অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના

આમુખ :

સન ૨૦૦૧ થી ૨૦૧૫ સુધીના દોઢ દશકમાં ગુજરાતે ઔદ્યોગિક ક્ષેત્રે હરણફાળ ભરી છે. રાજ્ય અને રાજ્ય બહારના મૂડીરોકાણથી અનેક નવા ઉદ્યોગો સ્થપાઇ રહ્યા છે. તેના અનુસંધાનમાં રાજ્યમાં છેલ્લા ૧૫ વર્ષમાં વ્યવસાયિક અભ્યાસક્રમોના ક્ષેત્રે બેઠકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયેલ છે. ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ બાદ ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રના વિવિધ અભ્યાસક્રમોમાં વધુમાં વધુ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી રાજ્યના વિકાસમાં તેઓનો ફાળો નોંધાવી રહ્યા છે. તે પરિપેક્ષ્યમાં જે વિદ્યાર્થીઓના વાલીની મર્યાદિત આવક હોય અને આવી મર્યાદિત આવકને કારણે વાલીઓ તેમના તેજસ્વી સંતાનોને ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રના ખાસ કરીને વ્યવસાયિક અભ્યાસક્રમોમાં મોકલવા બાબતે મૂંઝવણ અનુભવતા હોય છે. ઉચ્ચ શિક્ષણના અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ટ્યુશન ફી, સાધન-પુસ્તકોની ખરીદી ઉપરાંત જ્યારે પોતાના ઘરથી બહાર દૂરના સ્થળે અભ્યાસ અર્થે જતા હોય છે ત્યારે રહેવા-જમવા માટે પણ ઘણો ખર્ચ થતો હોય છે. આથી અભ્યાસમાં તેજસ્વી આવા વિદ્યાર્થીઓ તેઓના વાલીની મર્યાદિત આવકને કારણે ફી ચૂકવવા તેમજ નિભાવ ખર્ચમાં આર્થિક સહાય વગર ઉચ્ચ અભ્યાસ આગળ ધપાવવામાં ખુબ જ મુશ્કેલી અનુભવતા હોય છે. રાજ્યના ઉચ્ચ શિક્ષણના અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માંગતા તેજસ્વી અને જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓની કારકિર્દીના ઘડતર માટે આર્થિક સહાય મળી રહે તે માટે રાજય સરકારને વિવિધ રજુઆતો મળેલ હતી. રાજ્ય સરકારને મળેલી રજુઆતોને ધ્યાને લઈ તેજસ્વી અને જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવામાં સમાન તકો મળી રહે તે માટે ગુણવત્તા અને આવક (Merit cum Means)ના માપદંડોને ધ્યાને લઇ યોગ્યતા પ્રાપ્ત વિદ્યાર્થીઓને સમાન ધોરણે આર્થિક સહાય આપવાની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી. આ ઉપરાંત શિક્ષણ વિભાગના તા.૧૭/૦૫/૨૦૧૩ના ઠરાવથી રાજ્યની સરકારી તથા બિન સરકારી ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં ધોરણ ૯ થી ૧૨માં અભ્યાસ કરતાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ તથા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓને મફત પાઠયપુસ્તકો પુરા પાડવાની યોજના અમલમાં છે, તે જોતાં, વિશાળ શૈક્ષણિક હિત ધ્યાને લઇ, અભ્યાસ માટે જરૂરી સવલતો સમાન ધોરણે મળી રહે તે હેતુથી આવકની મર્યાદા ધ્યાને લીધા સિવાય સરકારી અને બિન સરકારી ગ્રાન્ટેડ શાળામાં ધોરણ ૯ થી ૧૨માં અભ્યાસ કરતાં તમામ વિદ્યાર્થીઓને મફત પાઠ્યપુસ્તકો પુરા પાડવાની બાબત તથા સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં તમામ વિદ્યાર્થીઓને મફત ગણવેશ, પાઠયપુસ્તકો અને શિષ્યવૃત્તિનો લાભ તેઓના વાલી/માતા-પિતાની આવકમર્યાદાને ધ્યાને લીધા સિવાય આપવાની બાબત પણ સરકારશ્રીની સક્રિય વિચારણા હેઠળ હતી. પુખ્ત વિચારણાને અંતે પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણના અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતાં તમામ વર્ગોના તેજસ્વી અને જરૂરીયાતમંદ યોગ્યતા પ્રાપ્ત વિદ્યાર્થીઓને અભ્યાસ માટે આર્થિક સહાય તેમજ અન્ય સવલતો સમાન ધોરણે મળી રહે તે હેતુથી મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અમલમાં મુકવામાં આવે છે અને તે અંતર્ગત નીચે મુજબ ઠરાવવામાં આવે છે.

ઠરાવઃ

૧. 1. આ યોજનાનું નામ મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના રહેશે. 2. આ યોજના અંતર્ગત પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણના અભ્યાસ માટે નીચે મુજબના લાભો મળવાપાત્ર થશે.

પ્રાથમિક શિક્ષણ:

સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓને મફત ગણવેશ/ગણવેશ સહાય, મફત પાઠયપુસ્તકો અને શિષ્યવૃત્તિના આપવામાં આવતા લાભની માફક જ બિન અનામત વર્ગના તમામ વિદ્યાર્થીઓને પણ મફત ગણવેશ, પાઠયપુસ્તકો અને શિષ્યવૃત્તિના લાભ આપવામાં આવશે. હવેથી આ લાભ સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા તમામ વર્ગોના વિદ્યાર્થીઓને તેઓના વાલી/માતા-પિતાની આવકમર્યાદા ધ્યાને લીધા સિવાય એકસમાન ધોરણે મળવાપાત્ર થશે.

માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ:

સરકારી અને અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ધોરણ-૯ થી ધોરણ-૧૨ માં અભ્યાસ કરતાં તમામ વિદ્યાર્થીઓને તેઓના વાલી/માતા-પિતાની વાર્ષિક આવકમર્યાદા ધ્યાને લીધા સિવાય મફત પાઠ્યપુસ્તકો મળવાપાત્ર થશે.

ઉચ્ચ શિક્ષણ

આ યોજના હેઠળ ઉચ્ચ શિક્ષણ માટે સહાય મેળવવાની પાત્રતા માટે નીચે મુજબના ધોરણો રહેશે.

  1. ડિપ્લોમા કક્ષાના અભ્યાસક્રમો માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની અથવા અન્ય માન્ય બોર્ડની ગુજરાતમાંથી ધોરણ-૧૦ની પરીક્ષામાં ૮૦ કે તેથી વધુ પરસેન્ટાઇલ મેળવનાર વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળશે.
  2. સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની અથવા અન્ય માન્ય બોર્ડની ગુજરાતમાંથી ધોરણ-૧૨ની વિજ્ઞાન પ્રવાહ અથવા સામાન્ય પ્રવાહની પરીક્ષામાં ૯૦ કે તેથી વધુ પરસેન્ટાઇલ મેળવનાર વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળશે.
  3. રૂ. ૪,૫૦,૦૦૦/- (અંકે રૂપિયા ચાર લાખ પચાસ હજાર પૂરા) સુધીની વાર્ષિક આવક ધરાવતા વાલીઓના સંતાનો સહાય મેળવવા માટે લાયક ગણાશે. વાર્ષિક આવકનું પ્રમાણપત્ર મામલતદારશ્રી/તાલુકા વિકાસ અધિકારીશ્રી પાસેથી મેળવવાનું રહેશે
  4. ડીપ્લોમાં અને સ્નાતક અભ્યાસક્રમના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને તેમના અભ્યાસક્રમના નિયત સમયગાળા સુધી સહાય મળવાપાત્ર થશે.
  5. સ્વ-નિર્ભર અભ્યાસક્રમોમાં એન.આર.આઇ. બેઠકો પર પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓને આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર થશે નહી.

ઉચ્ચ શિક્ષણ માટે સહાયની રકમ :

આ યોજના હેઠળ નીચે મુજબ સહાય મળવાપાત્ર રહેશે.

