આ કાયદો પસાર કરતાંની સાથે નોકરિયાત સ્ત્રીના માતૃત્વની મહિમા કરતાં જર્મની, કેનેડા, નોર્વે તથા સ્વીડન જેવા રાષ્ટ્રોની પંક્તિમાં ભારતનું નામ પણ આવી ગયું, જે આનંદની વાત છે. સ્વીડન, નોર્વે તથા જર્મનીમાં નોકરિયાત સ્ત્રીને 60 અઠવાડિયાની પગાર સાથેની મેટરનિટી લીવ મળે છે, કેનેડા તથા યુકેમાં 50 અઠવાડિયાની મેટરનિટી લીવનો કાયદો અમલી બનેલ છે. વળી આ દેશોમાં પેટરનિટી લીવ (પિતાને મળતી રજાઓનો કાયદો) પણ છે. પ્રગતિશીલ દેશોની સાથે કદમ મિલાવવા તત્પર ભારત લગભગ બધી જ બાબતમાં અમેરિકાને મોડેલ માનીને ચાલે છે. પરંતુ આ બાબતમાં એમ ન કર્યું તે પણ એક બિરદાવવા જેવી બાબત છે. વિશ્વમાં સૌથી પ્રગતિશીલ મનાતા અમેરિકામાં સ્ત્રીના કાયદાકીય હક્કોની બાબતમાં ઉપેક્ષા સેવાય છે. અમેરિકામાં નોકરિયાત સ્ત્રીને પગાર સાથે માતૃત્વ માટે રજા મેળવવાનો કોઈ કાયદો જ નથી! અલબત્ત કપાતે પગારે સ્ત્રીને 12 અઠવાડિયાની મેટરનિટી લીવ લેવાની છૂટ ખરી. તો વળી કેલિફોર્નિયા, ન્યૂજર્સી તથા રોડ આયલેન્ડ જેવા ઉદાર મતવાદી ત્રણ અમેરિકન રાજ્યોમાં સ્ત્રીને પગાર સાથેની થોડા અઠવાડિયાની રજા મળતી થઈ છે. સ્ત્રી તેમજ તેના માતૃત્વ પ્રત્યે આ પ્રકારે ઉપેક્ષા સેવવામાં અમેરિકા વિશ્વના બે રાષ્ટ્રોમાંનું એક રાષ્ટ્ર છે. નોકરિયાત સ્ત્રીને પગાર સાથેની મેટરનિટી લીવથી વંચિત રાખનાર વિશ્વનું અન્ય એક રાષ્ટ્ર એટલે ઓમાન. પરંતુ ક્યાં અમેરિકા અને ક્યાં ઓમાન ! બંનેની કોઈ સરખામણી શક્ય જ નથી. પણ માતૃત્વ પ્રત્યેનો આ બંને દેશોનો અભિગમ એકસરખો જ છે !
નામદાર સુપ્રીમ કોર્ટના આદેશ અંતર્ગત સ્થપાયેલ યુનિવર્સિટીના વિમેન્સ ડેવલોપમેન્ટ સેલ (WDC)ના સ્થાપક ચેરપર્સન તરીકેના મારા કાર્યકાળ દરમિયાન મારે યુનિવર્સિટીમાં ભણતી કન્યાઓ તથા યુનિવર્સિટી તેમજ કોલેજો સાથે સંકળાયેલ વિવિધ સ્તરની મહિલાઓના પ્રશ્નોને પ્રત્યક્ષ સાંભળવા, પરખવા તથા ન્યાયપૂર્ણ નિર્ણય લેવાનો મોકો મળ્યો. આ સમય દરમિયાન સ્ત્રીને કેવા અકલ્પનીય સૂક્ષ્મ તેમજ સ્થૂળ અન્યાયો થતા હોય છે તે મેં નજરે જોયું. માન્યામાં ન આવે તેવી ફરિયાદોનો નિકાલ આ વર્ષો દરમિયાન કરવાનું બન્યું.
