નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા સાબરકાંઠાના કતપુર નજીક આવેલા ટોલનાકા પર તેના સંચાલક દ્વારા આ વિસ્તારની 12 વિકલાંગ મહિલાઓને રોજગારી આપવામાં આવી રહી છે. અહીં બધા મળી 60 કર્મચારીઓ ત્રણ પાળીમાં ફરજ બજાવે છે. ટોલનાકાના સંચાલક મહાવીર સિંહ પુવારના જણાવ્યા અનુસાર, દેશમાં નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા વર્ષ 2006માં 308થી વધુ ટોલનાકા બનાવાયા છે. જેમાં કતપુર ટોલપ્લાઝાનો ટોલ ઉઘરાવવા ટેન્ડર પદ્ધતિથી ઇજારો અપાયો છે.
ટોલપ્લાઝાના સંચાલકે જણાવ્યું કે, જરૂરમંદ વિકલાંગ મહિલાઓ રોજગારીની શોધમાં આવે છે ત્યારે તેમની પાસેથી તેમના માતા-પિતા અથવા તો પતિની સંમતી લેખિતમાં લેવાય છે. કોમ્પ્યુટરનું જ્ઞાન હોવુ જરૂરી છે. મહિલાઓની સલામતી માટે ટોલનાકા પર સીસીટીવી કેમેરા ગોઠવાયા છે. જો કોઇ વાહન ચાલક મહિલાની મશ્કરી કરે તો તરત જ તેને પોલીસ સ્ટેશનમાં મોકલી દેવામાં આવે છે.
ટોલપ્લાઝાના સંચાલકે જણાવ્યું કે, મહિલાઓ માત્ર એક શીફ્ટમાં 8થી 4 સુધી ફરજ બજાવે છે. બાકી પુરુષો ફરજ બજાવે છે. મહિલાઓને નોકરીમાં રાખવી તેવો કોઇ આદેશ નથી. પરંતુ ટોલપ્લાઝાની આસપાસ 4-5 કિ.મી.ના વિસ્તારમાં ગ્રામ્ય વિસ્તારમાં ભણેલી ગણેલી યુવતીઓ હોય અને તેની જાતે આવ-જા કરી શકતી હોય તો તેને રોજગારીની તક મળે છે.
મારી દીકરી પરિવારનો મોભ બની છે
આ અંગે સેજલ મકવાણાના પિતાને પૂછતાં જણાવ્યું કે, સેજલ મારી દીકરી નહીં પણ કમાઉ દીકરો છે. ભલે તે વિકલાંગ હોય પણ મારા ઘરનો મોભ બની છે. તે લગ્ન કરવાની ના પાડે છે. તે પીઠ પાછળના ભાગથી વિકલાંગ છે. પણ સહેલાઈથી ચાલી શકે છે. અમૂક સમય અમો પણ ફરજ પર છોડી આવીએ છીએ,
પરિવારનો આધારસ્તંભ, આને અબળા કહેવાય?
શેખ તબસુમ સાજીદમીયા (પ્રાંતિજ) પરિણીત છે. બે બાળકો છે. પતિ પ્રાઈવેટમાં ડ્રાઈવરની નોકરી કરે છે. ટોલપ્લાઝા પર સાત વર્ષથી ફરજ બજાવું છું. મારા પતિની સંમતીથી આ નોકરી સ્વીકારી હતી.
સ્ત્રોત: દિવ્યભાસ્કર
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/19/2020