ટ્યુશન ફી સહાય

  1. પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને ધોરણ-૧૨ પછીના ઉચ્ચ શિક્ષણના સ્નાતક કક્ષાના મેડીકલ અને ડેન્ટલના સરકાર માન્ય સંસ્થાના સ્વ-નિર્ભર અભ્યાસક્રમો માટે નિયત થયેલ વાર્ષિક ટ્યૂશન ફીની ૫૦% રકમ અથવા રૂપિયા ૨,૦૦,૦૦૦/- તે બે પૈકી જે ઓછું હોય તેટલી સહાય દર વર્ષે મળવાપાત્ર થશે.
  2. પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને ધોરણ-૧૨ પછીના ઉચ્ચ શિક્ષણના સ્નાતક કક્ષાના પ્રોફેશનલ કોર્સીસ જેવા કે ઇજનેરી ટેકનોલોજી, ફાર્મસી, આર્કિટેકચર, એગ્રીકલ્ચર, આયુર્વેદ, હોમીયોપેથી, નસીંગ, ફીઝીયોથેરાપી, પેરા-મેડીકલ, વેટરનરી જેવા સરકાર માન્ય સંસ્થાના સ્વ-નિર્ભર અભ્યાસક્રમો માટે નિયત થયેલ વાર્ષિક ટ્યૂશન ફીની ૫૦% રકમ અથવા રૂપિયા ૫૦,૦૦૦/- તે બે પૈકી જે ઓછું હોય તેટલી સહાય દર વર્ષે મળવાપાત્ર થશે.
  3. પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને ધોરણ-૧૨ પછીના ઉચ્ચ શિક્ષણના સ્નાતક કક્ષાના કોર્સીસ જેવા કે બી.એસ.સી., બી.કોમ, બી.એ., બી.બી.એ., બી.સી.એ. જેવા સરકાર માન્ય સંસ્થાના સ્વ-નિર્ભર અભ્યાસક્રમો માટે નિયત થયેલ વાર્ષિક ટ્યૂશન ફીની ૫૦% રકમ અથવા રૂપિયા ૧૦,000/- તે બે પૈકી જે ઓછું હોય તેટલી સહાય દર વર્ષે મળવાપાત્ર થશે.
  4. પાત્રતા ધરાવતા વિધ્યાર્થીઓને ધોરણ-૧૦ પછીના સરકાર માન્ય સંસ્થાના ડીપ્લોમા સ્વ-નિર્ભર અભ્યાસક્રમો માટે નિયત થયેલ વાર્ષિક ટ્યૂશન ફીની ૫૦% રકમ અથવા રૂપિયા ૨૫,૦૦૦/- તે બે પૈકી જે ઓછું હોય તેટલી સહાય દર વર્ષે મળવાપાત્ર થશે.
  5. સરકારી મેડીકલ, ડેન્ટલ, ઇજનેરી કોલેજોમાં જનરલ બેઠકો પર અનામત કક્ષાના વિદ્યાર્થીઓ જે સંખ્યામાં પ્રવેશ મેળવે અને તેને કારણે જનરલ કેટેગરીના જે સંખ્યામાં વિદ્યાર્થીઓને સ્થળાંતર કરવું પડે અને છેલ્લે જો કોઇ પણ સરકારી કોલેજમાં તેઓને પ્રવેશ ન મળે અને ફરજિયાતપણે તેઓને સ્વ-નિર્ભર કોલેજમાં પ્રવેશ મેળવવો પડે તો આવા આ યોજના હેઠળ પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને પ્રવેશ મેળવેલ સ્વ-નિર્ભર કોલેજ અને સરકારી કોલેજ વચ્ચેની ટ્યુશન ફીના તફાવતની રકમ સહાય પેટે મળવાપાત્ર થશે.

રહેવા-જમવા પેટે સહાય

આ યોજના હેઠળ પાત્રતા ધરાવતા અને સ્નાતક અથવા ડિપ્લોમા અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવી પોતાના પ્રવર્તમાન રહેઠાણના તાલુકાની બહાર અભ્યાસ કરતા અને સરકારી અનુદાનિત છાત્રાલયમાં પ્રવેશ નહી મળ્યો હોય તેવા વિદ્યાર્થીઓને વર્ષના ૧૦ મહિના માટે દર મહિને રહેવા-જમવાની સહાય પેટે રૂ.૧,૨૦૦ મળવાપાત્ર રહેશે. આવા વિદ્યાર્થીઓએ પોતાના પ્રવર્તમાન રહેઠાણના તાલુકાથી બહાર તેઓ અભ્યાસ કરતા હોવાનું તથા સરકારી/અનુદાનિત છાત્રાલયમાં પ્રવેશ નહી મળ્યા બાબતનું એકરારનામું આપવાનું રહેશે.   

સાધન-પુસ્તક સહાય

આ યોજના હેઠળ પાત્રતા ધરાવતા હોય તેવા મેડીકલ/ડેન્ટલના સ્નાતક અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને પ્રથમ , વર્ષે સાધન-પુસ્તક સહાય પેટે રૂ.૧૦,૦૦૦, ઇજનેરી/ ટેકનોલોજી, ફાર્મસી, આર્કિટેક્ટરના સ્નાતક અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને પ્રથમ વર્ષે સાધન-પુસ્તક સહાય પેટે રૂ.૫,૦૦૦ તથા ડીપ્લોમા અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને પ્રથમ વર્ષે સાધન-પુસ્તક સહાય પેટે રૂ. ૩,૦૦૦ ' મળવાપાત્ર રહેશે. અભ્યાસક્રમની અવધિ દરમ્યાન સાધન-પુસ્તક - સહાય માત્ર એક જ વખત મળવાપાત્ર રહેશે.
  • ઉચ્ચ શિક્ષણ સહાય માટેની રાજ્ય સરકાર અથવા ભારત સરકારની વિવિધ યોજનાઓ અથવા અન્ય કોઇ યોજનાઓ પૈકી કોઇ એક યોજના હેઠળ લાભ મેળવવા માટે વિદ્યાર્થી પસંદગી કરવાની રહેશે. કોઇ પણ વિદ્યાર્થી એક સાથે એકથી વધુ યોજનાને પસંદગી આપે છે. તે એક જ યોજના હેઠળ લાભ મેળવી શકશે.
  • મંજૂર થયેલ મળવાપાત્ર સહાયની રકમ વિદ્યાર્થીઓના બેન્ક એકાઉન્ટમાં સીધી જમા કરવાની રહેશે.
  • સહાય મેળવનાર વિદ્યાર્થી સામે સંસ્થાના નીતિ નિયમો અથવા નૈતિક ધોરણો પ્રમાણે ગંભીર શિસ્ત વિષયક કાર્યવાહી થઇ હશે તો આવો વિદ્યાર્થી સહાય મેળવવા માટે અથવા ચાલુ રાખવા માટે ગેરલાયક ઠરશે. જે કોઇ વિદ્યાર્થી પ્રોટી વિગતો, ખોટુ આવકનું પ્રમાણપત્ર મેળવીને કે અન્ય કોઇ રીતે ખોટી વિગત રજુ કરીને કે છેતરપિંડીથી સહાય મેળવેલ છે તેવું પ્રસ્થાપિત થતાં વિદ્યાર્થી પાસેથી સહાયની તમામ રકમ ૧૮%ના દંડનીય વ્યાજ સહિત પરત કરાવવા ઉપરાંત કાયદેસરની કાર્યવાહી માટે પગલાં લેવામાં આવશે.
  • વિદ્યાર્થીએ પ્રવેશ મેળવ્યા પછીના ક્રમિક શૈક્ષણિક વર્ષમાં રીન્યુઅલ સહાય મેળવવા માટે અગાઉ જે વર્ષે સહાય મળી હોય તે પરીક્ષામાં ઓછામાં ઓછા ૫૦% માર્ક્સ સાથે ઉત્તિર્ણ થવાનું રહેશે.
  • સહાય મેળવનાર વિદ્યાર્થીઓની જે તે શૈક્ષણિક સંસ્થાના નીતિ નિયમો પ્રમાણે જે તે શૈક્ષણિક વર્ષમાં ઓછામાં ઓછી ૭૫% હાજરી હોવી જરૂરી રહેશે.

યોજનાનું અમલીકરણ:

  1. આ યોજના અંતર્ગત પ્રાથમિક શિક્ષણ માટે આપવાની થતી સહાયની વહીવટી વ્યવસ્થા તથા નાંણાકીય જોગવાઈ સંબંધિત કાર્યવાહી નિયામકશ્રી, પ્રાથમિક શિક્ષણની કચેરી દ્વારા કરવાની રહેશે.
  2. આ યોજના અંતર્ગત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ માટે આપવાની થતી સહાયની વહીવટી વ્યવસ્થા તથા નાંણાકીય જોગવાઈ સંબંધિત કાર્યવાહી કમિશનરશ્રી શાળાઓની કચેરી દ્વારા કરવાની રહેશે.
  3. આ યોજના અંતર્ગત ઉચ્ચ શિક્ષણ સહાયની કાર્યવાહી નોડલ એજન્સી તરીકે નોલેજ કન્સોર્ટીયમ ઑફ ગુજરાત (કેસીજી) મારફત કરવાની રહેશે. આ માટે કેસીજીની કચેરી ખાતે એક અલાયદુ એકમ ઉભું કરવાનું રહેશે.
  4. ઉચ્ચ શિક્ષણ માટે આપવાની થતી સહાયની કાર્યવાહી માટે કેસીજી ખાતે કાર્યરત થનાર એકમ દ્વારા નેશનલ ઇન્ફર્મેટીક્સ સેન્ટર (એન.આઇ.સી.) ના પરામર્શમાં વેબ પોર્ટલ બનાવડાવી પાત્રતા ધરાવતા વિધાર્થીઓ પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવવાની રહેશે.
  5. આ યોજના હેઠળ રાજ્યભરમાં આવેલી યુનિવર્સિટીઓ / સંસ્થાઓ ખાતે નિયુક્ત કરેલ હેલ્પ સેન્ટરો મારફતે કેસીજી ખાતે અરજીઓ મંગાવવાની રહેશે. યુનિવર્સિટીઓ-સંસ્થાઓ-હેલ્પ સેન્ટરો સાથેના તથા વિદ્યાર્થીઓની સહાય સંબંધિત રજુઆતોને લગતા તમામ પત્રવ્યવહાર કેસીજી ખાતેના સેલમાં કરવાના રહેશે.
  6. કેસીજી ખાતેના એકમને મળેલ ઓનલાઈન અરજીઓની ચકાસણી અને મંજુરી માટે નીચે જણાવેલ કમિશનરશ્રી/નિયામકશ્રીની કચેરીઓને મોકલવાની રહેશે.
    • ટેકનિકલ શિક્ષણને લગતા અભ્યાસક્રમો માટે કમિશનરશ્રી, ટેકનિકલ  શિક્ષણની કચેરી,
    • ઉચ્ચ શિક્ષણને લગતા અભ્યાસક્રમો માટે કમિશનરશ્રી, ઉચ્ચ શિક્ષણની કચેરી,
    • મેડીકલ, ડેન્ટલ અને પેરામેડીકલને લગતા અભ્યાસક્રમો માટે કમિશનરશ્રી, આરોગ્ય, તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણની કચેરી,
    • એગ્રીકલ્ચરને લગતા અભ્યાસક્રમો માટે નિયામકશ્રી, ખેતીની કચેરી,
    • વેટરનરીને લગતા અભ્યાસક્રમો માટે નિયામકશ્રી, પશુપાલનની કચેરી,
    • આ સિવાયના અન્ય રાલ્યાસક્રમો માટે સંબંધિત નિયામકશ્રી / કમિશનરશ્રીની કચેરી દ્વારા અરજીઓની ચકાસણી અને મંજુરીની - કાર્યવાહી કરવાની રહેશે.
  7. સંબંધિત કચેરીઓ દ્વારા નિયત કરાયેલ જોગવાઇ મુજબના ધોરણો સંતોષતા વિદ્યાર્થીઓને સહાયની ચુકવણી માટે કેસીજીને વિદ્યાર્થીઓની પ્રમાણિત યાદી મોકલી આપવાની રહેશે. કેસીજી દ્વારા કેન્દ્રીયકૃત ધોરણે ઉચ્ચ શિક્ષણ સહાયની રકમનું ચૂકવણું કરવાનું રહેશે.
  8. આ યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા ઉચ્ચ શિક્ષણ સહાય માટે વખતો વખતફાળવવામાં આવતી ગ્રાન્ટની રકમનું કેસીજી દ્વારા જી.એસ.એફ.એસ. માં રોકાણ કરવાનું રહેશે.
  9. વહીવટી કામગીરી માટે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના ની દરેક વર્ષની બજેટ જોગવાઇના ૧% (એક ટકા)ની રકમ કેસીજીની કચેરીને વ્યાજમાંથી થયેલ ખરેખર થયેલ ખર્ચની મર્યાદામાં મળવાપાત્ર રહેશે. જેનો ખર્ચ યોજનાને લગતી આનુષંગિક કામગીરી માટે કરવાનો રહેશે. યોજના અન્વયે થયેલ તમામ ખર્ચ બાદ કરતાં વધેલી વ્યાજ ની રકમ મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન નિધિ તરીકે ગણવાની રહેશે.
  10. આ યોજનાનો અમલ ૨૦૧૫-૨૦૧૬ ના શૈક્ષણિક વર્ષથી કરવાનો રહેશે. આ હુકમો વિભાગની સરખા ક્રમાંકની ફાઇલ ઉપર નાણાં વિભાગની તા.૭/૧૦/ર૦૧૫ની નોંધથી મળેલ સંમતિ અન્વયે બહાર પાડવામાં આવે છે.
    • નામ. રાજ્યપાલશ્રીના અગ્ર સચિવશ્રી, રાજભવન, ગાંધીનગર (પત્ર દ્વારા)
    • માન. મુખ્ય મંત્રીશ્રીના સચિવશ્રી, માન. મુખ્ય મંત્રીશ્રીનું કાર્યાલય સચિવાલય, ગાંધીનગર.
    • માન. મંત્રીશ્રી (આરોગ્ય) ના અંગત સચિવશ્રી, સચિવાલય, ગાંધીનગર.
    • માન. મંત્રીશ્રી (સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ)ના અંગત સચિવશ્રી, સચિવાલય
    • માન. મંત્રીશ્રી (નાણાં) ના અંગત સચિવશ્રી, સચિવાલય, ગાંધીનગર,
    • માન. મંત્રીશ્રી (મહેસુલ) ના અંગત સચિવશ્રી, સચિવાલય, ગાંધીનગર,
    • માન. મંત્રીશ્રી (શિક્ષણ) ના અંગત સચિવશ્રી, સચિવશ્રી, સચિવાલય, ગાંધીનગર.
    • માન. મંત્રીશ્રી (આદિજાતિ વિકાસ) ના અંગત સચિવશ્રી સચિવશ્રી. સચિવાલય, ગાંધીનગર.
    • માન. મંત્રીશ્રી (કૃષિ,સહકાર અને પશુપાલન) ના અંગત સચિવશ્રી, સચિવશ્રી, સચિવાલય
    • માન. રા.ક. મંત્રીશ્રી (ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ) ના અંગત સચિવશ્રી, સચિવાલય,
    • માન. રા.ક. મંત્રીશ્રી (પ્રાથમિક શિક્ષણ) ના અંગત સચિવશ્રી, સચિવાલય, ગાંધીનગર. અધિક મુખ્ય સચિવશ્રી, (નાણાં) નાણાં વિભાગ સચિવાલય, ગાંધીનગર.
    • અધિક મુખ્ય સચિવશ્રી, (આરોગ્ય આરોગ્ય વિભાગ સચિવાલય, ગાંધીનગર. - અધિક મુખ્ય સચિવશ્રી, (શિક્ષણ) શિક્ષણ વિભાગ સચિવાલય, ગાંધીનગર.
    • અધિક મુખ્ય સચિવશ્રી, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ સચિવાલય, ગાંધીનગર.
    • અગ્ર સચિવશ્રી, (ઉચ્ચ અને ટેક. શિક્ષણ) શિક્ષણ વિભાગ સચિવાલય, ગાંધીનગર.
    • અગ્ર સચિવશ્રી (મહેસૂલ) મહેસૂલ વિભાગ, સચિવાલય, ગાંધીનગર
    • અગ્ર સચિવશ્રી (ખેતી, સહકાર) કૃષિ, સહકાર અને પશુપાલન વિભાગ સચિવાલય
    • સચિવશ્રી (આદિજાતિ વિકાસ વિભાગ), સચિવાલય, ગાંધીનગર,
    • સચિવશ્રી, (આ.બા.) નાણાં વિભાગ સચિવાલય, ગાંધીનગર.
    • સચિવશ્રી (ખર્ચ) નાણાં વિભાગ સચિવાલય, ગાંધીનગર.
    • કમિશનરશ્રી, આરોગ્ય, તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર.

સ્ત્રોત : કીર્તિદા બ્રહ્મભટ્ટ ,અધિક સચિવ (ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ), શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ ઠરાવ ક્રમાંક : પરચ/૧૦૨૦૧૪/યુઓઆર-૧/સ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 9/23/2019



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate