অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

વિકલાંગ વિધવા બહેનોને મકાન બાંધકામ માટે સહાય

સામાજિક ન્‍યાય અને અધિકારીતા વિભાગના ઠરાવ ક્રમાંકઃઅપગ-૧૦ર૦૦૭-ન.બા.ર૧-છ.૧, તા.૩૧-૩-૦૮ થી વિકલાંગ વિધવા બહેનોને મકાન બાંધકામ માટે રૂ..૪૦,૦૦૦/- મકાન સહાય આપવાની યોજના મંજુર કરવામાં આવેલ છે.

રાજયની વિકલાંગ વિધવા બહેનોની પરિસ્‍થિતિ ધ્‍યાને લઇ તેઓ સમાજમાં સન્‍માનપૂર્વક જીવી શકે તે હેતુથી ૪૦ ટકા કે તેથી વધુ દરેક કેટેગરીની વિકલાંગતા ધરાવતી વિધવા મહિલાઓને આવાસ સહાય યોજના તરીકે લાભ આપવામાં આવે છે.

યોજનાનો હેતુ

ખાસ કરીને વિકલાંગ વિધવા મહિલાઓને સમયબધ્‍ધ રીતે તબકકાવાર પાકા આવાસો પુરા પાડવામાં આવશે.

યોજનાની પાત્રતાની મુખ્ય શરતો

  • ૧૮ વર્ષની ૬૦ વર્ષ સુધીની ઉંમરની વિકલાંગ (દરેક કેટેગરીની વિકલાંગ વિધવા મહિલા જે ૪૦ ટકા કે તેથી વધુની વિકલાંગતા ધરાવે છે. તેવા બહેનોને ફકત એક જ વખત આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર રહેશે.
  • ગ્રામ પંચાયતના ચોપડે મકાન તરીકે નોંધાયેલ હોય તો પણ તદૃન કાચુ, ગાર-માટીનું, ધાસ પુળાનું કુબા ટાઇપનું મકાન જે રહેઠાણ માટે યોગ્‍ય ન હોય તે ધરાવનાર વિકલાંગ વિધવા મહિલાઓને પણ આ યોજનાનો લાભ મળવાપાત્ર છે.એટલે કે ઇંટ, પત્‍થર, સીમેંટ જેવી પાકા મકાનની વ્‍યાખ્‍યામાં આવતુ મકાન ન હોય તેવી વ્‍યકિતને આ લાભ મળવાપાત્ર થશે.
  • અરજદારના નામે કે તેમના સ્‍વર્ગસ્‍થ પતિના નામે ગ્રામ પંચાયત/ રેવન્‍યુ/ સીટી સર્વેના અથવા અન્‍ય સક્ષમ કચેરીના દફતરે જમીનનો પ્‍લોટ નોંધાયેલ હોવો જોઇશે અને અરજદાર વ્‍યકિત તેનો કબજો ભોગવટો ધરાવતી હોવી જોઇએ.તેના માટે મિલ્‍કતવેરો ભરવાની પાવતી રજુ કર્યેથી માલિકીની ખાત્રી કરવાની રહેશે.
  • રેવન્‍યુ/ સીટી સર્વે વગેરેમાં જમીનનો પ્‍લોટ નોંધાયેલ ન હોય તો પણ જો રજીસ્‍ટર દસ્‍તાવેજોથી નોંધાયેલ હોય તો મિલ્‍કત તબદીલ થઇ હોય તેવા જમીનના પ્‍લોટના કબજેદાર વિકલાંગ વિધવા મહિલાને આ સહાય મળવાપાત્ર થશે.
  • શહેરી વિસ્‍તારોમાં શહેરી ગરીબો માટે અન્‍ય યોજના નીચે નિયત ધોરણો અનુસાર ખુલ્‍લો પ્‍લોટ ધરાવનાર વિકલાંગ વિધવા મહિલાને પણ આ સહાય મળવાપાત્ર થશે.
  • વારસાઇથી મિલ્‍કત પ્રાપ્‍ત કરેલ હોય અને તે અંગે રેવન્‍યુ/ સીટી સર્વે રેકર્ડમાં નોંધ ન થઇ હોય પરંતુ કુલ મિલ્‍કત ધારણ કરનાર તથા તેના વારસદારો આવી જમીન ઉપર મકાન બાંધવા માટેની જો સંમતિ આપતા હોય તો આવા પ્રત્‍યક્ષ કબજો ધરાવનાર વારસદાર અરજદારને પણ આ સહાયનો લાભ આપી શકાય.
  • અરજદાર જે સ્‍થળે મકાન બનાવવાના હોય તે શહેરી/ ગ્રામ્‍ય વિસ્‍તારમાં સળંગ પ વર્ષથી વસવાટ કરતા હોવા જોઇએ.
  • આ યોજના હેઠળ અથવા અન્‍ય વિભાગ હસ્‍તકની ગ્રામ ગૃહ નિર્માણ યોજના/ ડો.આંબેડકર આવાસ યોજના, પંડિત દીનદયાલ ઉપાધ્‍યાય આવાસ યોજના, સરદાર આવાસ યોજના કે સરકારશ્રીની આવાસો માટેની કોઇપણ ખાતાની યોજના હેઠળ લાભ મેળવેલ ન હોવો જોઇએ. આ માટે અરજદારે લેખિત બાંહેધરી આપવાની રહેશે. (કુદરતી આફતોમાં મળતી કેશડોલ્‍સ કે મરામત સહાયનો તેમાં સમાવેશ થશે નહિ).
  • વિકલાંગ વિધવા એટલે પતિના અવસાન અંગેનો દાખલો જેમાં પતિના મૃત્‍યુની તારીખ દર્શાવેલ હોય તેવો સક્ષમ અધિકારીનો દાખલો રજુ કરવાનો રહેશે.
  • વિકલાંગતા અંગે જિલ્‍લા સિવિલ સર્જનશ્રી ધ્‍વારા કાઢી આપવામાં આવેલ અધિકૃત વિકલાંગતાનું પ્રમાણપત્ર અને તે આધારે જિલ્‍લા સમાજ સુરક્ષા અધિકારીએ કાઢી આપેલ વિકલાંગ ઓળખપત્ર માન્‍ય રહેશે.
  • આ યોજનામાં કુટુંબની વ્‍યાખ્‍યામાં પોતે, પોતાના બાળકો અથવા સાવકા બાળકો તેમજ માતા પિતા કે સાસુ, સસરા જેઓ તેમની સાથે રહેતા હોય તેનો સમાવેશ થશે.

સહાયનું ધોરણ

  • આ યોજના હેઠળ મકાન સહાયની રકમ રૂ.૪૦,૦૦૦/- (અંકે રુપિયા ચાલીસ હજાર પુરા) રહેશે.
  • આ યોજના હેઠળ મકાન સહાયનું ચુકવણું ત્રણ હપ્‍તામાં કરવાનું રહેશે.
  • મકાન સહાયની રપ ટકા રકમ પ્રથમ હપ્‍તા તરીકે ચુકવવામાં આવશે.અરજી મંજુર કર્યેથી હપ્‍તાની રકમ ચુકવવાની રહેશે.
  • સહાયની રકમના બીજા હપ્‍તા પેટે પ૦ ટકા રકમ છત સુધીનું બાંધકામ પૂર્ણ થવાનું પ્રમાણપત્ર રજુ કર્યેથી ચુકવવાની રહેશે (આ પ્રમાણપત્ર અનુ. ૭ માં જણાવેલ શરત પૈકીના સક્ષમ અધિકારીનું આપવાનું રહેશે).
  • મકાન સહાયનો છેલ્‍લો અને ત્રીજો હપ્‍તો બાંધકામ પૂર્ણ થયાનું પ્રમાણપત્ર રજુ થયેથી ચુકવવામાં આવશે.
  • ત્રીજા હપ્‍તાની રકમ ચુકવવા માટે મકાન પૂર્ણ થયા બાદ ગ્રામ્‍ય વિસ્‍તારમાં તાલુકા પંચાયતના ઓવરશીયર, અધિક મદદનીશ ઇજનેર અને શહેરી વિસ્‍તારમાં રાજય સરકાર, મ્‍યુનિસિપલ કોર્પોરેશન, નગરપાલિકાના નાયબ મદદનીશ ઇજનેર કે આ હેતુસર સરકારે યથા પ્રસંગે નકકી કરેલ સક્ષમ સતાધિકારી કે તેના ઉપરી અધિકારીનું મકાન પૂર્ણ થયાનું પ્રમાણપત્ર રજુ કરેથી ત્રીજા હપ્‍તાની રકમ ચુકવવાની રહેશે.
  • સંબધિત જિલ્‍લામાં મળતી અરજીઓ પૈકી ગ્રાન્‍ટની મર્યાદામાં આવતી હોય તેટલી જ અરજીઓ મંજુર કરવાનું ધોરણ રાખવામાં આવેલ છે.
  • ગરીબી રેખા નીચે જીવતા/ નબળી આર્થિક સ્‍થિતિ ધરાવતા અરજદારોને સહાય મંજુર કરવામાં અગ્રતા આપવાની રહેશે.

મકાન પૂર્ણ કરવાની સમય મર્યાદા

અરજી મંજુર થયાની તારીખથી બે વર્ષમાં મકાન પૂર્ણ કરવાનું રહેશે.સમય મર્યાદામાં મકાન પૂર્ણ ન કરનાર લાભાર્થી પાસેથી મકાન સહાયના અપાયેલ હપ્‍તા પરત વસુલ કરવાની જવાબદારી સંબધિત જિલ્‍લા સમાજ સુરક્ષા અધિકારીની રહેશે.ખાસ અપવાદરુપ અનિવાર્ય સંજોગોમાં આ સમય મર્યાદામાં વ્‍યાજબી છુટ મુકવાની સત્‍તા યોગ્‍ય કારણો નોંધીને જિલ્‍લા સમાજ સુરક્ષા અધિકારી ધ્‍વારા આપી શકાશે.

યોજનાનું અમલીકરણ અને અહેવાલ

  • આ યોજનાનો અમલ સંબધકર્તા જિલ્‍લા સમાજ સુરક્ષા અધિકારીએ કરવાનો રહેશે.ઠરાવમાં નિયત કરાયેલ શરતો અને જોગવાઇઓ પ્રમાણે લાભાર્થીઓ લાભ મેળવવાને પાત્ર છે કે કેમ તેની પુરી ચકાસણી જે તે જિલ્‍લા સમાજ સુરક્ષા અધિકારીએ કરવાની રહેશે.
  • મકાન સહાયની માંગણી માટે આવતી અરજીઓ તેના ક્રમ પ્રમાણે ગોઠવી, ગરીબી રેખા હેઠળ જીવતા અરજદારોની અરજીઓ હોય તો ગરીબી રેખાના નોંધણી નંબર ચકાસી અગ્રતાક્રમે મંજુર કરવાની રહેશે.
  • વ્‍યકિતગત ધોરણે મકાન સહાય યોજનાનો અમલ કરતા મકાનના બાંધકામ, ડીઝાઇન સંબધે શકય હોય ત્‍યાં સુધી સરદાર પટેલ આવાસ યોજનાના મંજુર થયેલ અંદાજો અને ધોરણોનો અમલ કરવો.જે માટે સરકારશ્રીના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના વખતોવખતના ઠરાવોથી નકકી થયેલ ધોરણો અપનાવવા. આમ છતાં આ યોજના સિધ્‍ધ થાય તે નજર સમક્ષ રાખીને અરજદારે ધારણ કરેલ જમીન અંગેની સ્‍થાનિક સ્‍થળ સ્થિતિ લક્ષમાં લેવી, તે જ રીતે મંજુર કરાયેલ નકશા મુજબનું મકાન બનાવ્‍યું હોય અને માપ સાઇઝમાં આંશિક ફેરફાર જણાય તેવા કિસ્‍સામાં લાભાર્થીને બીન જરુરી નુકશાન ન થાય તે માટે મકાનમાં થયેલ ખર્ચ અને મકાન પૂર્ણતા અંગેના પ્રમાણપત્રના આધારે વ્‍યવહારુ નિર્ણય લેવાનું અધિકારીએ જોવુ.
  • સરદાર પટેલ આવાસ યોજનાની સુધારેલી જોગવાઇ મુજબ આર.સી.સી. સ્‍લેબને બદલે મેંગ્‍લોરી નળીયાના ઢળતા છાપરાવાળા મકાનોના કિસ્‍સામાં પણ આ યોજનામાં સહાય આપી શકાશે.
  • આ યોજના હેઠળ બંધાતા મકાનો પૈકી પ્રતિવર્ષ ઓછામાં ઓછા પ ટકા મકાનોનું આકસ્‍મિક સ્‍થળ નિરીક્ષણ કરી તેની યોગ્‍યતા અંગેનો અહેવાલ સરકારને મોકલવાનો પ્રબંધ નિયામક, સમાજ સુરક્ષા ખાતાએ કરવાનો રહેશે.
સ્ત્રોત: નિયામક, સમાજ સુરક્ષા

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/24/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate