ટોડલર્સ એટલે કે પા પા પગલી કરતું બાળક. લગભગ 12 થી 36 મહિનાની વચ્ચે શીશુ પોતાના કાર્યોને જાતે કરવાનો પ્રયાસ કરે છે. એક્ટીવ હોય તે થોડું ઝડપથી શીખે છે. આ તબક્કે, માતાપિતાએ બાળકોને માત્ર તેમના માટે કામ કરવાને બદલે બાળક આ કામ સ્વયં કેવી રીતે કરી શકે તેનું પ્રત્યક્ષ નિદર્શન કરવા પર ભાર મૂકવો જોઈએ. બાળક માતા-પિતાની નકલ કરતુ હોય એ ખૂબ સામાન્ય છે. ટોડલર્સ અવનવા શબ્દોને જોડવા, પોતાની લાગણીને પ્રદર્શિત કરવી, વ્યવહારિક વર્તળુકની રીત ભાતની નકલ કરવી વિગેરે ધીરેધીરે કેળવે છે. આવી તમામ પરિસ્થિતિમાં બાળકના માતા-પિતાએ સતત તેની આદતોને કેળવવા માટે સચેત રહેવું જોઈએ.
નાના બાળકો હવે વધુ સ્વતંત્ર બની રહ્યા છે. મિત્રવર્તુળ બનાવવાની શરૂઆત કરી રહ્યા છે. વિકટ પરિસ્થિતિમાં પણ પોતાના મત અને નિર્ણયો પ્રસ્તુત કરી શકે છે. બાળકો પર સતત ધ્યાન રાખવું જરૂરી છે. માતા-પિતા પોતાના બાળકોને સામાજિક સંબંધોમાં પ્રોત્સાહિત કરી માગદર્શક બની શકે છે. બાળકને ગૃહકાર્યોમાં સહભાગી કરી ઘર પ્રત્યેની ફરજોનું અનુસરણ કરાવવું જોઈએ. અસરકારક વાતચીત, વિનમ્રતા, અન્યને સાંભળવાની શીખ, આરોગ્ય, સ્વચ્છતા અને ખાવાની આદતો વિગેરેમાં દક્ષતા રાખતા શીખવવું જોઈએ. બાળકમાંથી કિશોરાવસ્થા તરફની પ્રગતિ બાળ-વિકાસની મહત્વપૂર્ણ કડી છે. યાદરાખો – બાળક સતત મોબાઈલ કે ટીવી જોતુ થઈ જાય તે હિતાવહ નથી. બાળકના વિકાસમાં આવા ગેજેટ્સ નુક્સાનકારક ન બની જાય તેનું અવશ્ય ધ્યાન રાખો.
કિશોરાવસ્થા જીવનનો અદ્વિતિય અનુભવ હોય છે. માનસપટપર થઈ રહેલા અનેક પરિવર્તનોને કારણે કિશોરાવસ્થા ઘણી વખત જોખમી સાબિત થઈ શકે છે. માતા-પિતાથી એકલા રહેવાની ઈચ્છા થવી, નવી સ્વતંત્રતાનો અહેસાસ, સાહસના ગુણો, લાગણીવશતા, વિજાતિય આકર્ષણ વિગેરે જીવનપથ પર આગળ લઈ જવાને બદલે બાળકને ગેરમાર્ગે ન દોરી જાય તે માટે માતા-પિતા એ બાળકની કાળજી લેવી જોઈએ. તારણો કહે છેકે કિશારાવસ્થામાં બાળકની પ્રવૃત્તિ પર માતા-પિતાનો ખૂબ પ્રભાવ પડે છે. કિશારાવસ્થાથી જે બાળક પોતાનામાં એક પરિપક્વ વ્યક્તિને વિકસિત કરતા શીખે છે. એટલાં માટે જ કહેવામાં આવે છેકે એક વખત બાળક મોટું થાય એટલે તેના મા-બાપ નહી પરંતુ મિત્ર બનીને વર્તવું જોઈએ. બાળકની તમામ લાગણીઓને માતા-પિતાએ સમજીવી જોઈએ અને બાળક સાથે હકારાત્મક સંબંધ કેળવવો જોઈએ, જેથી બાળક પ્રત્યેક સારી-નરસી વાત કહેતા સંકોચ કે દ્વિધાની લાગણી ન અનુભવે. પરિસ્થિતિ કે પ્રક્રિયાનું દબાણ ન અનુભવે. પરિવાર, સંબંધો, લાગણીઓ, કેળવણી, સમ્માન, સ્નેહ અને સુખની વ્યાખ્યાઓ જો કિશોરાવસ્થાથી જ બાળક સમજી શકે તો તેના જીવનમાં તે હકારાત્મક બની સહજતાથી પ્રગતિને આવકારી શકે. જો માતા-પિતા બાળકને આ વિશે ન કેળવી શકે તો તે ગેરમાર્ગે પણ જઈ શકે છે. બાળકનો ઉછેર એક જવાબદારી હોય છે, જેને યથાયોગ્ય રીતે નિભાવવી એક મોટી ફરજ પણ છે. વર્તમાન સમયમાં બાળક વિકેન્દ્રિત થઈ વિકાસને બદલે વિનાશ તરફ ન જાય તે માટે માતા-પિતાએ સતત તેની પડખે રહેવું જરૂરી છે. નવજાતથી લઈને યુવાવય સુધી પ્રત્યેક દિવસ બાળકના વિકાસની ઉપલબ્ધી બની રહે તેનું વિશેષ કારણ માતા-પિતાની સજાગતા છે જેને આવકારી આ જવાબદારીને વધારે ઉન્નત કરી શકાય.
સ્તનપાન કરતા શિશુઓ, તૈયાર કરાયેલા (ફોર્મ્યુલા મિલ્ક)નું સેવન કરતા શિશુઓની તુલનામાં સંવેદનાત્મક રીતે વધુ મજબૂત હોય છે કેમકે સ્તનપાન કરતી વખતે તે માતાના ખોળામાં કે પડખામાં હોય છે અને માતા અને શિશુ વચ્ચે આ રીતે સતત શારીરિક સંપર્ક રહે છે. જેના કારણે માતા-શિશુ વચ્ચેનો સંબંધ વધુ મજબૂત બને છે. માતાના હાથમાં શિશુ વધુ સુરક્ષિતતા અનુભવે છે અને તેનાથી તેને જન્મ અગાઉથી જન્મ થયા પછીના જીવનમાં પણ સુરક્ષિતતાનો સતત અનુભવ થતો હોય છે અને તેને એટલા માટે માતાની સતત હાજરી પોતાની પાસે છે એવો ભરોસો ઉત્પન્ન થતો હોય છે.
સ્ત્રોત; નવગુજરાત સમય
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020