રાજ્ય સરકાર શહેરી અને ગ્રામીણ વિકાસનું સંતુલન જળવાય તે દિશામાં કાર્યરત છે.
ગુજરાતનું અર્થતંત્ર ઝડપથી વિકસી રહ્યું છે તેના પગલે રાજ્યમાં શહેરીકરણ અને આધુનિકીકરણની પ્રક્રિયા તેજ બની છે. રાજ્ય સરકારે નવી બનેલી ૧૭ નગરપાલિકાઓને અમદાવાદ, સુરત, વડોદરા અને જામનગર જેવા મહાનગરોમાં ભેળવી દીધી છે. આ નગરપાલિકાઓને મહાનગરોમાં ભેળવી દેવા પાછળનો ઉદ્દેશ શહેરી વિકાસમાં એકસૂત્રતા લાવવાનો છે. આ પગલાંના કારણે પાણી પુરવઠો, ગટર વ્યવસ્થા, રોડ, મેટ્રો રેલવે અને અન્ય સામાજિક સેવાઓનો વિકાસ થશે.
રાજ્ય સરકારે આ પ્રોજેક્ટ માટે વિશ્વ બેંક પાસેથી નાણાકીય સહાયની પણ માગણી કરી છે. રાજ્ય સરકારે ભાવનગર, જામનગર, જૂનાગઢ અને વેરાવળ જેવા શહેરોમાં માળખાગત સુવિધાઓ વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યુ છે જેથી આ વિસ્તારોમાં ઔદ્યોગિક મૂડીરોકાણને આકર્ષી શકાય.
રાજ્ય સરકારે અમદાવાદ શહેરમાં બે મેગા પ્રોજેક્ટ અમલી બનાવવાનું નક્કી કર્યુ છે. અમદાવાદ શહેરની જાહેર પરિવહન સુવિધા માટે ‘અમદાવાદ બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ'(બીઆરટીએસ) શરુ કરવામાં આવી છે, જ્યારે અમદાવાદ અને ગાંધીનગર શહેરની પરિવહન સુવિધાને ધ્યાનમાં રાખી ‘મેટ્રો રેલવે'નું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ બંને પ્રોજેક્ટ આર્થિક રીતે પરવડે તેવા બને તે હેતુથી તે તબક્કાવાર અમલી બનશે. આ પ્રોજેક્ટના કારણે આ શહેરોમાં ટ્રાફિકનો પ્રશ્ન હળવો બનશે.
રાજ્ય સરકાર, ગુજરાત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીએ સાથે મળીને બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ(બીઆરટીએસ) પ્રોજેક્ટને સફળ બનાવ્યો છે. બીઆરટીએસનું કુલ નેટવર્ક ૩૮૦ કિલોમીટર છે, જે પૈકીનું વીસ ટકા કામ ઓગસ્ટ, ૨૦૦૭માં પૂર્ણ થયું હતું, ૨૦૧૦ સુધીમાં આ પ્રોજેક્ટ પૂર્ણ થશે તેવો અંદાજ છે.
ડાયમંડ સિટી- સુરતમાં જાહેર પરિવહન માટે ‘કેનાલ બેઝ્ડ ટ્રાન્ઝિટ કોરીડોર' બને તેવું સ્વપ્ન રાજ્ય સરકારે સેવ્યું છે. સુરત શહેરના એક છેડાથી બીજા છેડા સુધી ૩૦ કિલોમીટર લાંબી કેનાલ બનાવાશે. આ ‘કેનાલ બેઝ્ડ ટ્રાન્ઝિટ કોરીડોર'ના કારણે શહેરમાં ટ્રાફિકમાં મોટી રાહત થશે. કેનાલની બંને બાજુ રોડ અને રેલવે કોરીડોર વિકસાવવામાં આવશે જેથી શહેરનો આયોજનબદ્ધ વિકાસ થશે.
પરંપરાગત રીતે વપરાતા ડિઝલ અને પેટ્રોલ જેવા ઈંધણના સ્થાને હવે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ(સીએનજી)નો વપરાશ વધારવામાં આવશે. આ ઈંધણના કારણે ગ્રાહકોની સલામતી અને સુરક્ષા વધશે. સ્વચ્છ અને પ્રદૂષણમુ્કત વાતાવરણ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે અને તેની આ પ્રતિબદ્ધતાના ભાગરૂપે જ રાજ્ય સરકારે તમામ બસ અને ઓટો રિક્ષામાં સી.એન.જીનો વપરાશ વધે તેવું વાતાવરણ સર્જ્યુ. રાજ્ય સરકારે સી.એન.જી માટે જરૂરી માળખું ઊભું કરવા જાહેર અને ખાનગી કંપનીઓની પણ મદદ લીધી છે.
સ્ત્રોત: ગુજરાત સરકાર રાજ્યનું પોર્ટલ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/18/2020