એક વખતની વાત છે. ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમાં દસેક વર્ષથી વ્યાખ્યાતાની નોકરી કરતા લગભગ બત્રીસેક વર્ષના મહિલા પ્રોફેસર મનીષાબહેને (નામ બદલેલ છે) વિમેન્સ ડેવલપમેન્ટ સેલની ઓફિસમાં પ્રત્યક્ષ હાજર થઈને લેખિત ફરિયાદ આપી. ફરિયાદ નોંધાવતી વખતે તેઓ પ્રેગ્નેનન્ટ હતાં. તેમની આ બીજી પ્રેગ્નન્સી હતી. પહેલી પ્રેગ્નન્સી તથા બાળકના જન્મ વખતે તેમના ઘણા પ્રયત્નો તથા લેખિત અરજીઓ છતાં તેમની કોલેજના પ્રિન્સિપાલે સભાનતેમને મેટરનિટી લીવ આપી ન હતી. મેટરનિટી લીવની તેમની અરજી સાથે આ બહેને પોતાના લગ્નનું સર્ટિફિકેટ બીડવું અનિવાર્ય હતું તેમ મૌખિક રીતે જણાવીને પ્રિન્સિપાલશ્રીએ અરજી દફતરે કરી દીધેલી. રજા માટે અરજદાર વ્યાખ્યાતા બહેન પાસે એવું કોઈ લગ્ન સર્ટિફિકેટ ન હતું તે બાબતની જાણ ફક્ત પ્રિન્સિપાલ જ નહીં પરંતુ સમગ્ર સ્ટાફને હતી. આ બહેન પોતાના પ્રેમી સાથે લીવ-ઈન રિલેશનશિપ ધરાવતા હતા. જે બાબત કોલેજના બધા પુરુષોને આંખમાં કણાની જેમ ખૂંચતી હતી. મેડમ વાત નૈતિકતાની ન હતી, વાત તો હતી સ્ટાફના પુરુષોની લોલુપતાની. ‘પેલા સાથે રહે છે તો અમારો શો બાધ છે/’ આવા ટોણા મારે સતત સાંભળવા પડતા હતા. તો વળી સ્ટાફની બહેનોને મારી અદેખાઈ ઘણી. ડબલ્યુડીસીની ઓફિસમાં આવેલ ફરિયાદી બહેન બોલી રહ્યા હતા. મેટરનિટી લીવના મારા હક્કની મને જાણ હતી અને તોય હું લાચાર હતી. કોલેજે મને રજા ન જ આપી. છેવટે મારે કપાતે પગારે રજા લેવી પડી. અને બાળકના જન્મના દસેક દિવસમાં જ હું કોલેજમાં હાજર થઈ ગઈ. તેમને શાંતિથી સાંભળી રહેલ મેં પ્રશ્ન કર્યો, ‘કોલેજના આવા ગેરકાનૂની અસભ્ય વર્તન સામે તમે વિરોધ કેમ ના કર્યો /’ પેલા બહેન સહેજ શરમાઈ ગયા અને પછી બોલ્યા, ‘વિરોધ શું કરે મેડમ / તે લોકો લગ્નનું સર્ટિફિકેટ માગતા હતા. ને મારી પાસે સર્ટિફિકેટ ક્યાં હતું તે કંઈ બોલું /’ બેનનો સામાજિક સંકોચ તથા નૈતિક મૂલ્યોની પરિભાષા તેમને નડ્યા. વાત આગળ ચાલી. મેં તેમને પૂછ્યું, ‘પહેલા બાળકના જન્મ વખતે તમે અન્યાય સહન કરી લીધો તો હવે આ વખતે વિરોધ કરવાનું ક્યાંથી સૂઝ્યું/ તમારી પારિવારિક પરિસ્થિતિ તો યથાવત છે/’ ‘હા મેડમ પણ આ વખતે ડબલ્યુડીસી છે ને! અમારી કોલેજમાં જે કામ કોઈ ન કરે તે મને સોંપવાનું તેવો પ્રિન્સિપાલશ્રીનો મત છે. એટલે યુનિવર્સિટીએ ડબલ્યુડીસી માટે કોલેજના પ્રતિનિધિનું નામ મંગાવ્યું ત્યારે મને પૂછ્યા વગર પ્રિન્સિપાલશ્રીએ મારું નામ આપી દીધું. યુનિવર્સિટીનો સરક્યુલર આવે એટલે ત્રણ કલાક બસમાં બેસીને અમદાવાદ આવીને વર્કશોપ્સ ભરવા પડશે, આ બાબતનો મારા મનમાં ઘણો રોષ હતો. પરંતુ પ્રથમ વર્કશોપે જ મારું જીવન બદલી નાખ્યું!કમાલ થઈ ગઈ! મારા જેવી કેટલી બધી વિવિધ કોલેજોની વ્યાખ્યાતા બહેનોને મળવાનું બન્યું. જે બાબતો ગામડાની કોલેજમાં ઉચ્ચારી પણ ન શકાય તેની મોકળા મને વાત કરવાની તક અહીં મળી. મને મારા હક્ક પ્રત્યેની જાગૃતતા એ વર્કશોપ દરમિયાન થઈ. સમજાઈ ગયું કે ડબલ્યુડીસી જેવી સંસ્થારૂપે યુનિવર્સિટી તેમજ ભારતીય સુપ્રીમ કોર્ટ ખુદ અન્યાયનો શિકાર બનેલ સ્ત્રીની પડખે છે. આવી સમજણ પડતાંની સાથે મારામાં હિંમત આવી. અને એ સમજણ પડતાની સાથે મેં ફરિયાદ નોંધાવવાનો નિર્ણય કર્યો
ડબલ્યુડીસીના નિયમો પ્રમાણે ઉપરોક્ત બાબત ફરિયાદ નિવારણ કમિટી સમક્ષ મૂકાઈ. આ તો હળહળતો અન્યાય હતો. ફરિયાદી બહેનની ફરિયાદમાં તથ્ય છે એ બાબત બધા સભ્યોએ સ્વીકારી અને આ ફરિયાદ એડમિટ કરવામાં આવી. ‘ફરિયાદ નિવારણ કમિટી’ના આદેશ મુજબ ફરિયાદી બહેનના પ્રિન્સિપાલશ્રીને લાગતા-વળગતા ડોક્યુમેન્ટ સાથે સુનાવણી માટે પ્રત્યક્ષ હાજર રહેવાનો પત્ર લખાયો. બેએક વખત ગાપચી માર્યા પછી છેવટે લાચાર પ્રિન્સિપાલશ્રી હાજર થયા તથા કમિટીની સામે ફરિયાદી બહેનની પ્રથમ પ્રેગ્નન્સી વખતે કરેલ તેમનો નિર્ણય કેટલો પવિત્ર તથા નીતિમત્તાપૂર્ણ હતો, તેમજ ફરિયાદી વ્યાખ્યાતા બહેન કેવા ‘પાપીણી’ છે, ઇત્યાદિ વાતો તેમણે કરી. વળી ડબલ્યુડીસીએ આવી ‘પાપીણીના પાપના ભાગીદાર ન થવાય’ તેવી સલાહ પણ વડીલની અદાથી તેઓએ કમિટીને આપી. એટલું જ નહીં એ પ્રિન્સિપાલશ્રીએ તેઓશ્રી જે બોલ્યા હતા તે અર્થના સ્વહસ્તે લખાયેલ ડોક્યુમેન્ટ પણ રજૂ કર્યા. ‘અનીતિપૂર્ણ જીવન જીવતી પેલી ફરિયાદી બહેનને સમાજે તથા યુનિવર્સિટીએ પાઠ ભણાવવો જોઈએ’ તેવું મંતવ્ય તેમણે રજૂ કર્યું.
સમગ્ર કેસના બંને પક્ષોના પુરાવા તથા બયાનોને ધ્યાનમાં રાખીને કમિટીના માનનીય સભ્યોએ સર્વાનુમતે કરાયેલ પોતાનો નિર્ણય સંભળાવ્યો. ગર્ભવતી સ્ત્રીના ચારિત્ર્ય સાથે સંસ્થાને કોઈ લેવાદેવા હોઈ શકે નહીં. કોઈ પણ ગર્ભવતી સ્ત્રીને પગાર સાથેની મેટરનિટી લીવ આપવા માટે એ સ્ત્રી ગર્ભવતી છે તેવા મેડિકલ સર્ટિફિકેટ સિવાય બીજા કોઈ સર્ટિફિકેટની જરૂર હોતી નથી. ફરિયાદી બહેનને તેમની પ્રથમ પ્રસૂતિ વખતે તેમના હક્કની રજા ન આપીને કોલેજે અન્યાયપૂર્ણ નિર્ણય કર્યો હતો ,જેને માટે કોલેજના પ્રિન્સિપાલશ્રીએ તે બહેનની લેખિત માફી માગવાની રહેશે. એટલું જ નહીં તેમની આ વખતની પ્રેગ્નન્સી દરમિયાન સાથ-સહકાર તેમજ નિયમ પ્રમાણેની પગાર સાથેની મેટરનિટી લીવ પણ આપવાની રહેશે. થોડા સમય બાદ એ બહેનના પત્ર દ્વારા જાણવા મળ્યું કે તેમની આ વખતની મેટરનિટી લીવ પગાર સાથે મંજૂર કરવામાં આવી હતી. આ વાત જાણી અમને ખૂબ આનંદ થયો.
આ ઘટના અહીં ચર્ચીને તે દ્વારા એક અગત્યનો પ્રશ્ન કરવો છે. સરકાર સ્ત્રીને હક્કો આપી શકે, તેના માટે કાયદા ઘડી શકે, પણ તે કાયદાઓનું અમલીકરણ કરાવવા માટેની સભાનતા તથા સજ્જતા તો નોકરિયાત સ્ત્રીએ જ કેળવવા પડશે ને? વસવસો એ વાતનો થાય છે કે એક સુશિક્ષિત, મોટો પગાર મેળવતી, વ્યાખ્યાતા સ્ત્રી ચારિત્ર્યની વાત આવતાંની સાથે એવી ગભરાઈ ગઈ કે તે એક સામાન્ય પ્રશ્ન સુદ્ધાં ન કરી શકી કે મેટરનિટી લીવને મેરેજ સર્ટિફિકેટ સાથે શો સંબંધ ?
તા.ક. 26 અઠવાડિયાની મેટરનિટી લીવના કાયદાનું તો સ્વાગત હોય જ, પરંતુ તેનું અમલીકરણ નોકરિયાત સ્ત્રીની જાગૃતતા પર જ નિર્ભર રહેવાનું છે, તે વાત આપણે બધાએ યાદ રાખવા જેવી છે.
લેખક : ડો. રંજના હરીશ
સ્ત્રોત: નવગુજરાત સમય
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/7/2020