આદિવાસી મહિલાઓએ દારૃના અડ્ડાઓનો સફાયો કર્યો
વડોદરા જિલ્લાના પાવીજેતપુર તાલુકામા આવેલા શિથોલ ગામે બુધવારે ક્રાંતિકારી ઘટના બની હતી. ગામમા બુટલેગરો અને દારૃડિયાઓના ત્રાસથી ત્રાહીમામ પોકારી ઉઠેલી આદિવાસી મહિલાઓ એકઠી થઇ હતી અને દારૃના અડ્ડાઓ પર લાઠીઓ લઇને તુટી પડતા ભાગદોડ મચી ગઇ હતી. હિમ્મતવાન મહિલાઓએ માથાભારે બુટલેગરોના અડ્ડાઓ પર દારૃ ભરેલા કેરબા અને માટલાઓની તોડફોડ કરી હતી અને ચેતવણી આપી હતી કે જો હવે દારૃનુ વેચાણ થશે તો ખેર નથી. આશ્ચર્યની વાત એ છે કે આટલી મોટી ઘટના બની હોવા છતા પાવીજેતપુર પોલીસને જાણ જ નથી અને બુટલેગરોને બચાવવા માટે પોલીસ ખુદ મેદાનમા ઉતરી હોવાનુ ચર્ચાઇ રહ્યુ છે. શિથોલ ગામની મહિલાઓનો રોષ ફાળી નિકળ્યો તે પહેલા એક ઘટના બની હતી. જેમા ગામના મઢી ફળીયામા રહેતો એક દારૃડીયો બુધવારે રાત્રે ગામના જ એક અડ્ડા પર ચિક્કાર દારૃ ઢિંચીને ઘરે આવ્યો. જે બાદ પત્ની સાથે જમવાનુ બનાવવાની બાબતે તકરાર કરી અને પછી નશામા ધુત દારૃડિયાએ પત્નીને માર મારવા લાગ્યો હતો. જેના કારણે પત્નીએ બુમાબુમ કરતા આસપાસની મહિલાઓ દોડી આવી હતી. જો કે દરેક ઘરમા આ દ્રશ્ય સામાન્ય હતુ એટલે મહિલાઓએ દારૃડીયાને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ દારૃડિયો દાદાગીરી પર ઉતરી આવતા મહિલાઓ આખરે વિફરી હતી અને વાત ગામમા પ્રસરી જતાં આખા ગામની મહિલાઓ એકઠી થઇ ગઇ હતી.
પછી તો મોરચો મંડાણો અને મહિલાઓઓ નક્કી કર્યુ કે આજે રાત્રે જ ગામમાથી દારૃની બદીને દૂર કરી દેવી એટલે હાજર સો હથિયારની જેમ લાઠીઓ લઇને રણચંડીઓ નિકળી પડી અને ગામમા જ્યા જ્યા દારૃના અડ્ડાઓ હતા ત્યા જઇને તોડફોડ કરી નાખી લાઠીઓ સાથે ધસી આવેલી મહિલાઓને જોઇએ અડ્ડા પર મહેફીલ માણતા દારૃડીયાઓ અને બુટલેગરોમા નાશભાગ મચી ગઇ હતી અને બુટલેગરો તો ગામ છોડીને ફરાર થઇ ગયા હતાં.
ઉલ્લેખનિય છે કે માત્ર શિથોલ ગામમા જ નહી પરંતુ પાવીજેતપુર તાલુકા સહિત સમગ્ર પુર્વપટ્ટીમના દારૃનુ દુષણ કેન્સરની માફક ફેલાઇ ગયુ છે. પોલીસને આ દુષણ બંધ કરવામા રસ નથી. દારૃડીયાઓ અને તેના પરિવારોનુ જે થવુ હોય તે થાય પરંતુ તેમને ગમતા બુટલેગરોનો ધંધો ચાલુ રહેવો જોઇએ તેવી નિતી અપનાવવામા આવી રહી છે. એટલે જ શિથોલ ગામે આટલી મોટી ઘટના બની હોવા છતાં પોલીસ દ્વારા બુટલેગરો સામે કોઇ પગલા લેવાયા નથી.
સ્ત્રોત: ગુજરાત સમાચાર
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/14/2020
0 રેટિંગ્સ અને 0 comments
તારાઓ ઉપર રોલ કરો પછી રેટ કરવા માટે ક્લિક કરો.
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.