વિશ્વમાં જ્ઞાન આધારિત ઉદ્યોગો વિકસી રહ્યા છે. પરિણામ સ્વરૂપ ટેકનિકલ મેનપાવરની જરૂરિયાત વધી છે. આ બાબતને લક્ષમાં લઈ ગુજરાતે તેના શૈક્ષણિક પાયાને વધુ મજબૂત બનાવવાની દિશામાં ધ્યાન કેન્દ્રિત કર્યુ છે.
ગુજરાતમાં મજુરોની ઉત્પાદન-ક્ષમતા દેશના અન્ય રાજ્યોની તુલનામાં ઘણી સારી છે. ઉદ્યોગ સાહસિકતા આ રાજ્યની પ્રજાની નસોમાં વહે છે, તેથી સ્વરોજગાર એ દરેક ગુજરાતીનું સ્વપ્ન હોય છે. આ ખુમારીના કારણે રાજ્યની કુલ વસ્તીમાંથી ઘણો મોટો હિસ્સો સ્વરોજગાર થકી જ રોજી રળે છે.
ગુજરાતી પ્રજા ધંધા રોજગાર ઉપરાંત શિક્ષણ પ્રત્યે પણ ગંભીર છે. આ હકીકતો એ બાબત પુરવાર કરે છે. ભારતનો સાક્ષરતા દર ૬૫.૩૮ છે, જ્યારે ગુજરાતનો સાક્ષરતાનો દર ૬૯.૧ છે.દેશની અગ્રણી બિઝનેસ મેનેજમેન્ટ સ્કુલ ઈન્ડીયન ઈન્સ્ટીટયૂટ ઓફ મેનેજમેન્ટ,અમદાવાદ(આઈ.આઈ.એમ- એ) અમદાવાદમાં આવેલી છે. આઈઆઈએમ, અમદાવાદ ઉપરાંત નેશનલ ઈન્સ્ટીટયૂટ ઓફ ડિઝાઈન(એનઆઈડી), નેશનલ ઈન્સ્ટીટયૂટ ઓફ ફેશન ટેકનોલોજી(નીફટ) અને ધ એન્ટરપ્રિન્યોરશીપ ડેવલપમેન્ટ ઈન્સ્ટીટયૂટ ઓફ ઈન્ડિયા(ઈ.ડી.આઈ) જેવી પ્રતિષ્ઠીત સંસ્થાઓ ગુજરાતમાં સ્થિત છે. રાજ્યમાં ઉચ્ચ શિક્ષણનું પ્રમાણ વધારવા રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. રાજ્યમાં હાલ ૨૫ એન્જિનિયરીંગ કોલેજ, ૨૬ મેનેજમેન્ટ ઈન્સ્ટીટયૂટ અને ૩૦૦ ટેકનિકલ ઈન્સ્ટીટયૂટ આવેલા છે.
ગુજરાત રાજ્ય ૧૬૦૦ કિલોમીટરનો લાંબો દરિયાકાંઠો ધરાવે છે, ત્યારે આ દરિયાકાંઠાના ઉદ્યોગોને પ્રોત્સાહન મળે તે અનિવાર્ય છે. રાજ્યને પ્રાપ્ત થયેલાઆ ભૌગોલિક અનુકુળતાનો લાભ લેવા માટે રાજ્ય સરકાર શીપબિલ્ડીંગ યુનિવર્સિટી શરુ કરવા સક્રિય રીતે વિચારી રહી છે. કચ્છમાં સ્થપાનારી આ યુનિવર્સિટી દેશની આવી એકમાત્ર યુનિવર્સિટી હશે. રાજ્ય સરકારે બાળકના સર્વાંગી વિકાસ માટે ચિલ્ડ્રન યુનિવર્સિટી(બાલ ગોકુલમ) શરુ કરવાનું નક્કી કર્યુ છે, તેના માટેનું બિલ પણ વિધાનસભામાં રજુ થઈ ચુક્યું છે.
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ કન્યા કેળવણી પર ભાર મુકતા કહેલું કે જો દીકરો ભણે તો એક કુટુંબ શિક્ષિત બનશે, દીકરી ભણશે તો બે કુટુંબ શિક્ષિત બનશે. રાજ્ય સરકારે રાષ્ટ્રપિતાના આ વિચારને વાસ્તવિક રુપ આપવા માટે કન્યા કેળવણી માટે વિશેષ ઝુંબેશ શરુ કરી. મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ રાજ્યમાં કન્યા કેળવણી રથયાત્રા કાઢી ૫,૨૫,૦૦૦ થી વધુ કન્યાઓને શાળામાં દાખલ કરવાનું આયોજન હાથ ધર્યુ. ૨૦૧૦માં ગુજરાત રાજ્ય સ્વર્ણ જ્યંતિ વર્ષ તરીકે ઉજવી રહ્યું છે, ત્યારે રાજ્ય સરકારે એવો સંકલ્પ કર્યો છે કે વર્ષના અંત સુધીમાં બાળકનો શાળા છોડી જવાનો દર શૂન્ય પર લઈ જવો.
ઔદ્યોગિક વિકાસના પગલે રાજ્યમાં વિવિધ ક્ષેત્રના અભ્યાસક્રમો માટેની શક્યતાઓ રહેલી છે.:
ગુજરાતમાં તંદુરસ્ત જીવનધોરણના કારણે પ્રજા લાંબું આયુષ્ય ભોગવે છે, મૃત્યુ દરનું પ્રમાણ ઓછું છે અને બાળમૃત્યુ દરનું પ્રમાણ નીચું છે. રાજ્યની વસ્તીના ૭૨.૩ ટકા હિસ્સાની વય ૪૫ વર્ષથી નીચી છે. ગુજરાતમાં ૧,૬૩૭ સરકારી હોસ્પિટલ છે અને ૧,૦૭૦ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે.
સ્ત્રોત: ગુજરાત રાજ્ય સરકારનું પોર્ટલ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 8/5/2019