অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

સાદા દુખાવા સિવાયના કમરના અન્ય દુખાવા સગર્ભાવસ્થામાં કમરનો દુખાવોઃ

સાદા દુખાવા સિવાયના કમરના અન્ય દુખાવા સગર્ભાવસ્થામાં કમરનો દુખાવોઃ

સગર્ભાવસ્થામાં કમરનો દુખાવો

કુલ સગર્ભા સ્ત્રીઓમાંથી આશરે અડધો અડધ સ્ત્રીઓને કમરના દુખાવાની તકલીફ રહે છે. સગર્ભાવસ્થાની શરૂઆતમાં જેમને કમરનો દુખાવો હોય તેમને લગભગ આખી સગર્ભાવસ્થા દરમ્યાન દુખાવો ચાલુ રહે છે અને ઉત્તરોત્તર વધતો રહે છે. પ્રસૂતિ પછી પણ કમરનો દુખાવો થવાનું જોખમ વધે છે. સગર્ભાવસ્થા દરમ્યાન કમરનો દુખાવો થવાના ઘણાં કારણો શોધાયા છે જેમ કે (૧) સગર્ભાવસ્થા દરમ્યાન અંતઃસ્રાવની અસર હેઠળ સાંધાના બંધનો ઢીલા પડે છે. (૨) સ્નાયુઓ જલદી થાકે છે. (૩) મણકા વચ્ચેની ગાદી ખસવાની શકયતા વધી જાય છે. (૪) ગર્ભાશયનું દબાણ કરોડરજજુની ચેતાઓ ઉપર પડે છે. આ બધા કારણોસર સગર્ભાવસ્થા દરમ્યાન કમરનો દુખાવો થવાની શકયતા ખૂબ વધી જાય

સગર્ભાવસ્થા દરમ્યાન કમરના દુખાવાને કાબૂમાં રાખવા માટે નીચે જણાવેલ કાળજી રાખવી જરૂરી છે.

  1. ઊંચી એડીના પગરખાં ન પહેરવા.
  2. એકધારું લાંબો સમય ઉભા રહેવાનું ટાળો. ઊભા રહો ત્યારે કમર સીધી રહે એનું ધ્યાન રાખો. જરૂર પડયે એક પગ જમીનથી ઊંચી વસ્તુ પર ટેકવો જેથી કમર પર બોજો ઘટે.
  3. ડાબા પડખે સૂવું.
  4. વધુ પડતો શ્રમ ટાળો. કમરેથી વાંકા વળીને કામ ન કરો. જરૂર પડયે ઘુંટણ વાળીને કામ કરો.
  5. કમર અને પેટના સ્નાયુઓ મજબૂત રહે એવી કસરત કરો.

સ્પોન્ડીલોસીસ ઉર્ફે મણકાના સાંધાઓનો ઘસારોઃ

સ્પોન્ડીલોસીસ એટલે મણકાના સાંધાઓનો ઘસારો (ઓસ્ટિઓઆર્થાઇટીસ). ઉંમરની સાથે બે મણકા વચ્ચે રહેલી ગાદી દબાય છે અને નબળી પડે છે જેને પરિણામે બે મણકા એકબીજાની વધુ નજીક આવે છે. મણકાના હાડકાના પાછલા ભાગ પાસે જ્યાં મણકાની કમાન એકબીજા સાથે સાંધો બનાવે છે ત્યાં સાંધાનો ઘસારો થવા લાગે છે. કાળક્રમે મણકાના આગળના ભાગ પણ એકબીજા સાથે ઘસાવા માંડે છે જેને કારણે મણકાના ઘસાતા ભાગો પાસે કેલ્શિયમ જમા થાય છે. મણકાના સાંધાઓને ઘસારો થવાથી સ્પોન્ડીલોસીસના દર્દીઓ જયારે લાંબા સમયના આરામ પછી કમરનું હલનચલન કરવા કોશિષ કરે છે ત્યારે કમર “અકડાઈ ગઈ હોય એવું લાગે છે. સવારે ઉઘમાંથી ઉઠ્યા પછી અથવા એકધારુ એક સ્થિતિમાં બેઠા પછી જ્યારે હલનચલન કરવાની કોશિષ  કરવામાં આવે ત્યારે દુખાવાનો અને અક્કડપણાનો અનુભવ થાય છે. આ ઉપરાંત કમરનું લચીલાપણું ઘટી જાય છે. વળવામાં ફરવામાં કમરનું હલનચલન મર્યાદિત થઇ ગયું હોય એવું અનુભવાય છે.

સાંધાના ઘસારાને કારણે ધીમે ધીમે બે મણકા વચ્ચેની જગ્યા ઘટવા લાગે છે એટલે બે મણકા વચ્ચેથી નીકળતી ચેતાઓ માટે ત્યાંથી પસાર થવાની જગ્યામાં ઘટાડો થઈ જાય છે. આ ઉપરાંત, કેલ્શિયમ જમા થઈ જવાથી મણકાનો આગળનો ભાગ અને પાછળની કમાન વચ્ચેથી પસાર થતી કરોડરજજૂ માટેની જગ્યા પણ ઘટી જાય છે. સ્પાઇનલ કેનાલ સ્ટીનોસીસ તરીકે ઓળખાતી આ તકલીફને લીધે કરોડરજજૂ ઉપર પણ દબાણ આવી શકે છે જે લાંબે ગાળે મોટી તકલીફ ઊભી કરી શકે છે.

ઉમર વધતાં કમરનો દુખાવો ન થતો હોય એવા દર્દીઓમાં પણ મણકાનો એક્ષ-રે કરવામાં આવે તો સ્પોન્ડીલોસીસ જેવા ચિન્હો આવી શકે છે. એટલે માત્ર એક્ષ રે ને આધારે આ તકલીફનુ નિદાન કરી ન શકાય. અલબત્ત, અન્ય લક્ષણો અને એક્ષ-રે બંને જયારેસ્પોન્ડીલોસીસ દર્શાવતા હોય ત્યારે એનું નિદાન પાકુ થાય છે. સ્પોન્ડીલોસીસ કરતાં વધુ ગંભીર તકલીફ સ્પાઇનલ કેનાલ સ્ટીનોસીસ છે જે બે મણકા વચ્ચેની ગાદીની ઊંચાઇ ૪ મિ.મિ. કરતા ઘટી જાય અથવા સ્પાઇનલ કેનાલનો વ્યાસ ૧૫ મિમિ. કરતા ઘટી જાય તો ચેતાઓ પર દબાણ કરી મુશ્કેલી ઉભી કરે છે. જયારે ચેતા પર દબાણ આવવાથી સ્નાયુઓમાં નબળાઇ આવી જાય છે ત્યારે આપરેશન કરવાની જરૂર ઊભી થઈ શકે છે. હાડકાનું પોલાણ નાનું થઈ ગયું હોય તો લેમીનેક્ટોમીનું ઓપરેશન થઈ શકે. અલબત્ત, બહુ ઓછા કિસ્સામાં ઓપરેશનની જરૂર પડે છે અને બહુ ઓછા કિસ્સામાં ઓપરેશન કરવાથી દર્દીની બધી તકલીફ દૂર કરવામાં સફળતા મળે છે.

મણકા વચ્ચેની ગાદી ખસી જવીઃ

જ્યારે કમરના મણકાઓ વચ્ચે રહેલી ગાદી ઇજાગ્રસ્ત થાય અથવા દબાઇને એની જગ્યાએથી થોડો ભાગ બહાર નીકળે ત્યારે ત્યાંથી પસાર થતી ચેતા પર દબાણ કરી શકે છે. શરૂઆતમાં ઇજાગ્રસ્ત ગાદીની આસપાસના ભાગે જ દુખાવો થાય છે જે ખાંસી-છીંક ખાવાથી વધી જાય એવું બને છે. સામાન્ય રીતે એલ-૪ અને એલ-૫; તેમ જ એલ-૫ અને એસ-૧ મણકા વચ્ચેની ગાદીઓ આવી તકલીફ વારંવાર કરી શકે છે.

બે મણકા વચ્ચે રહેલી ગાદી આખા શરીરનું વજન તો સહેલાઇથી ઉઠાવે જ છે એ ઉપરાંત શરીર આગળ ઝૂકીને કોઈ વસ્તુ ઉચકે તો એનો બોજ પણ ઉઠાવે છે. પરંતુ ગાદી ઉપર વજન હોય ત્યારે જ એને પાંચ ડીગ્રી થી વધુ મરડવામાં આવે તો એને ઇજા થવાની શક્યતા વધુ રહે છે. ગાદીના ગોળાકાર રેસાઓ મરડવાથી તૂટી જાય છે અને પરિણામે ગાદીનું કેન્દ્ર વચ્ચોવચ રહેવાને બદલે દબાણ આવવાથી કોઈ એક દિશામાં ખસી જાય છે. જ્યારે આ કેન્દ્ર આ રીતે દબાણ હેઠળ બે મણકાની વચ્ચે રહેવાને બદલે મણકાની બાજુએથી બહાર ડોકાય ત્યારે તે “હર્નિયેટેડ’ અથવા

પ્રોલેપ્સ” ડિસ્ક તરીકે ઓળખાય છે. આ તકલીફને “સ્લીપ ડીસ્ક”, “પ્રોડીંગ ડિસ્ક”, “બજીંગ ડીસ્ક” કે “હનીયેટેડ ડીસ્ક”તરીકે પણ સામાન્ય ભાષામાં ઓળખાવામાં આવે છે.

મણકાની બાજુએથી બહાર ડોકાતી ગાદી ત્યાં રહેલા અન્ય ભાગો તથા ચેતાતુઓ પર દબાણ પહોંચાડીને દુખાવો ઉભો કરી શકે છે. સામાન્ય રીતે જો કોઈ વ્યક્તિ આગળ તરફ ઝુક્યા પછી અચાનક એક બાજુએ શરીરને મરડે તો ગાદીને ઇજા થવાની શક્યતા વધારે રહે છે. એ જ રીતે નીચે ઝૂકીને કંઇક વસ્તુ ઉંચક્યા પછી અચાનક શરીર મરડવાથી પણ આવી ઇજા થઇ શકે છે.

મણકાનું ફ્રેકચર:

જો ઉંચાઇ પરથી કુદવાથી કે પડવાથી તંદુરસ્ત મણકાનું ફેક્યર થાય તો અસહ્ય દુખાવો થાય છે. સામાન્ય રીતે આવી ઇજામાં એલ-૫ મણકાનું ફ્રેક્યર થાય છે અને સાથોસાથ આસપાસની ચેતાઓને નુકશાન થવાની શક્યતા પણ વધે છે. તંદુરસ્ત મણકાનાં ફ્રેકચર કરતાં વધુ પ્રમાણમાં નબળાં પડી ગયેલ મણકાના હાડકાનું ફ્રેકચર થતુ જોવા મળે છે. હાડકાં નબળાં પડી જવાને કારણે સામાન્ય ઇજા થવાથી કે જોર કરવાથી કે માત્ર આગળ તરફ ઝૂકવાથી પણ મોટી ઉંમરે મણકામાં “કોપ્રેશન” ફ્રેકચર થઇ જાય છે. પચાસ વર્ષથી મોટી વયની સ્ત્રીઓ અને સીત્તેર વર્ષથી મોટી વયના પુરૂષોમાં હાડકાં નબળાં પડી જવાથી મણકાનું ફ્રેકચર થવાની શકયતા વધારે રહે છે. ત્રણ મહિનાથી વધુ લાંબા સમય સુધી સ્ટીરોઈડ દવા લેવાથી પણ હાડકાં નબળાં પડી જાય છે. આવા ફ્રેકચરમાં દુખાવો ઓછો પણ હોઇ શકે છે અને ફ્રેકચરને લીધે વ્યક્તિની ઉંચાઇમાં ઘટાડો થાય એવું બની શકે છે.

મણકાનું ફ્રેક્ટર થઇ શકે એવી શક્યતા ધરાવતાં દર્દીને માટે એક્ષ-રે જરૂરી છે. સાદા એક્ષ-રેથી જ મોટા ભાગે સ્પષ્ટપણે મણકાનાં ફ્રેક્ટરનું નિદાન થઈ શકે છે. જ ફ્રેકચરને કારણે ચેતાઓ કે કરોડરજજૂ પર દબાણ આવે તો મોટી મુશ્કેલી ઊભી થઈ શકે. કયારેક આ પ્રકારના દબાણથી લકવો પણ થઈ શકે છે અને એવા સંજોગોમાં મણકાનું ફ્રેક્ટર એ એક ઇમરજન્સી કહી શકાય. આવા અચાનક લકવો કરી મૂકતાં મણકાનાં ફ્રેકચરનું સમયસર નિદાન થઇને ઓપરેશન થઇ જાય તો દર્દી કાયમી લકવાની તકલીફમાંથી બચી જઈ શકે છે. ઓપરેશન દ્વારા કરોડરજજૂ અને ચેતા પર આવતું દબાણ દૂર કરવામાં આવે છે અને ફ્રેકચરવાળા મણકાની ઉપર-નીચેના મણકાને સળંગ એકબીજા સાથે જોડીને એ ભાગને મજબૂત બનાવવામાં આવે છે.

મણકાની ખોડખાંપણ (સ્પોન્ડીલોલાઇસીસ અને સ્પોન્ડીલોલીસ્થેસિસ):

સ્પોન્ડીલોલાઇસીસ એટલે મણકાના હાડકામાં તકલીફ. મણકાના આગળના ભાગ અને મણકાની પાછળની કમાન વચ્ચેનો સેતુ જયારે જન્મથી હોય જ નહી અથવા જન્મ બાદ તૂટે ત્યારે સ્પોન્ડીલોલાઇસીસની તકલીફ થઈ કહેવાય છે.

સ્પોન્ડીલોલીસ્થેસિસ એટલે એક મણકાનું બીજા મણકા પર આગળ તરફ સરકવું. જ્યારે મણકાની પાછળના ભાગે આવેલી કમાન તૂટે ત્યારે એ મણકાનો આગળનો ભાગ પાછલા બંધનોથી મુક્ત થઇ જઇને બીજા મણકા પર આગળ તરફ સરકી જાય છે. એલ-૪ અને એલ-૫ મણકા વચ્ચે અને ક્યારેક એલ-૫ અને એસ-૧ મણકા વચ્ચે આવી તકલીફ જોવા મળે છે. સ્પોન્ડીલોલીસ્થસીસને કારણે શરૂઆતમાં કોઈ જાતના લક્ષણો કે તકલીફ થતા નથી. પરંતુ જો આ સરકતા મણકા ત્યાંથી પસાર થતી ચેતાઓ પર દબાણ કે ઇજા કરે તો એને કારણે કમરના જે તે ભાગમાં દુખાવો થવા ઉપરાંત એ ચેતા જે વિસ્તારમાં પહોંચતી હોય ત્યાં આગળ પણ દુખાવો, ઝણઝણાટી કે બળતરા થઇ શકે છે. કમરમાં સ્પોન્ડીલોલીસ્થસીસ થયું હોય ત્યાં હાથ વડે દબાવવાથી દુખાવો વધે છે અને ક્યારેક ઊંડુ દબાણ આપીને તપાસ કરતી વખતે મણકાની લાઇનમાં ખાડો પડ્યો હોય એવું અનુભવાય છે. વ્યક્તિની ઊંચાઇમાં ઘટાડો થાય કે પેટનો ભાગ થોડો બહાર આવે એવું પણ બને છે. આગળ વધી ગયેલી સ્પોન્ડીલોલીસ્થસીસની તકલીફને કારણે ઘણી બધી ચેતાઓ પર વધુ દબાણ આવે તો “કોડા ઇક્વીના સિન્ડ્રોમ' તરીકે ઓળખાતી ગંભીર તકલીફ ઉદ્ભવી શકે છે, જેને પરિણામે ઝાડા-પેશાબનું નિયંત્રણ ખોરવાઈ જાય છે.

આ તકલીફ પણ જયારે ખૂબ વધી જાય ત્યારે એને માટે આપરેશન જરૂરી થઇ જાય છે. જે મણકા સરકતાં હોય તેનું હલનચલન તદન બંધ થઈ જાય એ રીતે ઓપરેશનથી મણકા એકબીજા સાથે જોડી દેવામાં આવે છે.

મણકાનો “વા” (એન્કાઇલોસીગ સ્પોન્ડીલાઇટીસ):

એન્કાઇલોસીંગ સ્પોન્ડીલાઇટીસ એટલે મણકાની હલનચલન બંધ કરી દે એવો મણકાના સાંધાનો વા. ચાલીસ વર્ષથી પણ નાની ઉંમરના પૂરુષોમાં વિશેષ જોવા મળતી આ મણકાના વાની તકલીફમાં ધીમે ધીમે કમરના દુખાવાની શરૂઆત થાય છે અને છેવટે મણકા એકદમ જકડાઈ જાય છે. સવારે ઉઠતી વખતે કમરનું હલનચલન સૌથી ઓછું થઈ શકે અને દુખાવો સૌથી વધુ રહે છે. રાત્રે સૂતા સૂતા પણ દુખાવો થઇ શકે, જે કસરત કે હલનચલન કરવાથી સારો થાય છે. કુટુંબમાં ચાલી આવતી આ વાની બીમારીમાં દર્દીના શરીરના કોષ પર એચ.એલ.એ.બી-૨૭ નામના પ્રોટીનની હાજરી જણાય છે. મણકાના એક્ષ-રે માં મણકાઓ એકબીજા સાથે જોડાઈ ગયા હોય એવું લાગે છે જે “બાબૂ સ્પાઇન” તરીકે ઓળખાય છે.

લાંબી ચાલતી અને કયારેક કાયમી થઈ શકતી આ તકલીફની સારવાર અન્ય “વા ની સારવાર જેવી જ લાંબી અને મુશ્કેલ હોય છે. કોઈ પણ દર્દી કંટાળી જાય એટલો સમય સારવાર ચાલવા છતાં પૂરો આરામ ન થાય એવું બને છે. દર્દ શામક દવાઓ અને જરૂર પડયે વા ની ખાસ દવાઓ લેવાથી રાહત અનુભવાય છે. કસરતો દ્વારા હલનચલન જળવાઈ રહે એ માટેના પ્રયત્નો કાયમ ચાલુ રાખવા પડે  છે.

અન્ય કારણો (ચેપ, કેન્સર વગેરે):

ક્યારેક પેટ કે પેઢુની કોઇ તકલીફને કારણે પણ કમરનો દુખાવો રહી શકે છે, જે સતત અને ધીમો હોય છે. અને હલનચલનથી એમાં ફેરફાર થતો નથી. કરોડરજૂનું કેન્સર, ચેપ વગેરે કારણોસર પણ આરામના સમયે સતત અને ધીમો દુખાવો રહે છે. મણકામાં લાગેલાં ટીબીના ચેપને કારણે આપણે ત્યાં ઘણાં લોકોને મણકાનું ફ્રેકચર અને દુખાવા થઇ શકે છે. ટીબીનો ચેપ લાગ્યો હોય તો દર્દીને કમરના દુખાવા ઉપરાંત, થાક લાગવો, ઝીણો તાવ આવવો, ભૂખ મરી જવી, વજન ઘટવું વગેરે ચિન્હો જણાય છે. ઘણી વાર માત્ર સાંજે કે રાત્રે જ તાવ આવે અને થોડો પરસેવો થાય એવું બને છે. સમયસરનું નિદાન અને ટીબીની દવાનો પૂરો કોર્સ કરવાથી મોટાભાગના મણકાનાં ટી.બી.ના દર્દીને રાહત થઈ જાય છે.

મણકામાં કેન્સરને કારણે દુખાવો થતો હોય તો રાત્રે દુખાવો વધે છે. પચાસ વર્ષથી મોટી ઉંમરના દર્દી કે અચાનક વજન ઘટતુ જતું હોય એવા દર્દીમાં સાદી દવાઓથી ફરક ન પડે તો કેન્સરની શકયતા વિચારવી પડે છે. લોહીની યોગ્ય તપાસ અને એક્ષ-રે અથવા એમ.આર.આઇ કરાવવાની આવા દર્દીમાં જરૂર પડે છે.

કેન્સરનું નિદાન પાકુ થાય તો એના નિષ્ણાત ડોકટર પાસે કીમોથેરપી કે રેડિયોથેરપીની સારવાર કરાવવી પડે છે.

મનો-સામાજિક કારણોઃ

મનો-સામાજિક કારણોસર પણ ઘણાં લોકોને કમરનો કાયમી દુખાવો રહે છે. ઘણાં વર્ષો સુધી મોટા ભાગના ડોકટરો એવુ જ માનતા હતા કે કમરનો દુખાવો હંમેશા કમરના કોઇને કોઇ ભાગમાં ઇજા થવાથી જ થાય છે. પરંતુ છેલ્લા એક બે દાયકામાં થયેલ સંશોધનો એ સાબિત કરી દીધુ છે કે કમરનો દુખાવો કોઈ પણ પ્રકારની શારીરિક ઇજા વગર મનો-સામાજિક કારણોસર થઈ શકે છે. જે રીતે માથાનો દુખાવો થાય ત્યારે એ દુખાવો કરવા માટે માથામાં કોઇ ઇજા થઈ હોવી જરૂરી નથી એ જ રીતે કમરના દુખાવા માટે પણ કમરમાં કોઈ ઇજા હોવી જ જોઇએ એવું નથી. માનસિક હતાશા, કંટાળો, ચિંતા વગેરે અનેક માનસિક સમસ્યાઓ કમરનો દુખાવો કરવા માટે અને થયેલો દુખાવો વધારવા માટે જવાબદાર હોઈ શકે છે. જેમ જેમ લોકોનું જીવન તણાવપૂર્ણ થઈ રહ્યુ છે તેમ તેમ મનોસામાજિક કારણથી થતાં કમરના દુખાવાનું પ્રમાણ પણ વધી રહ્યુ છે. જેમને ઘરમાં કે ઓફિસમાં બીજાઓ સાથે અનુકૂળ થઈને કામ કરવામાં તકલીફ પડતી હોય છે તેમને કમરનો દુખાવો વારંવાર થઈ શકે છે. ડિપ્રેશનની બીમારી ધરાવતાં લોકોમાં પણ કમરનો દુખાવો થવાની શકયતા વધુ હોય છે. આ જ રીતે દારૂ, તમાકુ-બીડી કે ડ્રગ્સનુ વ્યસન હોય તો કમરનો દુખાવો કાયમી થવાની શકયતા વધી જાય છે. જેમને અકસ્માત થયા પછી અથવા કામના પ્રકારને કારણે કમરનો દુખાવો થતો હોય તેમને આ દુખાવાને કારણે આર્થિક વળતર મળશે એવી અપેક્ષાએ પણ દુખાવો લાંબો ચાલી શકે છે.

તણાવમુકિતની યોગ્ય પદ્ધતિઓ શીખવાથી માત્ર કમરનો દુખાવો જ નહીં પરંતુ બીજી પણ અનેક મનો-શારીરિક સમસ્યાઓથી બચી શકાય છે. હકારાત્મક અભિગમ, હળવી કસરતો, મનગમતુ સંગીત, હળવું વાંચન, સવાશન, ધ્યાન વગેરે આ પ્રકારના દુખાવાને મટાડવા અને અટકાવવા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે.

જ્યારે મણકા વચ્ચેની ગાદી કરોડરજૂ માંથી નીકળતાં ચેતામૂળ પર દબાણ કરે ત્યારે “સાયેટિકા” અથવા કૌડા ઇકવીના સિન્ડ્રોમ' એમ બે પ્રકારના કોમ્પ્લીકેશન ઉભા થઇ શકે.

સ્ત્રોત : ડો. કેતન ઝવેરી,ભણશાળી ટ્રસ્ટ સંચાલિત જીવન શૈલી કિલનિક

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/18/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate