অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

વીમેન વીથ ડિસેબિલિટિઝ ઇન્ડિયા નેટવર્ક (ડબ્લ્યુડબ્લ્યુડીઆઈએન)

વીમેન વીથ ડિસેબિલિટિઝ ઇન્ડિયા નેટવર્ક (ડબ્લ્યુડબ્લ્યુડીઆઈએન)

વિકલાંગતા ધરાવતી મહિલાઓએ સંગઠિત થઈને 'ધ વિમેન વીથ ડિસેબિલિટિઝ ઇન્ડિયા નેટવર્ક' નામના સ્વતંત્ર મંચની રચના કરી છે. આ જૂથની શરૂઆત 'શાંતા મેમોરિયલ રિહેબિલિટેશન સેન્ટર' (એસએમઆરસી) દ્વારા કરવામાં આવી હતી. સંગઠનના સભ્યો, ભારત તથા આંતરરાષ્ટ્રીય સ્તરે વિકલાંગતા ધરાવતી મહિલાઓએ વેઠવી પડતી મુશ્કેલીઓના ઉકેલ માટે 20-25 વર્ષથી કાર્યરત છે. હાલના તબક્કે દેશભરમાં આ સંગઠનના આશરે 500 સભ્યો છે અને તે વિકલાંગતા ક્ષેત્રમાં આગેવાની લઈ રહ્યા છે. અહિંસક, ન્યાયપૂર્ણ અને સમાન વિશ્વ રચવાના ઉદ્દેશ્ય સાથે સંગઠિત થઈને, જાતિગત પ્રશ્નો પર કામ કરવું એ આ નેટવર્કનું ધ્યેય છે.

આ નેટવર્કની પ્રથમ બેઠક નવી દિલ્લી ખાતે પહેલી ઑક્ટોબર, 2012ના રોજ યોજાઈ હતી. તે બે સ્તરે કામ કરી રહ્યું છે:

  • ડબ્લ્યુડબ્લ્યુડીઆઈએન પ્લૅટફોર્મ તરીકે, જ્યાં મહિલાઓ તેમના વિચારોનું આદાન-પ્રદાન કરે છે અને પગલાં ભરવાં જરૂરી હોય તેવા કિસ્સામાં ઝડપી કામગીરી કરે છે.
  • ડબ્લ્યુડબ્લ્યુડીઆઈએન કરીને ઇન્ટરનેટની સુવિધા ન ધરાવતી હોય તેવી મહિલાઓ પણ તેમના વિચારો રજૂ કરી શકે અને જરૂરી પગલાં ભરી શકાય તે જરૂરી છે. તે સંબંધિત પ્રશ્નો પરની વિગતો એકઠી કરવા માટે એક વર્ષ કરતાં વધુ સમયથી દેશભરમાં બેઠકો યોજવામાં આવે છે.

સભ્યો

આ ક્રોસ ડિસેબિલિટિ (બધી જ પ્રકારની વિકલાંગતા ધરાવતી મહિલાઓ) નેટવર્ક છે. તે વિકલાંગતા ધરાવતી મહિલાઓ (ડબ્લ્યુડબ્લ્યુડી) સાથે અને તેમના દ્વારા સંચાલિત છે. અન્ય મહિલાઓ સહયોગી-સભ્યો તરીકે કામ કરે છે, તેઓ નિર્ણય લેવાની કે મતદાન કરવાની સત્તા ધરાવતાં નથી. જાતિ, વર્ગ, જ્ઞાતિ, શહેર કે ગામ, પ્રાંત કે વિકલાંગતાનો ભેદભાવ રાખ્યા વગર તેઓ ડબ્લ્યુડબ્લ્યુડી સાથે કામ કરે છે.

નેટવર્કની કામગીરીની ચર્ચા કરવાની સાથે-સાથે જૂથે નીચેની બાબતમાં વિગતો પૂરી પાડી છે:

'નેશનલ ઍલાયન્સ ઑફ વીમેન્સ ઑર્ગેનાઇઝેશન્સ'ની આગેવાની હેઠળ ભારતમાં મહિલાઓ દ્વારા 'સીઈડીએડબ્લ્યુ ઇન્ડિયા ઑલ્ટરનેટિવ રિપોર્ટ' તૈયાર કરવામાં આવ્યો છે. તેમાં ભારતમાંથી ભાગ લેનારી મહિલાઓનાં નામ આ મુજબ છે: માલિની છીબ, ભાર્ગવી દાવર, મેરી બરુઆ, અનિતા ઘાઈ, શાંતિ, અલુખા, અંજલી અગ્રવાલ, રત્નબલિ રાય, રાધિકા એન. અલ્કાઝી, જીજા ઘોષ, મીનાક્ષી બી., ઇન્દુમતી રાવ, મધુ સિંઘલ, શિબાની ગુપ્તા, સંધ્યા લિમાયે, મંજુલતા પાન્ડા, વી. જાનકી, ઉષા મહાજન, રીના મોહન્તિ, સીમા બૅંકર, સાગરિકા સાહૂ, સુનિતા દેવી, સુઝેટ જે. ટિટ્સ, સુદીપ્તા મિશ્રા, દીપા સોનપાલ, કિન્નરી દેસાઈ, રીના જૈન, રજની ખંડેલવાલ, કેતના મહેતા, નીતા પંચાલ.

  • ફોજદારી કાયદાને બદલવા માટે દિલ્લીમાં યુવાન મહિલા પર બળાત્કારની ઘટના બાદ સ્થપાયેલા વર્મા પંચના અહેવાલમાં સૂચનો પૂરાં પાડવામાં આવ્યાં.
  • વિશ્વ બૅન્કે ભારતમાં કાયદા અનુસારના પહોંચના સિદ્ધાન્તોનું અનુસરણ ન કર્યું ત્યારે પગલાં ભર્યાં.
  • સુશ્રી રશિદા મંજૂ એસઆરવીએડબ્લ્યુએ (યુએન સોશ્યલ રિપોર્ટિયર ઓન વાયોલૅન્સ અગેઈન્સ્ટ વીમેન) ભારતમાં યોજેલી છ બેઠકો પૈકીની દિલ્લી, મુંબઈ, ચેન્નઇ અને ઇમ્ફાલ ખાતેની (ચાર) બેઠકોમાં તેમને મળ્યાં.
  • આંતરરાષ્ટ્રીય સ્તરે બીજાં નેટવર્ક સાથે વાર્તાલાપ કર્યો.
  • ડ્રાફ્ટ બિલ 2014ની હિમાયતની કામગીરી દિલ્લીમાં સંસદગૃહ સાથે ચાલી રહી છે.

સીઈડીએડબ્લ્યુ માટેનો અહેવાલ

વિકલાંગતાગ્રસ્ત મહિલા (ડબ્લ્યુડબ્લ્યુડી)ને લગતા મુદ્દાઓનો સમાવેશ કરવાની તાકીદની જરૂરિયાત પર ભાર મૂકવાના ઉદ્દેશ્યથી અમે આ અહેવાલ તૈયાર કર્યો છે. ભારત સરકારે 1993માં સીઈડીએડબ્લ્યુને અને 2007માં યુએનસીઆરપીડીને મંજૂરી આપી છે. બંને સંમેલનો વિકલાંગતાગ્રસ્ત છોકરીઓ તથા મહિલાઓના હક્કો અંગે પરસ્પરને મજબૂત કરે છે. તેથી આ અહેવાલમાં સીઆરપીડી અને સીઈડીએડબ્લ્યુ હેઠળ દાખવવામાં આવેલી પ્રતિબદ્ધતાઓ પર સીઈડીએડબ્લ્યુ સમિતિ પાસેથી માહિતીની અપેક્ષાઓને સામેલ કરવામાં આવશે.

કાનૂની માળખું: પ્રગતિ અને અમલીકરણ

ભારતના બંધારણનો અનુચ્છેદ-41, જે રાજ્યની નીતિના માર્ગદર્શક સિદ્ધાન્તોનો એક ભાગ છે, તે 'વિકલાંગતા'નો એવી સ્થિતિ તરીકે સ્પષ્ટપણે ઉલ્લેખ કરે છે, જે માટે રાજ્યએ શિક્ષણ, કાર્ય વગેરે સહિતની નિશ્ચિત બાબતોમાં સહાય પૂરી પાડવા માટેનો પ્રયત્ન કરવાનો રહે છે.

જોકે, ભારતીય બંધારણના મૂળભૂત હક્કો પરના અનુચ્છેદ-15 હેઠળ વિકલાંગતાનો ઉલ્લેખ અસમાનતાના પ્રતિબંધિત ધોરણ તરીકે ન કરવામાં આવ્યો હોવા છતાં સુપ્રિમ કૉર્ટે વિકલાંગતા (ક્ષતિગ્રસ્તતા) ધરાવનારી વ્યક્તિઓ (પીબ્લ્યુડી)ને એવા વંચિત જૂથ તરીકે ઓળખાવી છે, જેમને સમાનતાના સિદ્ધાન્તો સમાન રીતે લાગુ પડે છે. પરંતુ, પ્રવર્તમાન કાનૂની તંત્રમાં ભારતમાં ડબ્લ્યુડબ્લ્યુડીને હાંસિયામાં ધકેલી દેવાયાં છે. કાયદાની જોગવાઈઓની અંદર નિશ્ચિત ઉલ્લેખ વિના, અને કાયદાના અમલીકરણ અને અર્થઘટન એ બંનેમાં ડબ્લ્યુડબ્લ્યુડીની ઉપેક્ષા કરવામાં આવે છે.

વિગતોનો અભાવ

(સીઈડીએડબ્લ્યુ જીઆર 9, સેશન 8, 1989 અને સીઆરપીડી 3)

સરકારી અને બિન-સરકારી એ બંને સ્રોતો પાસેથી મળતી માહિતીમાં વિકલાંગતા અને જાતિ એ બંને અંગેની નહિવત્ વિગતો મળે છે. સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ, રાષ્ટ્રીય પરિવાર આરોગ્ય સર્વે જેવા રાજ્યના રૂટિન વિશાળ માહિતી એકત્રીકરણના પ્રયાસોમાં વિકલાંગતાને સમાવિષ્ટ કરવામાં આવતી નથી. 2001ની વસતિ ગણતરી અને નેશનલ સેમ્પલ સર્વે 2002માં વિકલાંગતા અંગેની પ્રાપ્ય વિગતો, વિકલાંગતાની સમસ્યા અને તેના જાતિગત પ્રભાવો અંગે મર્યાદિત સમજ પૂરી પાડે છે. ડબ્લ્યુડબ્લ્યુડી વિરુદ્ધ હિંસાનું ઊંચું પ્રમાણ હોવા છતાં સરકાર દ્વારા મેળવવામાં આવતા એનસીઆરબી ડેટામાં તેનો ઉલ્લેખ કરવામાં આવતો નથી. શાળામાં બાળકોને દાખલ કરાવવા અંગેના આંકડાઓમાં ક્ષતિગ્રસ્ત (વિકલાંગ) બાળકો અંગેની વિગતો અને ડેટાના જાતિગત વર્ગીકરણનો સદંતર અભાવ જોવા મળે છે. 'માનવ સંસાધન વિકાસ મંત્રાલય' દ્વારા હાથ ધરવામાં આવતા દેશભરના અને જિલ્લાઓના સર્વેમાં પણ વિકલાંગતા ધરાવનારા વિદ્યાર્થીઓને સમાવિષ્ટ કરતી નોંધ જોવા મળતી નથી.

ભેદભાવ

અનુચ્છેદ-2 (સીઈડીએડબ્લ્યુ), અનુચ્છેદ-3 અને 6 (સીઆરપીડી)

નીતિના સ્તરે, વિકલાંગતા કેન્દ્રિત અને જાતિ કેન્દ્રિત કાર્યક્રમો અને નીતિઓમાં ડબ્લ્યુડબ્લ્યુડીની ઉપેક્ષા કરવામાં આવે છે.

નીચેનાં ક્ષેત્રોમાં નિશ્ચિત જોગવાઈ નથી:

  • શિક્ષણ અને રોજગારીમાં વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓ માટે 3 ટકાની જોગવાઈ.
  • ધ પર્સન્સ વિથ ડિસેબિલિટિઝ (પીડબ્લ્યુડી) અધિનિયમ, 1995 અનુસાર ગરીબી નાબૂદીના તમામ કાર્યક્રમોમાં વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓને 3 ટકાની ફાળવણી ફરજિયાત છે.
  • રાઈટ ટુ ઍજ્યુકેશન (આરટીઈ) અને રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંયધરી યોજના (એમજીનરેગા) જેવા ફ્લૅગશિપ કાર્યક્રમો.
  • આયોજનની પ્રક્રિયા કે જાતિગત અંદાજપત્રની નીતિમાં ડબ્લ્યુડબ્લ્યુડીનો કોઈ અલગ વિભાગ નથી.

કાયદા સમક્ષ સમાનતા

અનુચ્છેદ 15 (સીઈડીએડબ્લ્યુ) અને અનુચ્છેદ 12 (સીઆરપીડી)

ડબ્લ્યુડબ્લ્યુડીને હજી સુધી વાસ્તવિક ધોરણે અને અધિકાર પ્રમાણેની સમાનતા પ્રાપ્ત થઈ નથી. વિકલાંગતાનું કાયદાકીય માળખું કાનૂની ક્ષમતા પર એક પણ અધિકાર ધરાવતું નથી. કૌટુંબિક કાયદાઓ (ફેમિલી લૉ)નો મોટો ભાગ અસ્થિર મગજની વ્યક્તિઓ વિશે, વારસાને લગતો, લગ્નજીવનને લગતો હોય છે. રિપ્રેઝન્ટેશન ઑફ પિપલ્સ ઍક્ટ, 1950માં, મનો-સામાજિક વિકલાંગતા ધરાવનારી વ્યક્તિને મતદાનનો મૂળભૂત અધિકાર આપવામાં આવ્યો નથી. આ પૈકીના કેટલાક કાયદાઓ સરમુખત્યારશાહી ગાર્ડિયનશિપ જોગવાઈઓ ધરાવે છે. વસિયતનામું બનાવવું એ મહિલાઓ માટે, અને તેમાંયે ડબ્લ્યુડબ્લ્યુડી માટે સમસ્યારૂપ છે, કારણ કે વસિયતનામું બનાવવા માટે તેમની સામે કેટલીક શરતો મૂકવામાં આવે છે: 1. મૂક અને બધિર કે અંધ હોય તેવી વ્યક્તિ ત્યારે જ વસિયત બનાવી શકે, જ્યારે તે પોતે જાણતી હોય કે તે શું કરી રહી છે. 2. પાગલ વ્યક્તિ વસિયત બનાવી શકે નહીં.

રાજકીય અધિકારો

અનુચ્છેદ 7 અને સીઆરપીડી અનુચ્છેદ 29

બંઘારણમાં 'અસ્વસ્થ મગજ' અંગેની કોલમમાં મનોવૈજ્ઞાનિક-સામાજિક, બૌ૱૱દ્ધક અને સ્વલીનતા (ઑટિઝમ) જેવી નિશ્ચિત વિકલાંગતા ધરાવનારા પુરુષો અને મહિલાઓને મતદાનના અધિકારની મનાઈ ફરમાવવામાં આવી છે. રિપ્રેઝન્ટેશન ઑફ પિપલ્સ ઍક્ટ, 1950 આવી વ્યક્તિઓને મતાધિકાર માટે અને ચૂંટણીમાં ઊભા રહેવા માટે ગેરલાયક ઠરાવે છે. અધિનિયમ, 1950 હેઠળ આ અસમાનતાને દૂર કરવા માટે કોઈ પ્રયાસ કરવામાં આવ્યો નથી. સ્થાનિક સરકારમાં ભાગ્યે જ એવા ડબ્લ્યુડબ્લ્યુડી છે, જે મહિલાઓ માટે 50 ટકા બેઠકો સુનિશ્ચિત કરતા હોય.

2001ની વસતિ ગણતરીમાં, વિકલાંગતા ધરાવનારી મોટાભાગની વ્યક્તિઓ નિરક્ષર હોવાનું માલૂમ પડ્યું હતું. ફક્ત એક તૃત્યાંશ કરતાં થોડાં જ વધુ ડબ્લ્યુડબ્લ્યુડી (37 ટકા) સાક્ષર હતાં. સૌ માટે શિક્ષણ પરના ભારતના મુખ્ય કાર્યક્રમ 'સર્વ શિક્ષા અભિયાન'માં શાળાએ ન જનારી 30 ટકા છોકરીઓ વિકલાંગતા ધરાવતી હતી. શિક્ષણના અધિકાર હેઠળ ક્ષતિગ્રસ્તતા ધરાવનારી છોકરીઓની પ્રગતિ સાધવામાં આવી હોય એવા કોઈ નક્કર પુરાવા નથી.

એક કરતાં વધુ ક્ષતિ ધરાવનારી, બૌદ્ધિક વિકલાંગતા ધરાવનારી, બોલવાની અને સાંભળવાની વિકલાંગતા ધરાવનારી છોકરીઓને શાળામાં દાખલ કરવાનું અને તેમને શિક્ષણ પૂરું પાડવાનું પ્રમાણ સૌથી નીચું હોવાનું માલૂમ પડ્યું છે. મુખ્યત્વે પ્રત્યાયનમાં અડચણો અને શિક્ષણ માટે સાનુકૂળ વાતાવરણનો અભાવ જેવાં કારણો જવાબદાર છે. ડબ્લ્યુડબ્લ્યુડીને પણ તેમનાં અન્ય ભાઈ-બહેનોની માફક સમાન ધોરણે શિક્ષણ આપવું જરૂરી છે તેવી જાગૃતિનો પણ પરિવારોમાં અભાવ જોવા મળે છે. સલામત પરિવહનના વિકલ્પોના અભાવે વિકલાંગ છોકરીઓ ભાગ્યે જ શાળા સુધી પહોંચી શકે છે. ઉપરાંત, શાળામાં શૌચાલયો તથા અન્ય જરૂરી સુવિધાઓનો અભાવ પણ વિકલાંગ છોકરીઓના શિક્ષણ આડે મોટો અવરોધ ઊભો કરે છે. વળી, ગામડાંઓમાં શૌચાલયોનો અભાવ વિકલાંગ છોકરીઓની જાતીય સતામણીમાં પરિણમે છે. સબળા જેવી યોજનાઓ વિકલાંગ છોકરીઓ માટે ખાસ જોગવાઈ ધરાવતી નથી.

કાર્ય અને રોજગારી

અનુચ્છેદ 11 (સીઈડીએડબ્લ્યુ) અને અનુચ્છેદ 27 (સીઆરપીડી)

ડબ્લ્યુડબ્લ્યુડીને વાસ્તવિક અર્થમાં સક્ષમ અને સશક્ત બનાવવા માટે તેમને આર્થિક સ્વતંત્રતા મળે તે જરૂરી છે. જોકે, તેમને ઉત્પાદન કાર્ય કરવા માટે અસક્ષમ અને સમાજ માટે બોજારૂપ ગણીને મુખ્ય પ્રવાહની કાર્યશક્તિમાંથી તેમને બાકાત રાખવામાં આવે છે. ઘણાં લોકો ડબ્લ્યુડબ્લ્યુડીને ગૃહિણી તરીકેની પરંપરાગત ભૂમિકા માટે અયોગ્ય તેમ જ મજૂરી કામ કરનાર કામદારની નવી ભૂમિકા માટે અયોગ્ય સમજે છે (સીઈડીએડબ્લ્યુ અનુચ્છેદ - 5નું ઉલ્લંઘન). વધુમાં તેમનામાં બુદ્ધિમત્તાનો અભાવ હોવાની માનસિકતા, કાર્ય બજારમાં તેમના વિકાસ અને તકોને રૂંધે છે.

2001ની વસતિ ગણતરી મુજબ, 15 અને 59 વર્ષની વચ્ચેના વયજૂથના વિકલાંગતા ધરાવનારા એક તૃત્યાંશ કરતાં વધુ (36 ટકા) પુરુષો અને આશરે બે તૃત્યાંશ (68 ટકા) ડબ્લ્યુડબ્લ્યુડી, બિન-કામદાર (નોન વર્કર્સ) હોવાનું માલૂમ પડ્યું હતું. તેની સામે સામાન્ય વસતિમાંથી ફક્ત 19 ટકા પુરુષો અને 60 ટકા મહિલાઓ બિન-કામદારો હોવાનું જાણવા મળ્યું હતું. વિકલાંગતા ન ધરાવનારાં સ્ત્રી-પુરુષોની તુલનામાં વિકલાંગતા ધરાવતાં પુરુષો અને સ્ત્રીઓનો રોજગારી દર નીચો છે. વ્યવસાયિક તાલીમના સંદર્ભમાં મહિલાઓનું પ્રમાણ ગંભીર સ્તરે નીચું છે. (ર્વલ્ડ બૅન્ક, 2009: 104).

વર્તમાન 'વિકલાંગતા કાનૂની માળખું' ડબ્લ્યુડબ્લ્યુડીની કામ કરવાની ક્ષમતાઓને ઓળખ અપાવવામાં પણ નિષ્ફળ રહ્યું છે. ફરિયાદોની તપાસ કરનારા અધિકારી (વિકલાંગતા માટેના રાષ્ટ્રીય અને રાજ્ય કમિશનર)ને કરવામાં આવતી મોટાભાગની ફરિયાદો વિકલાંગો માટેના ક્વૉટા માટેની વિશેષ જોગવાઈઓ પૂર્ણ ન થવા સંબંધિત, પ્રમોશન સંબંધિત, ઍપોઈન્ટમેન્ટ વગેરેને લગતી હોય છે

આરોગ્ય

અનુચ્છેદ-12 (સીઈડીએડબ્લ્યુ) અને અનુચ્છેદ 25 (સીઆરપીડી)

સીઆરપીડીનો અનુચ્છેદ 25 ભેદભાવ રહિત આરોગ્ય સંભાળ, પ્રજોત્પાદન અધિકારો, આરોગ્ય વીમો, આરોગ્ય સંબંધિત સુધારણા અને જાહેર આરોગ્ય કાર્યક્રમો મેળવવાની સમાન પહોંચની સુવિધા પૂરી પાડે છે. ભારતમાં વિકલાંગતા સ્વયં પીડબ્લ્યુડી માટે આરોગ્યને લગતો ચિંતાનો મુખ્ય વિષય છે.

સરકાર ધીમે-ધીમે આરોગ્ય ક્ષેત્ર પરની પકડ ઢીલી કરી રહી છે. પરિવારની અંદર જ સંસાધનોની અન્યાયપૂર્ણ વહેંચણી, આરોગ્યની મૂળભૂત સુવિધાઓ સુધીની પહોંચનો અભાવ વગેરેના કારણે ડબ્લ્યુડબ્લ્યુડીની સ્થિતિ વધુ કથળે છે. ડબ્લ્યુડબ્લ્યુડીની આર્થિક સ્થિતિ અત્યંત કંગાળ હોય છે, કારણ કે વિકલાંગતા ન ધરાવતી હોય તેવી મહિલાઓની તુલનામાં વિકલાંગતા ધરાવતી મહિલાઓનું વિધવા થવાનું પ્રમાણ ચાર ગણું વધારે જોવા મળે છે. તેના પરથી આરોગ્યની સંભાળના અભાવનો ખ્યાલ આવે છે. એટલું જ નહીં, વિકલાંગતા ક્ષેત્રમાં પણ, આરોગ્ય સંબંધિત સેવાઓની પહોંચ અને ઉપયોગના સંદર્ભમાં જાતિગત તફાવત સ્પષ્ટ નજરે ચઢે છે. સારવારની સેવાઓ અને મદદ તથા સાધનોની વહેંચણીની 5હોંચ અંગેની વિગતો પરથી એ સાબિત પણ થયું છે.

બળજબરીપૂર્વક અટકાયત અને સારવાર

મનોવૈજ્ઞાનિક-સામાજિક અને બૌદ્ધિક (માનસિક) વિકલાંગતા ધરાવનારી મહિલાઓ સૌથી વધુ વંચિત હોવાથી મહિલાઓના અધિકારો એ મુખ્ય સમસ્યા છે. 'મેન્ટલ હૅલ્થ ઍક્ટ 1987' પ્રમાણે મનોવૈજ્ઞાનિક-સામાજિક વિકલાંગતા ધરાવનારી મહિલાઓની સારવારમાં, સારવારની સંમતિના મામલે રાજ્ય હજી પણ 'અસક્ષમ' રહ્યું છે. પુરુષોને પ્રારંભિક તબક્કામાં સારવાર માટે હૉસ્પિટલ કે આશ્રય સ્થાનમાં દાખલ કરવામાં આવે છે, જ્યારે મહિલાઓની માંદગી વધારે તીવ્ર બને, ત્યાર બાદ જ તેમને દાખલ કરવામાં આવે છે. સારવાર પછી મહિલાઓને ભાગ્યે જ ઘરે પરત લાવવામાં આવે છે. છેતરપિંડી કરીને બંધનમાં રાખવા ઉપરાંત, ઇલેક્ટ્રો-કન્વલ્સિવ થેરેપી (ઇસીટી) દ્વારા શૉક ટ્રિટમેન્ટની વિપરીત અસરો થતી હોવા છતાં તેનો દુરુપયોગ કરવામાં આવે છે.

બળજબરીપૂર્વક કુટુંબ નિયોજન, ગર્ભપાત અને યુથનેસિયા

સંસ્થાઓમાં અને પરિવાર દ્વારા બળજબરીપૂર્વક કુટુંબ નિયોજન (સ્ટરિલાઈઝેશન) એ માનવ હક્કના મામલે ચિંતાનો વિષય છે (ફડકે, 1994). સીઈડીએડબ્લ્યુ જીઆર નં. 24(1999) હોવા છતાં સંમતિ વગરના કુટુંબ નિયોજન (સ્ટરિલાઈઝેશન) પર પ્રતિબંધ ફરમાવતી કોઈ કાનૂની જોગવાઈ નથી.

ગર્ભાવસ્થા અને પ્રસૂતિ બાદની સંભાળ સંબંધિત કુટુંબ નિયોજનની સેવાઓમાં ડબ્લ્યુડબ્લ્યુડીને ભાગ્યે જ સામેલ કરવામાં આવે છે. ગર્ભનિરોધક સુધીની તેમની પહોંચ તેમની પસંદગી અનુસાર પ્રાપ્ય નથી હોતી. આ ગર્ભનિરોધકોનો બિન-સંમતિજન્ય ઉપયોગ કરવાથી તેમના શરીર પરના તેમના અધિકારનો ભંગ થાય છે.

પીસીપીએનડીટી અધિનિયમ (1994, 2003) સેક્સ સિલેક્શન પર પ્રતિબંધ મૂકે છે, ત્યારે વિકલાંગતાના આધારે તે પસંદગીની છૂટ આપે છે, જે સામાજિક ધોરણે અસ્વીકૃત છે, કારણ કે તે યુથેનેસિયા (અસાધ્ય રોગમાં સહજ મરણ નીપજાવવું) પર આધારિત છે, તેથી આ કાયદામાં બદલાવ જરૂરી છે.

હિંસા અને પજવણી-સીઈડીએડબ્લ્યુ

તમામ સ્તરની હિંસા એ ડબ્લ્યુડબ્લ્યુડી માટે વ્યક્તિગત અનુભવ તરીકે અને માળખાકીય વાસ્તવિકતા તરીકે ચિંતાનો ગંભીર મુદ્દો છે, જે તેમને જીવનના તમામ તબક્કે અન્યાયી પુરવાર થાય છે. હિંસાના પ્રશ્ને ગંભીર પ્રશ્નો સંસ્થા અને ઘર એમ બંને ક્ષેત્રોએ જોવા મળે છે:

સંસ્થાની અંદર હિંસા

વિકલાંગતા ધરાવતી છોકરીઓ અને મહિલાઓના માટે સંસ્થાઓમાં માનસિક આરોગ્ય સુવિધા કેન્દ્રો, કેર હોમ, રહેવાની સગવડ ધરાવતી હૉસ્ટેલ, હાફવે હોમ, નિરાશ્રિતો માટેનાં રહેઠાણો, વિશિષ્ટ જરૂરિયાતો ધરાવનારાં બાળકો માટેનાં જુવેનાઇલ હોમ, વ્યવસાયિક તાલીમ સંસ્થાઓ અને ધાર્મિક સ્થળોનો સમાવેશ થાય છે. આ સ્થળોની અંદર થતી હિંસામાં બંધન, ગંદકી, સાર્વજનિક બાથરૂમ, ખાસ કરીને માસિક ધર્મ દરમિયાન કપડાંની સગવડ ન હોવી, શારીરિક પજવણી અને જાતીય હિંસાનો સમાવેશ થતો હોય છે તથા તેનું પુનરાવર્તન પણ થતું રહેતું હોય છે.

વધુમાં, દેખરેખની જોગવાઈનો લગભગ અમલ થતો જ નથી. આમ, ખાનગી એકમો દ્વારા સંચાલિત સંસ્થાઓમાં સ્ટાફનું ઉત્તરદાયિત્વ અને રાજ્યની જવાબદારી ઘટી જતી હોય છે. જ્યાં માનસિક-સામાજિક વિકલાંગતા ધરાવનારી સ્ત્રીઓને પ્રાર્થના અને મેલી વિદ્યા દ્વારા સારવાર માટે લઈ જવાતી હોય તેવાં ધર્મસ્થળોએ રાજ્યની જવાબદારી અને ઉત્તરદાયિત્વનો સદંતર અભાવ હોય છે.

મૅન્ટલ હૉસ્પિટલમાં આચરવામાં આવતી જાતીય હિંસાની નોંધ લેવાતી નથી. ત્યાં સારવાર હેઠળ રખાયેલી મહિલાઓ સાથે આચરવામાં આવતી અન્ય માનસિક અને શારીરિક હિંસાની પણ નોંધ લેવામાં આવતી નથી. વધુમાં, હિંસા પ્રત્યે અધિકારીઓ, સ્ટાફ અને કાળજી લેનારાઓની અસંવેદનશીલતા સમસ્યાને વધુ ગંભીર બનાવે છે.

ઘરની અંદર હિંસા

તમામ મહિલાઓ વિરુદ્ધ ઘરમાં આચરવામાં આવતી હિંસાના પ્રશ્ન પર ધ્યાન આપવા માટે ઘરેલૂ હિંસા અધિનિયમ, 2005 અમલી બન્યો હોવા છતાં, ડબ્લ્યુડબ્લ્યુડીએ સંબંધીઓ દ્વારા ગંભીર પ્રકારની પજવણીનો સામનો કરવો પડે છે (મલયાલમ મનોરમા, 2011). તેમાં તેમને બાંધી રાખવા, મૂળભૂત ચીજવસ્તુઓ કે સુવિધાઓ ન આપવી, એકાંતમાં રાખવા, માનસિક પજવણી, તરછોડવું વગેરેનો સમાવેશ થાય છે. વિકલાંગતાના દ્રષ્ટિકોણથી, ઘરમાં હિંસા અને સતામણીની સમસ્યાને દૂર કરવા આડેના બે અવરોધો છે, કાનૂન ફક્ત એવી જ સ્થિતિમાં કાર્યવાહી કરે છે, જ્યાં લાંબાગાળાનો સંબંધ ધરાવતા પુરુષ સભ્ય હોય જેની સાથે મહિલા પારિવારિક સંબંધમાં રહેતી હોય. તેમાં લાંબાગાળાનો સંબંધ ધરાવતી અને સંભાળ લેનાર વ્યક્૱તઓને આવરી લેવાતી નથી. તેમ છતાં પરિવારના પીડબ્લ્યુડી સભ્યના લાભ અને કાળજી માટે મૂકવામાં આવેલી મિલકત (સ્થાયી અને જંગમ) પર નિયંત્રણ મેળવવા માટે પરિવારની અંદર સતામણી અને હિંસા આચરવામાં આવતી હોય તે સામાન્ય બાબત છે.

સંઘર્ષપૂર્ણ પ્રદેશોમાં હિંસા

સંઘર્ષપૂર્ણ વિસ્તારોમાં રહેનારી ડબ્લ્યુડબ્લ્યુડી માટે હિંસાનાં પરિબળો સંઘર્ષયુક્ત વાતાવરણમાં વધુ ઉત્તેજનાસભર બને છે, અને તેઓ સહેલાઈથી સતામણી અને હિંસાના શિકાર બને છે. ગોળીબાર અને સુરંગના ખોદકામને કારણે વિકલાંગતા ઉપરાંત, ડબ્લ્યુડબ્લ્યુડીમાં પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડરનું પણ ઊંચું પ્રમાણ જોવા મળ્યું છે. અન્ય કોઈ પણ પરિસ્થિતિ કરતાં આ પરિસ્થિતિ ડબ્લ્યુડબ્લ્યુડી મહિલા માટે વધુ સમસ્યારૂપ હોય છે.

કુટુંબ જીવન અને માતૃત્વ-સીઈડીએડબ્લ્યુ

(અનુચ્છેદ 5, 12, 16), સીઆરપીડી અનુચ્છેદ 22: ગુપ્તતાનો આદર

ખાસ કરીને બૌદ્ધિક વિકલાંગતા ધરાવનારાં ઘણાં ડબ્લ્યુડબ્લ્યુડીને કુટુંબ જીવન અને માતૃત્વથી વંચિત રાખવામાં આવે છે. એટલું જ નહીં, તેમના દત્તક લેવાના અધિકાર અને સિંગલ મધરહૂડ  (એકલા હાથે બાળકનો ઉછેર)ના અધિકારનો પણ ઇન્કાર કરવામાં આવે છે. ડબ્લ્યુડબ્લ્યુડી વિશેના પરંપરાગત વિચારોને કારણે તેમને કુટુંબ જીવનથી અળગાં રાખવામાં આવે છે. ઘણી ડબ્લ્યુડબ્લ્યુડીનાં બીજી પત્ની તરીકે લગ્ન કરવામાં આવે છે, જેના કારણે લગ્નને લગતા કોઈ લાભ કે રક્ષણ માટે આવી મહિલાઓ કાનૂની રીતે દાવો કરી શકતી નથી. તેથી, લગ્ન બાદ તેમનું શોષણ થાય છે, તેમની પજવણી થાય છે અને તેમની સાથે હિંસા આચરવામાં આવે છે, જે અંગે તપાસની કોઈ વ્યવસ્થા નથી. બાળકો ધરાવનારી ડબ્લ્યુડબ્લ્યુડી મહિલાઓ પાસેથી બળજબરીપૂર્વક તેમનાં બાળકોને છિનવી લઈને બાળકોની સંભાળ અન્યને સોંપવામાં આવે છે. ઘણાં લગ્નો દહેજનાં કારણોસર થયાં હોવાથી છૂટાછેડાનું પ્રમાણ ઘણું ઊંચું છે. આ પરિસ્થિતિ ખાળવા માટે પુનર્વસવાટ અને અન્ય સુવિધાઓ પૂરી પાડવાને બદલે ઘણાં રાજ્યોએ લગ્નમાં જબરદસ્તીની શરૂઆત કરી છે.

ડબ્લ્યુડબ્લ્યુડીની લગ્નની તકો વધારવાના નામે ડબ્લ્યુડબ્લ્યુડી પર થતી હિંસામાં વધારો કરતી અનૈતિક યોજના આંચકાજનક રીતે ચાલી રહી છે. મહારાષ્ટ્ર, છત્તિસગઢ, હિમાચલ પ્રદેશ વગેરે જેવાં રાજ્યોમાં ચાલી રહેલી યોજનાઓમાં જો વિકલાંગતા ન ધરાવનારી વ્યક્તિ પીડબ્લ્યુડી સાથે લગ્ન કરે, તો વિકલાંગતા ન ધરાવતી વ્યક્તિને 5,000થી લઈને 50,000 રૂપિયા સુધીના નાણાકીય લાભો ચૂકવવામાં આવે છે. તેથી, આ નાણાકીય લાભ મેળવવા માટે ડબ્લ્યુડબ્લ્યુડીનો એક સાધન તરીકે ઉપયોગ કરવામાં આવે છે.

ગ્રામીણ મહિલાઓ

(સીઈડીએડબ્લ્યુ અનુચ્છેદ 14 અને સીઆરપીડી અનુચ્છેદ 9, 25, 26)

વિકલાંગતા ધરાવનારી 75.03 ટકા જેટલી મહિલાઓ ગ્રામીણ વિસ્તારોમાં રહે છે અને તે પૈકીની મોટા ભાગની મહિલાઓ આરોગ્યની સંભાળથી વંચિત છે અને તેમનો સાક્ષરતા દર પણ ઘણો જ નીચો છે. મોટાભાગની મહિલાઓ કૃષિ સંબંધિત પ્રવૃત્તિઓમાં કામ કરે છે, પરંતુ આ પ્રવૃત્તિઓ માટે ઑર્થોટિક્સ અને પ્રૉસ્થેટિક્સ બનાવવામાં આવતાં નથી. ગ્રામીણ વિકાસ અંગે ભારતમાં ઘણી યોજનાઓ છે, પરંતુ વિકલાંગતાના ક્ષેત્ર પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું નથી. સ્વસહાય જૂથોમાં ત્રણ ટકા અનામતની જોગવાઈ છે, પરંતુ મહિલાઓ તેનો ઉપયોગ કરે છે કે કેમ તે વિશે કોઈ માહિતી પ્રાપ્ય નથી. ગ્રામીણ વિસ્તારોમાં શૌચાલયનો અભાવ એ મુખ્ય સમસ્યા છે, જેના કારણે મહિલાઓ પર બળાત્કારનું પ્રમાણ ઘણું વધી જાય છે. જમ્મુ અને કશ્મીર, મણિપુર વગેરે જેવા પર્વતીય વિસ્તારોમાં પ્રત્યાયન મુશ્કેલ હોવાથી ત્યાં મહિલાઓ દાક્તરી સારવાર મેળવી શકતી નથી.

પહોંચ

સીઆરપીડી 'ઇન્ડિયન નેશનલ ડિસેબિલિટી ઍક્ટ, 1995' પહોંચ (પ્રાપ્યતા)ને મૂળભૂત હક ગણાવે છે. જોકે, પ્રક્રિયામાં ડબ્લ્યુડબ્લ્યુડીનો સમાવેશ ન થતો હોવાથી ન્યાય વ્યવસ્થા (ફેમિલી કૉર્ટ સહિતની અદાલતો) સુધીની પહોંચનો અભાવ પ્રવર્તે છે અને પોલીસ સ્ટેશનો પણ પહોંચની બહાર રહી જાય છે. સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય, ભારત સરકારની ધ એઇડ ઍન્ડ ઍપ્લાયન્સિઝ (એડીઆઈપી) યોજનામાં ડબ્લ્યુડબ્લ્યુડી માટે પૂરતું પરિમાણ, માપદંડો અને નિશ્ચિત વિકલ્પો નથી. દિલ્લીમાં તાજેતરમાં બનેલી બળાત્કારની ઘટનાઓ માટે અયોગ્ય આયોજન, પગપાળા જનારા મુસાફરો માટેની માળખાકીય સુવિધામાં પૂરતા પ્રકાશનો અભાવ, અંધકારભર્યાં સ્થળો અને ઇમારતોની ઊંચી દીવાલો પણ જવાબદાર છે.

સરકારી યોજનાઓ સુધીની પહોંચ મેળવવા આડે પણ ઘણી અડચણો રહેલી છે. મહિલાઓ એવી ફરિયાદ કરે છે કે યોજનાનો લાભ મેળવવા માટેના જરૂરી આધાર કાર્ડ તેમને ફાળવવામાં આવતાં નથી, કારણ કે તેમાં હાથ કે આંખ દ્વારા ઓળખ જરૂરી હોય છે.

એજન્સી

વિકલાંગતા ધરાવનારી મહિલાઓ પીડિત હોય છે, પરંતુ સાથે-સાથે તેઓ પરિવર્તનનો ચીલો પણ ચાતરે છે. આ અહેવાલમાં પ્રદાન આપનારી ચારસો મહિલાઓ પોતપોતાનાં ક્ષેત્રોમાં નેતૃત્વ સંભાળી રહી છે. શિક્ષણના ક્ષેત્રથી લઈને ગ્રામીણ સ્વ-સહાય જૂથના આગેવાન તેમ જ સ્વૈચ્છિક સંસ્થાનું વડપણ તેઓ સંભાળે છે.

સ્ત્રોત: ઉન્નતી

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 4/22/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate