આપણે ઘણી વખત કમરથી આગળના ભાગે ઝૂંકી ગયેલા વૃદ્ધ મહિલા-પુરૂષોને જોતા હોઈએ છીએ. આ સ્થિતિને આપણે ઓસ્ટિયોપોરોસિસ તરીકે ઓળખીએ છીએ. ઓસ્ટિયોપોરોસિસ એ હાડકાંમાં આવતી નબળાઈના કારણે ઉદ્ભવતી મુશ્કેલી છે. મોટાભાગે આ તકલીફ ઉંમરની સાથે વધતી હોય છે. જેમાં સ્ત્રીઓનું પ્રમાણ ઘણું વધારે જોવા મળે છે.
દાદરા ચઢવા-ઉતરવામાં થાકી જવાય, નાની વાતમાં ફેક્ચર થઈ જાય, કમરમાં દુઃખાવો રહ્યાં કરે, શરીરના બીજા ભાગો પણ દુખ્યા કરે, આગળ ઝૂકીને ચાલવું પડે, ખૂબ થાક લાગે, શરીરમાં તાકાત જ નથી એવી ફિલિંગ આવે વગેરે જેવા ઓસ્ટિયોપોરોસિસના પ્રાથમિક લક્ષણો છે. હાડકાંની નબળાઈ એ ઓસ્ટિયોપોરોસિસ છે.
હોર્મોનલ અસંતુલન અને કેલ્શિયમની કમીના કારણે ઓસ્ટિયોપોરોસિસની તકલીફ ઊભી થતી હોય છે. હાડકાંની મજબુતાઈ માટે શરીરને પુરતા પ્રમાણમાં કેલ્શિયમ મળવું જરૂરી છે. શરીરમાંથી કેલ્શિયમ ઘટવા લાગે તેની અસરના કારણે હાડકાં નબળા પડતા જાય છે. સામાન્ય રીતે સ્ત્રીઓમાં માસિક ધર્મ આવવાનો બંધ થાય ત્યારબાદ તેમને વધતા-ઓછા પ્રમાણમાં ઓસ્ટિયોપોરોસિસની તકલીફ થવાની શરૂઆત થાય છે. આ કારણે મોટાભાગની સ્ત્રીઓને શરીમાં કમજોરી અને હાડકાં સંબંધિત ફરિયાદો રહેતી હોય છે.
સ્ત્રીઓમાં મેનોપોઝ સમયે એસ્ટ્રોજન નામના હોર્મોનનું પ્રમાણ ઘટે છે. ઓસ્ટિયોપોરોસિસ ઉંમર સાથે વધતી સમસ્યા છે. જૂના જમાનામાં 85 વર્ષે પણ સ્રી-પુરૂષોના હાડકાં મજબુત રહેતા હતા, પરંતુ હવે 30 વર્ષે હાડકાં નબળા પડી જવાના કારણે દર્દીઓ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવે છે. સિવિલ હોસ્પિટલની દરરોજની ઓપીડીમાં ઓછામાં ઓછા 10થી 15 કેસ ઓસ્ટિયોપોરોસિસના જોવા મળે છે.
હાડકાંની ડેન્સિટી એટલે કે સ્ટ્રેન્થ ઘટતી જણાય ત્યારે આ મુશ્કેલી ઉભી થાય છે. એક અભ્યાસ મુજબ 45 વર્ષ પછી હાડકાંની ડેન્સિટી એક ટકો ઘટી શકે છે, પરંતુ હવે નાની ઉંમરની વયમાં પણ આ તકલીફ જોવા મળી રહી છે. ઓસ્ટિયોપોરોસિસના દર્દીએ કેલ્શિયમ અને વિટામિન-ડી વધુ મળે તેવો આહાર લેવો જરૂરી છે.
લીલા શાકભાજી જેમ કે, પાલક, કોબિજ વગેરે લેવા જોઈએ. નારંગીમાં કેલ્શિયમ તથા વિટામિન-ડી બંને હોવાથી એનું સેવન કરવું જોઈએ. આ ઉપરાંત દુધ અને તેમાંથી બનતી વસ્તુ જેમ કે, દહીં-છાસનો ખોરાકમાં ઉપયોગ વધારવો જોઈએ. રોજિંદા આહારમાં ગાયનું દુધ લેવામાં આવે તો કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રહે છે. સૂકામેવામાં અખરોટ અને જરદાલુમાં કેલ્શિયમ સારી માત્રામાં હોય છે. લસણમાં કેલ્શિયમ વિપુલ પ્રમાણમાં હોય છે, પણ તે વ્યક્તિની પ્રકૃતિને ધ્યાને રાખી યોગ્ય માત્રામાં તેનો ઉપયોગ કરવો જોઈએ. આ ખોરાક લેવાના કારણે હાડકાંને શક્તિ મળે છે. આ ઉપરાંત નિયમિત કસરત અને યોગના કારણે હાડકાંની ફ્લેક્સિબિલિટી વધતી હોય છે અને દર્દીને ફાયદો થતો હોય છે. કુમળા તડકામાં બેસવાથી શરીરમાં કુદરતી વિટામીન-ડીનો સંચાર થાય છે.
આધુનિક સમયમાં શારીરિક શ્રમનું મહત્વ ધીમે ધીમે ઘટવા માંડ્યું છે. પરિશ્રમના અભાવે જીવનશૈલી સંબંધિત કેટલાક રોગો તેમજ મહારોગોને આમંત્રણ આપે છે. મોટી ઉંમરે સિનાયલ ઓસ્ટિયોપોરોસિસ થાય છે. આ પરિસ્થિતિમાં વ્યક્તિએ ડૉક્ટરની સલાહ મુજબ ખોરાક અને દવા લેવાનું શરૂ કરવું જોઈએ. ઘણી વખત વ્યક્તિને અન્ય કોઈ બીમારીની દવા ચાલતી હોય તે દવાની આડઅસર રૂપે પણ હાડકાં કમજોર થવાની શક્યતા રહેલી છે. દાખલા તરીકે લોહીને પાતળું કરવા માટે લેવાતી એસ્પિરિન, ખેંચને લગતી દવાઓ વગેરે ઓસ્ટિયોપોરોસિસ થવા માટે કારણભૂત બને છે. આ સ્થતિને ડ્રગ ઈન્ડ્યુસ ઓસ્ટિયોપોરોસિસ કહેવામાં આવે છે.
કેટલાક કિસ્સામાં શરીરના કોઈ એક ચોક્કસ ભાગનો ઉપયોગ ન થવાને કારણે ઓસ્ટિયોપોરોસિસ થવાની શક્યતા રહેલી છે જેમ કે પેરાપ્લેજીક દર્દી, બેભાન દર્દી, લાંબા સમય સુધી પ્લાસ્ટર રાખવામાં આવ્યું હોય તે ભાગનું હાડકું નબળું પડવાની શક્યતા રહેલી છે. આ ઉપરાંત રેડિયોથેરાપીની સારવારના કારણે પણ ઓસ્ટિયોપોરોસિસ થવાની શક્યતા રહેલી છે.
સ્ત્રોત: ડો. એમ. એમ. પ્રભાકર, અર્થોપેડીક સર્જન
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 10/28/2019