પરિણીત સ્ત્રીઓ પર સાસરિયાંમાં ઘણો ત્રાસ ગુજારવામાં આવતો હોય છે. તેનાં કારણો ઘણાં હોઈ શકે. જેમ કે, સ્ત્રીને બાળકો ન થાય તો ત્રાસ આપવો, સંતાનમાં પુત્રપ્રાપ્તિ ન થાય તો ત્રાસ આપવો, સ્ત્રી ન ગમે તેમજ મા-બાપના ઘરેથી પૈસા ન લાવે તો ત્રાસ આપવો. ત્રાસ એટલે મેણાંટોણા મારવાં, ખરાબ વર્તન કરવું અને શારીરિક માર મારવો. આવા કિસ્સાઓ જ્યારે ખૂબ વધી ગયા છે ત્યારે સ્ત્રીના રક્ષણ માટે ૧૯૮૩માં ભારતીય ફોજદારી ધારામાં કલમ ૪૯૮(એ)નો ઉમેરો કરવામાં આવ્યો. આ કલમની જોગવાઈ મુજબ કોઈ પણ વ્યક્તિ જે કોઈ સ્ત્રીના પતિ કે પતિનાં સગાં હોય તે તેવી સ્ત્રી પ્રત્યે ક્રૂરતા આચરે અને તે ગુનો પુરવાર થાય તો તે વ્યક્તિને ત્રણ વર્ષ સુધીની કેદની સજા તથા દંડ બંને થાય.
આ કલમમાં સૌથી અગત્યનો શબ્દ છે 'ક્રૂરતા'. આ કલમ પ્રમાણે ક્રૂરતાની વ્યાખ્યા એટલે પતિ કે તેનાં સગાંવહાલાં દ્વારા ઈરાદાપૂર્વક કરેલ એવા પ્રકારનું વર્તન જે સ્ત્રીને આત્મહત્યા કરવા પ્રેરે અથવા સ્ત્રીના શરીરને ગંભીર પ્રકારની ઈજા પહોંચાડે અથવા એવો માનસિક કે શારીરિક ત્રાસ ગુજારે કે જેથી સ્ત્રીનું આરોગ્ય, જિંદગી અથવા શરીરનો કોઈ અવયવ ભયમાં મુકાય. ત્રાસ એટલા માટે ગુજારાતો હોય છે કે સ્ત્રી અથવા તેનાં કોઈ સગાં જેમ કે, મા-બાપ કે ભાઈ દબાણથી કોઈ મિલકત કે કીમતી દસ્તાવેજ માટેની કોઈ પણ ગેરકાયદેસરની માંગણી પૂરી કરે. આવી ક્રૂરતા કે ત્રાસ માનસિક કે શારીરિક હોઈ શકે છે. કેટલીક વાર સ્ત્રીને સતત અપમાનિત કરવામાં આવતી હોય છે જેમ કે, સ્ત્રીને મેણાંટોણાં મારી માનસિક ત્રાસ આપવામાં આવતો હોય છે. પતિ તેની સાથે સહવાસ કરવાનો ઈન્કાર કરતો હોય, સાસુ અને નણંદ દ્વારા સતત અપમાનિત થતી હોય, પુત્ર સંતાનને જન્મ નથી આપી શકતી તેવાં મેણાંટોણાં સહન કરતી હોય, તેના ચારિત્ર્ય વિશે જેમ ફાવે તેમ ટોણાં મારતા હોય તો આ બધાં જ કૃત્યોને ક્રૂરતા ગણી લેવામાં આવે છે. આ કલમ માત્ર પતિ કે તેના સગાંને જ લાગુ પડે છે.
અગત્યની વાત છે કે આ કલમમાં પતિનાં સગાં કોણ તે જણાવેલ નથી, પરંતુ સામાન્ય રીતે પતિનાં સગાંમાં પતિનાં માતા-પિતા, બહેન, ભાભી વગેરેનો સમાવેશ થાય છે એટલે ૪૯૮(ક) નીચેની ફરિયાદ જ્યારે થતી હોય છે ત્યારે તેમાં ત્રાસ ગુજારનારામાં બધાં જ સગાંનો સમાવેશ કરવામાં આવતો હોય છે. ઘણાં કેસમાં કોર્ટે ઠરાવ્યું છે કે પરિણીતાને ઘરની ચાર દીવાલોમાં જ ત્રાસ આપવામાં આવે છે તેથી તેમાં ઘરના બધા જ સદસ્યો વિરુદ્ધ ફરિયાદ થઈ શકે તે સ્વાભાવિક છે. આ કલમ પ્રમાણે સ્ત્રી પ્રત્યે ક્રૂરતા આચરવામાં આવી હતી તેવું અનુમાન ના કરી શકાય. ત્રાસ આચરેલો તે સાબિત કરવું જરૂરી છે.
સ્ત્રોત: ડો. અમી યાજ્ઞિક (લેખિકા જાણીતાં ધારાશાસ્ત્રી છે.), લો ફોર લેડીઝ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/4/2020