.એક્ષ.એ. (ડયુઅલ એનર્જી એક્ષરે એબ્સોસીઓમેટ્રી). કમ્મરના મણકા અને થાપાના હાડકાંની તપાસ જો આ મશીન દ્વારા કરવામાં આવે તો સૌથી વધુ ચોક્કસ રિપોર્ટ મળે છે. પોર્ટેબલ ડી.એક્ષ.એ. મશીન દ્વારા પગની એડી, કાંડા કે આંગળીના હાડકાંના જથ્થાની તપાસ પણ કરવામાં આવે છે. જુદા જુદા મશીનો દ્વારા જુદી જુદી તપાસ કરવામાં આવતી હોવાથી બધા રિપોર્ટ એકબીજા સાથે સરખાવી શકાય એ માટે રિપોર્ટમાં “T” અને Z” એમ બે આંકડા લખવામાં આવે છે.
“T” એક એવું દર્શાવે છે કે વીસ વર્ષની ઉંમરના સરેરાશ લોકોની સરખામણીએ દર્દીનાં હાડકાંમાં કેટલી મજબૂતી છે જે “T” આંક માઇનસ ૨.૫ કરતાં ઓછો હોય તો હાડકાં નબળાં છે (ઓસ્ટિઓપોરોસીસની તકલીફ છે) એવું કહેવાય અને T આંક માઇનસ એક થી માઇનસ અઢી વચ્ચે હોય તો હાડકાં નબળાં પડવાની શરૂઆત છે એવું કહી શકાય. “Z” આંક એવું દર્શાવે છે કે દર્દીની ઉમરના જ સરેરાશ લોકોની સરખામણીએ દર્દીનાં હાડકાંની કેટલી મજબૂતી છે. જો “2” આંક ઓછો આવે તો (માઇનસ અઢીથી ઓછો) દર્દીને ઉમર સિવાયની અન્ય કોઇ બીમારીને કારણે હાડકાં નબળાં પડવાની તકલીફ થઈ છે એવું કહી શકાય.
આ હાડકાંની મજબૂતી માટેની (બોન મીનરલ્સ ડેન્સીટીની) તપાસ નીચે જણાવેલ લોકોએ કરાવી લેવી જોઇએ. (૧) રજોનિવૃત્ત સ્ત્રીઓ (૨) એક્ષ-રેમાં મણકા નબળાં પડવાનાં ચિહનો દેખાયાં હોય (૩) ત્રણ મહીના કરતાં વધુ સમયથી સ્ટીરોઈડ દવા ચાલુ હોય (૪) પેરાથાઇરોડ અંતઃસ્ત્રાવ વધવાની બીમારી (૫) દવા લેવાથી કે અન્ય સારવારથી હાડકાં નબળાં પડતાં અટકયા કે નહીં તે જોવા માટે દર વર્ષે આ ટેસ્ટ કરાવી શકાય.
ઓસ્ટિઓપોરોસીસ થઈ ગયા પછી એને સારું કરવાનું ઘણું મુશ્કેલ છે. દર્દીને ફેકચર ન થાય એ હેતુથી જ મોટાભાગની સારવાર કરવામાં આવે છે. આ રોગ અટકાવવા માટે નિયમિત ચાલવાની કે અન્ય કસરત કરતાં રહેવું જોઇએ. ખોરાકમાં રાગી-બાજરા જેવાં ધાન્ય; ચણા, રાજમા, સોયાબીન જેવાં કઠોળ; બધી લીલી ભાજીઓ; તલ, જીરું, અજમો, હળદર વગેરે મસાલાઓ; કોઠું, સીતાફળ, ફાલસા, ખજૂર, સૂકી દ્રાક્ષ વગેરે ફળો અને દૂધ અને એની પેદાશો વધારે પ્રમાણમાં લેવી જોઇએ. આ બધા ખોરાક વધુ માત્રામાં લેવાથી કેલ્શિયમની અછત થતી અને હાડકાં નબળાં પડતાં અટકાવી શકાય છે. ખોરાકમાં આ બધી વસ્તુ પૂરતાં પ્રમાણમાં ન લેનાર વ્યકિતએ કેલ્શિયમ અને વિટામિન ડીની ગોળી લેવી જોઇએ. દારૂ-તમાકુના વ્યસનથી દૂર રહેનાર અને ખોરાકમાં મીઠું ઓછું ખાનાર વ્યકિતનાં હાડકાં મજબૂત રહે છે. ઘણા દેશોમાં સારવાર માટે સૌ પ્રથમ ઇસ્ટ્રોજન-પ્રોજેસ્ટેરોન અને કેલ્શિયમ-વિટામિન ડીની ગોળીઓ વપરાય છે. તાજેતરમાં ઈસ્ટ્રોજન-પ્રોજેસ્ટેરોનની આડઅસરો ધ્યાનમાં આવવાથી હાડકાં મજબૂત કરવાની નવી નવી દવાઓ શોધાયા કરે છે. અલેન્ડોનેટ અને રોસીડ્રોનેટ નામની બાયફોસ્ફોનેટ જૂથની દવાઓ નબળાં પડી ગયેલ હાડકાંની મજબુતી એક વરસની અંદર નોંધપાત્ર પ્રમાણમાં વધારી આપે છે. અલબત્ત, આ અને મોટાભાગની નવી દવાઓ મોંઘી અને અમુક પ્રકારના દર્દીઓમાં જ અસર કરે છે. કેલ્શિટોનીન નામના અંતઃસ્ત્રાવની દવા નાકના એ સ્વરૂપે મળે છે જે હાડકાંને વધુ મજબૂત બનાવવામાં ઉપયોગી થાય છે. જે વ્યકિતના શરીરમાં વિટામિન ડી પૂરતી અસરકારકતાથી કામ ન કરી શકતું હોય એમાં કોલ્સીટ્રાયોલ નામનું વિટામિન ડીનું જ અન્ય સ્વરૂપ આપવામાં આવે છે જે અસરકારક હોય છે. ફલોરાઇડને ખોરાકમાં લેવાથી પણ હાડકાંનો જથ્થો વધે છે. અલબત્ત આ બધી નવી દવાઓની આડઅસર હોય છે અને ડૉકટરની સલાહ વગર કોઇપણ દવા લેવી જોઇએ નહીં.
ઓસ્ટિઓપોરોસીસ થતો અટકાવવો હોય તો એને માટેના પ્રયત્નો બાળપણથી જ શરૂ કરી દેવા જોઇએ. જીવન પદ્ધતિ એ પ્રકારની બનાવી દેવી જોઇએ કે જેથી લાંબા ગાળાના સ્વાથ્યના ફાયદાઓ થાય.
સ્ત્રોત : ડો. કેતન ઝવેરી,ભણશાળી ટ્રસ્ટ સંચાલિત જીવન શૈલી કિલનિક
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/19/2020