વિકાસની પ્રક્રિયામાં બાકાત રહી ગયેલાં અસહાય અને છેવાડાનાં જૂથોમાં વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓ, ખાસ કરીને, આપત્તિની પરિસ્થિતિમાં સૌથી વધુ અલગ પડી ગયેલી રહે છે. વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓને આપત્તિની વધારે અસર થાય છે અને વિકલાંગતાને પરિણામે સીધી કે આડકતરી રીતે વિકલાંગ લોકોની સંખ્યામાં વધારો થાય છે. આ અંગે બહુ જ મર્યાદિત માહિતી પ્રાપ્ત થાય છે, પરંતુ પુરાવા એમ દર્શાવે છે કે વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓ રાહતની વ્યવસ્થાના ટૂંકા ગાળામાં અને પુનર્વસનના લાંબા ગાળાના કાર્યક્રમમાં, એમ બંનેમાં, સૌથી વધુ બાકાત રહી જાય છે અને છેવાડે રહી જાય છે. આ લેખમાં આપત્તિ જોખમ ઘટાડામાં વિકલાંગતાના મુદ્દાનો સમાવેશ કરવા માટે હિમાયત કરવામાં આવી છે. તેમાં હિતધારકોની ભાગીદારી દ્વારા સમાવેશ માટેના પ્રયાસો મજબૂત બને તે માટે વ્યૂહાત્મક દરમ્યાનગીરીઓમાંથી નવા વિચારો જન્મે તેવો ઉદ્દેશ રાખવામાં આવ્યો છે.
આપત્તિમાં અને કટોકટીની પરિસ્થિતિમાં માનવ સંસાધનો અને નાણાકીય સંસાધનોનો અભાવ હોય છે અને સંચાર વ્યવસ્થા ખોરંભે પડી ગઈ હોય છે. તેમાં વિકલાંગ લોકો પ્રત્યે સૌથી છેલ્લે ધ્યાન આપવામાં આવે છે, અને તેમને છેલ્લે માહિતી આપવામાં આવે છે. રાહત પૂરી પાડતાં સંગઠનો અન્ય અસ્તિત્વલક્ષી જરૂરિયાતો પર વધારે ધ્યાન આપે છે અને વિકલાંગ લોકોની જરૂરિયાતોને મોટે ભાગે અવગણવામાં આવે છે. વિકલાંગ લોકોનો આમેય કોઈ અવાજ હોતો નથી અને તેથી તેમને અવગણવામાં આવે અને તેમની સાથે ભેદભાવપૂર્ણ વ્યવહાર કરવામાં આવે એવી સંભાવના રહે છે. મહિલાઓ, છોકરીઓ, અનેક પ્રકારની વિકલાંગતા ધરાવતા લોકો અને માનસિક બીમારી ધરાવતા લોકોને સંપૂર્ણપણે અવગણવામાં આવે એવી સંભાવના રહે છે. તેમને આરોગ્ય અને શિક્ષણ જેવી સેવાઓ મળતી નથી તથા અન્ન, પાણી, સફાઈ જેવી પાયાની સવલતો પણ મળતી નથી. આ બધું તેમની શારીરિક ખામી, અવરોધો અને માહિતીના અભાવને કારણે બને છે.
વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓને સામાજિક કલંકની માન્યતા, સાંસ્કૃતિક માનસ અને માન્યતાઓને લીધે ભારે બાદબાકી અને અવહેલનાનો અનુભવ કરવો પડે છે. ભારત જેવા દેશોમાં તો તે કર્મના સિદ્ધાંત ઉપર આધારિત છે. આપત્તિની પરિસ્થિતિમાં આ વલણ વધારે જોવા મળે છે, કારણ કે સંસાધનોની અછત હોય છે અને મોટી લડાઈમાં જે ઓછા શક્તિશાળી લોકો હોય છે તેઓ હારી જાય છે. તેથી વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓ અદૃશ્ય બને છે. જેઓ વિકલાંગ છે જ અને જેઓ આપત્તિને લીધે વિકલાંગ બને છે એ બધી જ વિકલાંગ વ્યક્તિઓ આપત્તિ પછીની કામગીરીમાં ક્યાંય દેખાતી જ નથી. કટોક્ટીની સ્થિતિમાં પરિવારો અને સમુદાયો વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓને ત્યજી દે છે. તેમને સ્થળાંતર, પ્રતિભાવ અને પુન ર્સ્થાપનની પ્રક્રિયામાં સાથે રાખવામાં આવતી નથી. રાહત અને પુનર્વસનનું કાર્ય કરનારાં સંગઠનો પણ સાધનોની અછત હોવાને લીધે તેમના પર ધ્યાન આપતાં નથી અને એ સંજોગોમાં શું કરવું જોઈએ તેના વિશે તેમનું જ્ઞાન પણ મર્યાદિત હોય છે.
અનેક અભ્યાસોએ એમ સાબિત કર્યું છે કે વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓ તેમના રોજિંદા જીવનમાં અન્યાય અને ભેદભાવનો અનુભવ કરે છે, કારણ કે તેમના માટેના કાયદા અને નીતિઓનો ખરાબ અમલ થાય છે. કટોકટીની સ્થિતિમાં તો તે ચરમ સીમાએ પહોંચે છે, કારણ કે કાયદો અને વ્યવસ્થા જળવતાં નથી અને સૌએ અસ્તિત્વની લડાઈ લડવાની હોય છે. તેવા સમયે વિકલાંગ વ્યક્તિઓ સામાન્ય રીતે બાકાત રહી જાય છે. સામાન્ય રીતે, વિકલાંગ વ્યક્તિઓ માટે બજેટમાં જે નાણાં ફાળવાયાં હોય છે તેમનો પૂરતો ઉપયોગ થતો નથી તેનાથી પણ આ બાબત સાબિત થાય છે. વિકલાંગ વ્યક્તિઓ સાથે સંબંધિત કાયદાઓમાં જે તંત્રની વ્યવસ્થા કરવામાં આવી હોય છે તેમના અમલ માટે કોઈ દેખરેખની વ્યવસ્થા હોતી નથી અને તેથી અમલ થતો નથી.
વ્યવહારમાં જે દરમ્યાનગીરીઓ કરવામાં આવી છે તેના અનુભવોને આધારે અને આપત્તિઓમાં વિકલાંગ લોકોની જે સ્થિતિ થાય છે તેને આધારે અમે નીચે મુજબની વ્યૂહાત્મક દરમ્યાનગીરીઓ સૂચવીએ છીએઃ
આદર્શ બાબત એ છે કે તમામ જાહેર સ્થળો સૌને માટે પહોંચક્ષમ હોવાં જોઈએ, પણ ઘણી વાર એવું હોતું નથી. તેથી સરકાર દ્વારા બંધાયેલાં તમામ મકાનો અને ખાનગી ડેવલપરો દ્વારા બંધાતાં તમામ મકાનો વૃદ્ધો, સર્ગભા સ્ત્રીઓ, બાળકો અને વિકલાંગો એમ સૌને માટે પહોંચક્ષમ બનાવવાં જોઈએ અને તેમાં પુન-બાંર્ધકામની જરૂર હોય તો તે પણ થવું જોઈએ. તેમાં સાર્વત્રિક ડિઝાઈનના સિદ્ધાંતોને ધ્યાનમાં લેવા જોઈએ. આ કાર્યમાં સ્થપતિઓ, ડિઝાઈનરો, સરકાર, ઈજનેરો, આયોજકો, બિલ્ડરો, ડેવલપર્સ, કંપનીઓ વગેરેને સામેલ કરવાં પડે તેમ છે. તેમની સાથે વિકલાંગોને અને તેમનાં સંગઠનોને નિર્ણય પ્રક્રિયાના તમામ તબક્કે સામેલ કરવાં જોઈએ. વિકલાંગોનાં જૂથો સહિતનાં તમામ જૂથોની જરૂરિયાતો પરિપૂર્ણ થાય તે જરૂરી છે. એટલે ઢાળ ઊભો કરવાથી જ પહોંચનું કામ શરૂ થાય અને પૂરું થાય એવું ના બને. તેમાં લિફ્ટ, સંકેતો, કેડીઓ, અરીસાઓ, બારીઓ, રમત-ગમત અને મનોરંજન માટેના વિસ્તારો, વટેમાર્ગ અને ક્રોસિંગ, પરિવહનની વ્યવસ્થા વગેરેનો સમાવેશ થવો જોઈએ.
આપત્તિનું જોખમ ઘટાડવાના વિવિધ તબક્કા એટલે કે રાહત, પુનર્વસન, નિવારણ અને આપત્તિના સામનાની તૈયારીમાં વિવિધ પ્રકારની વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓની જરૂરિયાતો વિવિધ પ્રકારની હોય છે. દરેક તબક્કે, દરેક પ્રકારની વિકલાંગ વ્યક્તિઓ અને તેમનાં સંગઠનોને સામેલ કરવાં જોઈએ. તેમની સામેલગીરી, આયોજન, દેખરેખ અને નીતિ નિર્ધારણમાં હોવી જોઈએ કે જેથી તેમની જરૂરિયાતો પરિપૂર્ણ થઈ શકે. આ તમામ વિકલાંગોમાં દૃષ્ટિની ક્ષતિ ધરાવતા લોકો, સંપૂર્ણપણે અંધ વ્યક્તિઓ, બહેરાશ ધરાવતી વ્યક્તિઓ, બોલવાની અક્ષમતા ધરાવતી વ્યક્તિઓ, સેરિબ્રલ પાલ્સી અને વ્યક્તિઓ વગેરે સૌનો સમાવેશ થાય. તેમને સૌને નિર્ણય પ્રક્રિયામાં સામેલ કરવા જોઈએ.
વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓ શિક્ષણથી વંચિત રહે છે અને સંચાર માટે તેમને જુદાં સાધનોની પણ ઘણી વાર જરૂર પડે છે. આપત્તિની આગોતરી જાણકારી વિકલાંગો સુધી પહોંચે તે માટે સંશોધન કરવાની જરૂર છે અને એ જાણકારી એવી રીતે અપાવી જોઈએ કે જેથી તે તમામ પ્રકારની વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓ સુધી પહોંચે. બ્રેઈલ લિપિમાં, ટૅક્ટાઈલ નકશાઓમાં, દૃશ્ય-શ્રાવ્ય સાધનો અને સંકેતોમાં, સાંકેતિક ભાષામાં, મોટા અક્ષરોમાં આ માહિતી પહોંચાડવી જરૂરી બને છે કે જેથી એ આસાનીથી વાંચી શકાય અને સમજી શકાય. આમાંની ઘણી બધી સામગ્રી વિકલાંગ લોકોનાં સંગઠનો સાથે વિચાર-વિમર્શ કરીને વિકસાવવી જોઈએ, કે જેથી આપત્તિ દરમ્યાન એનો ઉપયોગ પણ આસાનીથી થઈ શકે. વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓ અને તેમના પરિવારોને આગોતરી ચેતવણીની વ્યવસ્થાનો તો લાભ મળવો જ જોઈએ, પણ સાથે સાથે તેમને રાહત સેવાઓ અને તબીબી સહાય પણ ઉપલબ્ધ થવી જોઈએ. ઉપરાંત, તેમને માનસિક-સામાજિક સલાહ અને સંભાળ તથા તે માટે જરૂરી સાધનો પણ મળવાં જોઈએ. ઘણી વાર આપત્તિ દરમ્યાન એ સાધનો તૂટી જાય અથવા નાશ પામે એવું બને છે અને તેથી તે તેમને ફરીથી ઉપલબ્ધ થવાં જોઈએ. તેમને વળતરનાં પૅકેજ, રાહત શિબિરો, હંગામી આશ્રયસ્થાનો અને કાયમી નિવાસો વગેરે વિશેની માહિતી પણ મળવી જોઈએ. સમુદાયમાં રાબેતા મુજબની પ્રવૃત્તિઓમાં તેઓ સામેલ થવા જોઈએ. તેમને ઔપચારિક તથા અનૌપચારિક શિક્ષણ મળવું જોઈએ અને જીવનનિર્વાહની તકો મળવી જોઈએ. આ બધું પણ ત્યારે જ શક્ય બને કે જ્યારે તેમને સમયસર એ બધા વિશે માહિતી મળે. જો આ માહિતી અને સેવાઓ ના મળે તો વિકલાંગ લોકો ફરી એક વાર વધુ ગરીબીમાં ધકેલાઈ જાય છે અને પછી તેમના પુનર્વસન માટે વધુ પ્રયાસોની જરૂર પડે છે.
હજુ સુધી વિકલાંગતાના મુદ્દાને તબીબી અભિગમથી જ જોવામાં આવે છે કે જેમાં માત્ર શારીરિક ખામી દૂર કરવાનો કે સુધારવાનો જ સમાવેશ થાય છે. પરિણામે, આરોગ્ય ક્ષેત્રના નિષ્ણાતો અને ચિકિત્સકોનું જ તેમાં વર્ચસ્વ રહે છે. વિકલાંગ લોકોની જરૂરિયાતો, તેમનાં હિતો અને તેમની આકાંક્ષાઓ માનવીય હોય છે અને અન્ય મનુષ્યો જેવી જ હોય છે. રાહત, પુનર્વસન, આપત્તિના સામનાની તૈયારી અને લાંબા ગાળાની આપત્તિ જોખમ ઘટાડાની યોજનાઓ અને તમામ કાર્યક્રમોમાં વિકલાંગ લોકોનો તથા મહિલાઓનો સમાવેશ થવો જોઈએ. ત્યારપછી વિકલાંગ લોકોનો અને મહિલાઓનો સમાવેશ કરવા માટે કોઈ વિશેષ પ્રયાસોની જરૂર નહિ પડે, તે તો સતત સમાવેશ પામતા જ રહેશે.
અસહાયતામાં ઘટાડા માટે હિતધારકોનું ક્ષમતાવર્ધન અને તેમાં મહિલાઓ તથા વિકલાંગો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું :વિકલાંગતાના સામાજિક મૉડેલમાં એમ સ્વીકારવામાં આવ્યું છે કે સમાજમાં જે અનેક અવરોધો છે તે વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓના વિકાસની પ્રક્રિયાને મર્યાદિત બનાવે છે. તેથી વિકલાંગતા એ એક વિકાસલક્ષી મુદ્દો છે અને ગરીબી ઘટાડવા માટે વિકલાંગ લોકોના ફાળાનો સમાવેશ કરવો જરૂરી છે એ બાબતો વિવિધ હિતધારકોને એ બાબતે અભિમુખ અને સંવેદનશીલ બનાવવા જરૂરી છે. અનુભવો એમ સૂચવે છે કે ઘણી વાર નાગરિક સમાજ અને સરકાર વિકલાંગતાના સમાવેશ માટે શું કરવું અને કેવી રીતે કરવું કે તે જાણતા હોતા નથી. વિકલાંગો, તેમનાં સંગઠનો અને પુનર્વસનની સંસ્થાઓનું સંકલન, સરકાર, ચિકિત્સકો, આરોગ્ય ક્ષેત્રના નિષ્ણાતો, સ્થપતિઓ, ડિઝાઈનરો, સેવાઓના પુરવઠાકારો અને શિક્ષણ ક્ષેત્રના તજ્જ્ઞો સાથે થાય એ આવશ્યક છે કે જેથી વિકલાંગતાનાં ટેકનિકલ પાસાં વિશેની સમજ ઊભી થાય તેમ જ વિકલાંગતા, મહિલાઓ તથા આપત્તિ જોખમ ઘટાડા વિશે સંશોધન હાથ ધરાય.
ગામથી આંતરરાષ્ટ્રીય સ્તર સુધી આપત્તિ જોખમ ઘટાડામાં
વિકલાંગોના સમાવેશ માટે લોબિંગ અને હિમાયત:મોટા ભાગનાં વિકાસલક્ષી સંગઠનોની કાર્યસૂચિમાં હજુ પણ વિકલાંગતાનો સમાવેશ કરવામાં આવ્યો નથી. જોકે, સામાજિક મૉડેલના આગમનથી વ્યક્તિ-કેન્દ્રી, આરોગ્ય અને કલ્યાણલક્ષી અભિગમ હવે દૂર થયો છે ખરો. આપત્તિની પરિસ્થિતિમાં વિકલાંગતાને મુખ્ય પ્રવાહનો મુદ્દો બનાવવાનાં મોટા ભાગનાં ઉદાહરણો પ્રતિક્રિયાત્મક છે, ક્રિયાત્મક નથી. વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓને તેમાં આપત્તિ અગાઉ, આપત્તિ દરમ્યાન અને આપત્તિ પછી સામેલ કરવાની આવશ્યકતા છે. હ્યુગો ફ્રેમવર્ક ફોર ઍકશન (2005-15), આપત્તિ ઘટાડા અંગેની વૈશ્વિક પરિષદમાં સ્વીકારાયું છે તેમાં પણ કુદરતી આપત્તિઓ સામે જગતને વધુ સલામત બનાવવાની વાત છે પણ તેમાં પણ વિકલાંગતાનો સમાવેશ કરાયો નથી.
જોકે, કેટલાંક આંતરરાષ્ટ્રીય બિન-સરકારી સંગઠનો દ્વારા જે સ્ફિયર ધોરણો સ્વીકારવામાં આવ્યાં છે તે માનવતાવાદી સહાય માટે છે. તેમાં આપત્તિગ્રસ્ત લોકો માટે ગુણવત્તાયુક્ત સહાયની વ્યવસ્થા ઊભી કરવા અનેક બાબતોનો સમાવેશ કરાયો છે. તેમાં રાજ્યોનું ઉત્તરદાયિત્વ ઊભું થાય તે માટે પ્રયાસો કરવા પડશે. સ્ફિયર ધોરણોમાં વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓની સાથેસાથે બાળકો, વૃદ્ધો, મહિલાઓ અને એઈડ્સગ્રસ્ત લોકોનો પણ સમાવેશ કરાયો છે. તેમાં આકલન, પ્રતિભાવ, લક્ષ્યાંકન, દેખરેખ અને મૂલ્યાંકનમાં તમામ જૂથોનાં પ્રતિનિધિત્વ અને સહભાગિતા સંબંધી બાબતોનાં નિશ્ચિત ધોરણો છે. આ ધોરણોમાં સહાય પહોંચાડનારા કાર્યકરોની ક્ષમતા અને જવાબદારીઓ, સંચાલન, ટેકારૂપ સ્ટાફ વગેરે જેવી બાબતોનો પણ સમાવેશ થાય છે. 2007માં બિવાકો મિલેનિયમ ફ્રેમવર્કની મધ્યસત્રીય સમીક્ષા સમયે આપત્તિ જોખમ ઘટાડામાં વિકલાંગતાનો સમાવેશ કરવા માટે સ્પષ્ટ વ્યૂહરચના ઘડવામાં આવી હતી. તેમાં હ્યુગો ફ્રેમવર્ક ફોર ઍકશનનો પણ સમાવેશ થયો હતો. આપત્તિના સામનાની તૈયારી અને આપત્તિ પછી પુનર્બાંધકામની પ્રવૃત્તિઓમાં માળખાગત સવલતોના વિકાસમાં સાર્વત્રિક ડિઝાઈનનો સમાવેશ કરવાના ખ્યાલનો તેમાં સમાવેશ થયો છે. સીઆરપીડીની કલમ-11 જોખમ અને માનવતાવાદી કટોકટીની સ્થિતિ વિશે છે. તેમાં જોખમની સ્થિતિમાં વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓને આવરી લેવામાં આવી છે. આ જોખમો સશસ્ત્ર સંઘર્ષો, માનવતાવાદી કટોક્ટીઓ અને કુદરતી આપત્તિઓને લીધે ઊભાં થઈ શકે છે. આ બધી બાબતો છતાં અનેક ખામીઓ હજુ પ્રવર્તે છે. અને આપત્તિ જોખમ ઘટાડામાં વિકલાંગતાના મુદ્દાનો સમાવેશ થાય તે માટે નીચે જણાવેલાં પગલાં લેવાવાં જોઈએઃ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 11/17/2019